ભાસ્કરની ટીમ જ્યારે ભાડાના ઘરમાં પહોંચી ત્યારે અન્ય ઇજનેર સહિતનો સ્ટાફ ભાગી ગયો હતો પણ મદદનીશ ઇજનેર ઠાકરશી કોબિયા ઝડપાયા હતા.
ચાર વર્ષથી સમાંતર ઓફિસ ઊભી કરી, વચેટિયા દ્વારા ‘વહીવટ’ થતો
કરપ્શન ફ્રોમ હોમ - બાંધકામ શાખાના એન્જિનિયરો વિરુદ્ધ ઉચ્ચ સ્તરે ફરિયાદ છતાં કોઈ એક્શન લેવાયાં નહીં
ભાસ્કરની ટીમને જોતા જ દસ્તાવેજો મૂકી ભાગ્યા, કોન્ટ્રાક્ટરો પાસેથી 7-9 % કમિશન મેળવતા
રાજકોટ જિલ્લાના જસદણની તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા બે એન્જિનિયરે કોન્ટ્રાક્ટર્સનાં બિલ પાસ કરવા માટે ભાડાનું મકાન રાખી ત્યાંથી ‘વહીવટ’ ચલાવતા હોવાની મળેલી માહિતીના આધારે દિવ્ય ભાસ્કરે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. તાલુકાના મદાવા ગામના સરપંચને સાથે રાખી તપાસ કરતાં બે ઇજનેર બાંધકામ શાખાની ઢગલાબંધ ફાઇલો, સ્ટેમ્પ સહિતના સાહિત્ય સાથે રંગેહાથ ઝડપાયા હતા. આ અંગે તેઓની પૂછપરછ કરતાં યોગ્ય જવાબ આપી શક્યા ન હતા.
સૌથી આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારે વહીવટ ચાલતો હતો. ટીડીઓ સહિતના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. છેવટે દિવ્ય ભાસ્કરને ફરિયાદ મળ્યા બાદ સોમવારે બપોરે 3થી 5ની વચ્ચે વાજસુરપરા શેરી નં.3 કે જ્યાં બે અધિક મદદનીશ ઇજનેર ભાડાનું મકાન રાખી માત્ર કોન્ટ્રાક્ટર્સના બિલ પાસ કરવાનો જ વહીવટ કરતા હતા તે અંગેની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
તાલુકા પંચાયતના બે અધિક મદદનીશ ઇજનેર ઠાકરશી કોબિયા, નીરવ મકવાણા તેમજ ગોડલાધાર ગામનો રમેશ સાકળિયા નામનો વચેટિયો સોમવારે પણ વાજસુરપરામાં પોતાની રીતે ભાડેથી રાખેલા મકાનમાં સરકારી કામ કરી રહ્યા હતા ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ અને મદાવા ગામના સરપંચ જયેશભાઇ જતાપરા ત્યાં દોડી ગયા હતા.
એકપણ અધિકારી કંઈ બોલી શક્યા નહીં
આ સમયે ભાડાના મકાનમાં બન્ને ઇજનેર અને વચેટિયો આરામથી કામ કરી રહ્યા હતા. અહીંયા શું કરી રહ્યા છો? તે અંગે પૂછતાં કોઇ યોગ્ય જવાબ મળ્યો ન હતો, તાલુકા પંચાયતની કચેરી હોવા છતાં ભાડાનું મકાન તમે, તમારી રીતે કેવી રીતે રાખી શકો?, સરકારી ફાઇલ અને સ્ટેમ્પ પેપર સહિતનું સાહિત્ય ઉચ્ચ અધિકારીની મંજૂરી વિના બહાર કેવી રીતે લાવ્યા? આ અંગે તમે કોઇને જાણ કરી છે? કે તમારી રીતે ફાઇલો સહિતનું સાહિત્ય તમે ભાડેથી રાખેલા મકાનમાં લઇ આવ્યા છો? આ સવાલોના જવાબ બેમાંથી એક પણ અધિકારી આપી શક્યા ન હતા.
આ સમયે નીરવ મકવાણા અને વચેટિયો રમેશ સાકળિયા સમય પારખીને ભાગી ગયા હતા. જસદણ તાલુકાના કેટલાક સરપંચે અગાઉ ડીડીઓ અને ટીડીઓ સહિતના અધિકારીઓને રજૂઆત કરીને એવા આક્ષેપ કર્યા હતા કે બન્ને અધિક મદદનીશ ઇજનેર કોબિયા અને મકવાણા એક વચેટિયો રાખીને ભાડાના મકાનમાં માત્ર કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરવાનું જ કામ કરે છે અને તેમાંથી 7 થી 9 ટકા કમિશન પણ કટકટાવે છે.
સરપંચોએ વારંવાર ફરિયાદ કરી હતી, પણ પગલાં નહીં
જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ વિઠ્ઠલ માલકીયાએ જણાવ્યું હતું કે અનેક ગામોના સરપંચોએ અગાઉ ફરિયાદ કરેલી કે તાલુકા પંચાયતના એસ.ઓ. અમારી પાસેથી બિલ પાસ કરવાની ટકાવારી લે છે. જેના પગલે મેં ટીડીઓ અને ડીડીઓને ત્રણેક મહિના પહેલાં લેખિતમાં રજૂઆત કરી છે. છતાં હજુ સુધી તે અંગે કોઈ કાર્યવાહી ટીડીઓ કે ડીડીઓ દ્વારા કરવામાં આવી નથી.
‘વહીવટ’ થાય નહીં ત્યાં સુધી બિલ પાસ થતા નહીં
મદાવા ગામના સરપંચ જયેશ જતાપરાએ જણાવ્યું હતું કે અમે જ્યારે પણ બાંધકામ શાખામાં આવીએ ત્યારે કોઈ હાજર હોતા નથી. એ લોકો પંચાયતની માપણી બુક સહિતના સરકારી કાગળો આ ભાડાના મકાનમાં રાખી ત્યાં ટકાવારીનો વહીવટ કરે છે. જો વહીવટ ન કરીએ તો એ લોકો બિલ પાસ કરતા નથી. આ બધું છેલ્લાં ચારેક વર્ષથી ચાલે છે. એ મકાનમાં તાલુકા પંચાયતના એન્જિનિયર સહિતના લોકો હોય છે. જો સરપંચ કામ ન કરે તો ટીડીઓ અને ડીડીઓ સસ્પેન્ડ કરવાની નોટિસો કાઢે છે.
ભાડાના ઘરમાં ઑફિસની ફાઇલો સહિતના દસ્તાવેજો
અધિક મદદનીશ ઇજનેરોને બિલ પાસ કરવામાં સમય ન વેડફાય તે માટે ભાડાના મકાનમાં જ તમામ સાધન સામગ્રી હાથવગી રાખી હતી.પંચાયત કચેરીમાં જ સાચવવાના હોય એવા અત્યંત ગોપનીય દસ્તાવેજો આ મકાનમાં હતા. મદાવાના સરપંચ સાથે ભાસ્કરની ટીમ ભાડાના મકાનમાં ધમધમતી કચેરીએ પહોંચી ત્યારે ત્યાં આરામથી કામ કરી રહેલા ઇજનેરો સહિતના સ્ટાફને ભાગવું ભારે થઇ પડ્યું હતું અને એક ઇજનેર આબાદ સપડાયો હતો.