જસદણમાં નગરપાલિકાની જમીન પર ગેરકાયદે બાંધકામ
● બિલ્ડર્સે સમાત રોડ પર સરકારી જમીન પર દબાણ ખડકી દીધું
● પંચરોજકામમાં ખોટી સહી કરી દુકાન ખડકાતી હોવાની રાવ
જસદણમાં નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ સમાત રોડ પર બિલ્ડરો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દુકાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામ જસદણ પાલિકાની સરકારી જમીનમાં પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓની મિલીભગતથી ખોટું પંચ રોજકામ કરવા સહિતના ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી તેના આધારે ગેરકાયદેસર રીતે ખડકવામાં આવતું હોવાની સામાજિક કાર્યકર સુરેશભાઈ નથુભાઈ છાયાણી દ્વારા પાલિકાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
જેથી જસદણ પાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી જો આ જગ્યા ખરેખર પાલિકાની જ હોય તો આ સરકારી જમીનમાં ખડકાઇ રહેલા બાંધકામને અટકાવવું જોઇએ તેવી માગણી કરવામાં આવી છે. જો પાલિકા દ્વારા આબાંધકામને અટકાવી બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની સામાજિક કાર્યકર સુરેશ છાયાણીએ ચીમકી આપી છે.
જમીનના પંચરોજકામમાં પાલિકા પ્રમુખના પતિની સહી છે
જસદણ નગરપાલિકાએ જેતે સમયે કોર્ટમાં અરજી કરેલી કે આ સમાત રોડ પરની જમીન અમારી છે. તે કેસ ચાલતા 2012 માં કોર્ટ દ્વારા જસદણ પાલિકાની તરફેણમાં ચુકાદો આપતા તે કેસ પાલિકા જીતી ગઈ હતી. પરંતુ બિલ્ડરોએ કોર્ટના હુકમનો અનાદર કરી સરકારી જમીનમાં ડીએલઆર પાસે ખોટી માપણી કરાવી પાલિકાની સરકારી જમીનને બાજુમાં ફેરવી નાખી છે. જેથી આ અંગે મેં પાલિકા અને કલેકટરને અરજી કરી છે. આ લોકોએ જે જમીનનું પંચ રોજકામ કરેલ છે તેમાં પાલિકાના સિક્કાનો ગેરઉપયોગ થયો છે અને જ્યાં નગરપાલિકા પ્રમુખનો સિક્કો લાગ્યો છે તેમાં પ્રમુખના બદલે તેના પતિની સહી છે. જ્યાં બાંધકામ થઈ રહ્યું છે તે પાલિકાની સરકારી જગ્યા પર જ થઈ રહ્યું છે. જસદણ કોર્ટે પણ હુકમ કર્યો છે કે આ જગ્યા પાલિકાની છે.> સુરેશભાઈ છાયાણી, જસદણ
પંચ રોજકામમાં ખોટી સહી કરી છે કે કેમ તેની તપાસ કરાવી લઇશ
અમે તેમનો જવાબ પણ આપી દીધો છે અને પાલિકાની જે જગ્યા છે તેમાં કોઈ બાંધકામ થતું નથી. તેની અમે સ્ટાફને મોકલી સ્થળ તપાસ પણ કરાવી લીધી છે અને તે મુજબનો અમે તેમને જવાબ પણ આપ્યો છે. હું પંચ રોજકામનું જોઈને જણાવીશ. અમે જ્યારે તેનો જે પ્રમાણે કબ્જો સંભાળ્યો તે પછી ડીએલઆરએ માપણી શીટ પણ કરી આપી છે અને તે મુજબ અત્યારે જગ્યા ખુલ્લી છે. છતાં પંચ રોજકામમાં કોની સહીઓ છે તેની હું તપાસ કરાવું છું. > અશ્વિન વ્યાસ, ઈન્ચાર્જ ચીફ ઓફિસર,જસદણppp
Tags:
News