ભેટસુડા શાળાના મેદાનમાં રમતા 3 બાળકને હડકાયા શ્વાને બચકાં ભર્યાં
- ચોટીલા તાલુકાની શાળાનો બનાવ, બાળકોને જસદણ સિવિલમાં ખસેડાયા
- અન્ય બાળકો નાસી જવામાં સફળ રહેતાં શ્વાનના કહેરથી બચી શકયા
શ્વાનની વફાદારીની જગત આખામાં મિસાલ અપાય છે. પરંતુ વફાદાર ગણાતું પ્રાણી જ હડકાયું થાય તો તે પોતાની વફાદારી ભૂલી જાય છે. તેવો જ એક કિસ્સો ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકો સાથે બન્યો હતો. જેમાં ભેટસુડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 8 વર્ષના ત્રણ બાળકો જ્યોતિ પ્રવિણભાઈ ઘુઘલ, કેયુર હરેશભાઈ કુકડીયા અને હેતવી દિનેશભાઈ સાકળીયા રિસેસના સમયગાળામાં વર્ગખંડમાંથી બહાર નીકળી શાળાના ગ્રાઉન્ડમાં રમવા માટે નીકળ્યા હતા.
ત્યારે અચાનક એક હડકાયું શ્વાન શાળાના ગ્રાઉન્ડમાં ધસી આવતા ત્રણેય બાળકો કંઈ સમજે અને ભાગવાની કોશિશ કરે તે પહેલા જ હડકાયા શ્વાને ત્રણેય બાળકને હાથમાં અને પગમાં બચકાં ભરવાનું ચાલુ કરી દીધું હતું. જ્યારે અન્ય બાળકો ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ત્રણેય બાળકો હડકાયા શ્વાનનો પ્રતિકાર કરી શકવાની સ્થિતિમાં ન હોવાથી તેની ચીસાચીસ અને રાડારાડી સાંભળીને શાળાના શિક્ષકો તાત્કાલિક ગ્રાઉન્ડમાં દોડી આવ્યા હતા અને બહારનું દ્રશ્ય જોઈ સ્તબ્ધ બની ગયા હતા.
માંડ કરીને આ ત્રણેય બાળકોને હડકાયા શ્વાનથી છોડાવી તાત્કાલિક ત્રણેય બાળકોના વાલીઓને બોલાવી જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ત્રણેય બાળકોને હાજર તબીબો દ્વારા હડકવાના ઈન્જેકશન સહિતની સારવાર આપવામાં આવી હતી. આ તકે ઈજાગ્રસ્ત બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, આ હડકાયું શ્વાન હવે કોઈ બાળકનો ભોગ લે તે પૂર્વે તંત્ર જાગે તે ઈચ્છનીય છે.