અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શિવરાજપુરમાં ગૌચરની જમીનમાં 20 ફૂટ ખાડા ખોદી બે ટ્રેક્ટર, જેસીબીથી થતી’તી માટી ચોરી

શિવરાજપુરમાં ગૌચરની જમીનમાં 20 ફૂટ ખાડા ખોદી બે ટ્રેક્ટર, જેસીબીથી થતી’તી માટી ચોરી


  • અમારી ટીમે ઘટનાસ્થળે જઇ ગેરકાયદે માટી ચોરીના કારસ્તાનનો કર્યો પર્દાફાશ
  • તંત્રની મીઠી નજર તળે દિવસ રાત દોડતા હતા જેસીબી અને ટ્રેક્ટર
  • પોતાની અંગત માલિકીની જમીનમાં ખોદકામ થતું હોવાનું શખ્સોનું રટણ
  • કોઇને ’ય ખનનની મંજૂરી આપી ન હોવાની ના. કલેક્ટરની સાફ વાત


જસદણ તાલુકાના શિવરાજપુર ગામે આવેલા ડોળા વિસ્તારમાં અમુક માથાભારે શખ્સો દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીનમાં ખોદકામ કરી તંત્રની કોઈપણ મંજૂરી લીધા વગર બેફામ માટી ચોરી કરવામાં આવી રહી હતી. જો કે આ અંગે ગ્રામજનો દ્વારા અનેકવાર જવાબદાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. છતાં કોઈ કાર્યવાહી નહી કરાતા માટી ચોરોએ ગૌચરની જમીનમાં 20 ફૂટ જેટલા ઉંડા ખાડાઓ કરી રાત-દિવસ માટી ચોરી કરીને તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

શિવરાજપુરમાં ગૌચરની જમીનમાં 20 ફૂટ ખાડા ખોદી બે ટ્રેક્ટર, જેસીબીથી થતી’તી માટી ચોરી


જો કે આ અંગે શિવરાજપુર ગામના જાગૃત લોકોએ ગૌચરની જમીનમાં ચાલતા આ સમગ્ર કારસ્તાન અંગે દિવ્ય ભાસ્કરને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બે ટ્રેક્ટર તેમજ એક જેસીબીની મદદથી ચાલતા ગેરકાયદેસર માટી ચોરીના કારસ્તાનને પકડી પાડ્યું હતું. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ટ્રેક્ટર નં. GJ-03JC-0233 અને એક નંબર વગરના ટ્રેક્ટરમાં જેસીબી નં. GJ-24S-0663 ની મદદથી બેફામ માટી ચોરી કરવામાં આવી રહી હતી.

બાદમાં ખેડૂતોને ખેતરોમાં માટી નાંખવા માટે વેચાણથી આપતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જો કે માટી ચોરો ટીમને જોઈ બેઘડી હેબતાઈ પણ ગયા હતા અને નાસભાગ કરવા લાગ્યા હતા. બાદમાં આ માટી ચોરીને અંજામ આપનારા અજાણ્યા લોકો દ્વારા પોતાની માલિકીની જમીનમાં ખોદકામ કરવામાં આવતું હોવાનું થોડીવાર રટણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગ્રામજનોએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે માટી ચોરી ગૌચરની જમીનમાં જ કરાતી હતી.

અહીં સવાલ એ થાય છે કે, જો આ જમીન માલિકીની હતી તો શું જમીન માલિક દ્વારા આ ખોદકામ કરવા માટે વહીવટી તંત્રની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? જો ખરેખર માલિકીની જ જમીન હતી તો શા માટે માટી ચોરોએ તેમના લાગતા વળગતાઓને ફોન ધણધણાવ્યા હતા ?અને શા માટે નાસભાગ કરવા લાગ્યા હતા તે એક સવાલ બની ગયો છે. જો કે કાલે જસદણ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.


આ જમીન ખોદી નખાઈ, છતાં તંત્રને ધ્યાને ન આવ્યું!

અમુક માથાભારે લોકો દ્વારા ટ્રેક્ટર અને જેસીબીની મદદથી ગૌચરની જમીનમાં ખોદકામ કરી ગેરકાયદેસર માટી ચોરી કરવામાં આવી રહી હતી. જો કે દિવ્ય ભાસ્કરની ટીમે સ્થળ તપાસ કરતા આ માટી ચોરીના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો અને વધુ માટી ચોરી થતી અટકી ગઈ હતી. પરંતુ સવાલ એ થાય છે કે, આટલી બધી જમીનનું ખોદકામ કરી નાંખી બેફામ માટી ચોરી થઈ ગઈ. છતાં જેતે જવાબદાર તંત્રને કેમ આજદિન સુધી આ માટી ચોરીનું કારસ્તાન ધ્યાને ન આવ્યું વગેરે સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે.


કાલે મામલતદારને સ્થળ તપાસના કામે મોકલી આગળની કાર્યવાહી કરીશું

તે જમીન ખોદકામ અંગે અમારી પાસેથી એ લોકોએ કોઈ મંજૂરી લીધી નથી. કાલે જસદણ મામલતદારને બપોર બાદ સ્થળ તપાસ માટે મોકલીશ અને તપાસ કરાશે. જો એ લોકોએ ગૌચરની જમીનમાં ખોદકામ કર્યું હશે તો તેની સામે દંડ સહિતની કાર્યવાહી કરીશું. > કે.વી.બાટી, ડેપ્યુટી કલેકટર, જસદણ

વધુ નવું વધુ જૂનું