અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મંત્રી બાવળિયાની સ્કૂલમાં કઈક તો રંધાયું ! : કાજલ રાત્રે 9.15 વાગ્યે વોશરૂમ ગઈ, 9.30એ બધા શોધવા નિકળ્યા ને 9.35એ ઝાડ પર લટકતી લાશ મળી, 20 મિનિટમાં શું થયું?

મંત્રી બાવળિયાની સ્કૂલમાં કઈક તો રંધાયું ! : કાજલ રાત્રે 9.15 વાગ્યે વોશરૂમ ગઈ, 9.30એ બધા શોધવા નિકળ્યા ને 9.35એ ઝાડ પર લટકતી લાશ મળી, 20 મિનિટમાં શું થયું?

દાદાની દુલારી, બહેનની ક્લોઝ, પપ્પાની પ્યારી અને માની મમતામાં ઉછરેલી કાજલ 20 મિનિટમાં હતી ન હતી થઈ ગઈ. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની સ્કૂલમાં એ 20 મિનિટમાં એવું તે કાંઈક રંધાયું કે જે રહસ્ય પરથી આજે 10 દિવસ પછી પણ પડદો ઊંચકાયો નથી. પરંતુ રહસ્યના તાણા-વાણા જેવી આ ઘટનામાં વીંછિયાના છાસિયા ગામના જોગરાજીયા પરિવાર માથે તો વીજળી જ પડી છે. બાવળિયાની સ્કૂલમાં ધો.10માં ભણતી અને સ્કૂલની જ હોસ્ટેલમાં રહેતી કાજલનો મૃતદેહ 23 જાન્યુઆરીએ રાતે 9.35 વાગ્યાની આસપાસ ઝાડ પર ફાંસો ખાધેલી સ્થિતિમાં મળ્યો હતો. સ્કૂલવાળા અને પોલીસ આને આપઘાત કહે છે. ચાલો, માની લઈએ કે આપઘાત છે તો પણ તેની પાછળનું કારણ શું? આરોપ-પ્રતિઆરોપો વચ્ચે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી છાસિયા ગામે અને આઘાતમાં સરી પડેલા જોગરાજીયા પરિવારને મળી. ઘરે જતા જ કાજલની માતા વસંતબેન આંસુ લૂંછતા બોલ્યા સાહેબ... હવે દીકરીના ફોટા સાથે જ અમારે બેસવાનું ને. છેલ્લે ‘પરીક્ષા આપીને દાદા પાછી આવીશ’નો કોલ આપ્યો, પણ એ આવી જ નહીં ને પરિવાર આજે પણ સાચુ કારણની માગ કરી રહ્યો છે. • કોણ કોને સાંત્વના આપે તેવા દૃશ્યો જોવા મળ્યા

દિવ્ય ભાસ્કરની ટીમ રાજકોટથી છાસિયા ગામ પહોંચી તો સાંકડી ગલીઓ વચ્ચે પસાર થઈ કાજલના ઘરના પ્રવેશદ્વાર પર પહોંચી હતી. પણ ઘરનો પ્રવેશદ્વાર જ જોવા ન મળ્યો. ઘર એકદમ ખુલ્લું જોવા મળ્યું. પ્રવેશદ્વાર વગરના ઘરની બહાર સુખડનો હાર પહેરાવેલા કાજલનો ફોટો ખુરશી પર જોવા મળ્યો હતો. અહીં સૌ કોઈના આંખોમાં આંસુ આવી જાય તેવી ફોટોમાં કાજલના ચહેરા પર માસુમિયત જોવા મળી હતી. ઘરની અંદર પ્રવેશ્યા તો ઓસરીમાં એક તરફ કાજલના પિતા મુકેશભાઈ અને દાદા કાવરાભાઈને લોકો સાંત્વના દેતા નજરે પડ્યા હતા. જ્યારે ઓસરીના બીજા છેડે માતાની આંખો આંસુથી છલકાઇ રહી હતી. માતા એટલી આઘાતમાં છે કે સતત કાજલનું જ રટણ કરી રહી છે.

આ સ્કૂલ અમરાપુર ગામથી થોડે દૂર આવેલી છે. આ અંગે શાળાના આચાર્ય અને કુંવરજી બાવળિયાની દીકરી ભાવનાબેન બાવળિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બનાવની જાણ મને 09:35 મિનિટે થઈ ગઈ હતી. 9:00 વાગ્યે કાજલ રીડિંગ રૂમમાં બેઠી હતી અને પુસ્તકો સાથે હતી. 9:15ની આસપાસ તે વોશરૂમ જવા માટે નીકળી હતી, એટલે અન્ય દીકરીઓને એવું લાગ્યું કે તે વોશરૂમમાં જઈ રહી છે. 9:30એ અમારે ત્યાં સૂવા માટેનો બેલ પડે છે, એટલે રૂમમાં સંખ્યા ગણવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે એવું પૂછવામાં આવ્યું કે બધી દીકરીઓ આવી ગઈ છે. એટલે રૂમ નંબર ત્રણમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ એવું કહ્યું કે, અમારા રૂમમાં કાજલબેન નથી આવ્યા.


 • બધો ખેલ 9.15થી 9.35ની વચ્ચે થઈ ગયો!

ભાવનાબેને વધુમાં જણાવ્યું હતું કે, એટલે અમે તુરંત જ વોશરૂમની તપાસ કરી અને આજુબાજુમાં તપાસ કરી અને 9:35 મિનિટે વોશરૂમની પાછળ ઝાડમાં દોરીથી ટીંગાયેલી હાલતમાં બાથરૂમ પાછળથી કાજલ મળી આવી હતી. કાજલ ભણવામાં હોશિયાર હતી. પરંતુ ધો.9થી તેને અભ્યાસનું ટેન્શન હતું. કદાચ કોઈ વિષય ન આવડતો હોય તો તે અંગે તે ખૂબ જ સિરિયસ થઈ જતી હતી. ધોરણ 9માં તેને એક-બે દિવસ હેડકી આવી હતી ત્યારે અમે રાજકોટ ખાતે આવેલા મનો ચિકિત્સકને બતાવ્યું હતું. ત્યારે ડોક્ટર સાહેબે એવું જણાવ્યું હતું કે, દીકરી વધારે પડતી લાગણીશીલ છે, એટલે ભણવાનું ટેન્શન કે લેસનનું ટેન્શન આ બહેન ઉપર આપવું નહીં.

 • હોસ્ટેલમાં અમે સમૂહમાં સૂચના આપીએ છીએ

કાજલની આ બીમારીની લઈ ભાવનાબેન આગળ વાત કરતા જણાવે છે કે, 20 ફેબ્રુઆરી 2022ના રોજ અમે રાજકોટના ડોક્ટર વિશાલ ગરાડા પાસે ગયા હતા. તેનો રિપોર્ટ પણ તેમની પાસે છે અને તેની દવા પણ 15 દિવસ માટે ચાલુ હતી. શાળામાં જેટલા શિક્ષકો કાર્યરત છે અને હોસ્ટેલમાં જેટલા લોકો કાર્યરત છે એ બધાને સૂચના આપવામાં આવી છે કે, ક્યારેય કોઈને વ્યક્તિગત ઠપકો આપવો નહીં. સ્ટાફમાંથી એક પણ વિદ્યાર્થિનીને કોઈ ખીજાણા નથી કે કોઈને લેસન બાબતનું પ્રેશર કે દબાણ આપેલું નથી. હોસ્ટેલમાં પણ અમે સમૂહમાં સૂચના આપતા હોઈએ છીએ કે વાંચવા બેસી જાવ, સુવાનો સમય થઈ ગયો છે. આ પ્રકારની સૂચનાઓ અમે સમૂહમાં આપીએ છીએ, ક્યારેય કોઈને વ્યક્તિગત સૂચના અમે આપી નથી


 • પિતાના મન કાળજાનો કટકો ખોયાનું દર્દ છલકાતું હતું

કાજલના પિતા મુકેશભાઈ જોગરાજીયાએ દુખી મને વાત કરતા કહ્યું હતું કે, મને રાતે 10 વાગ્યે બાવળિયા સાહેબનો ફોન આવ્યો અને જાણ કરવામાં આવી હતી. બાવળિયા સાહેબે ફોનમાં કહ્યું હતું કે, અમે તમારી દીકરીને વીંછિયા સરકારી દવાખાને લઈ ગયા છીએ, તમે તાત્કાલિક આવી જાવ. આથી મેં કહ્યું કે, શું છે એ કહો તો ખરા. કઈ બીમારી હોય તો એ કહો. પરંતુ તેઓએ કોઈ ખુલાસો ન કર્યો અને એટલું જ કહ્યું કે તમે દવાખાને આવી જાવ, આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો. • હોસ્પિટલમાં બાકડા પર મારી દીકરી મરી ગયેલી જોઈ

આગળ વાત કરતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, દવાખાને પહોંચતા જ મેં કહ્યું કે, મારી કાજલ ક્યાં છે, પણ કોઈએ જવાબ ન આપ્યો. બાદમાં મારી નજર બાકડા પર ગઈ તો મારી કાજલ મરી ગયેલી સૂતી હતી. સ્કૂલવાળાને પૂછ્યું કે, શું થયું એ તો કહો, ક્યાં કારણોથી થયું. આથી તેઓએ કહ્યું કે, આપઘાત કર્યો છે. આથી મેં કહ્યું મારી દીકરી કોઈ દિવસ આપઘાત કરે જ નહીં. કારણ વગર આપઘાત કેમ કરે, અમે કોઈ દિવસ તેને કાંઈ કહ્યું નથી તો આપઘાત કેમ કરે, સ્કૂલમાં શું તકલીફ હતી એ કહો. તેમ છતાં તેઓ માન્યા નહીં ને એક જ રટણ કર્યું કે, જે સત્ય છે એ તમને કહીએ છીએ કે તમારી દીકરીએ આપઘાત જ કર્યો છે.

 • ઉત્તરાયણ કરી તેને હું સોમવારે સ્કૂલે મૂકી આવ્યો

છેલ્લે તમારી દીકરી ક્યારે મળી હતી તે અંગે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણની રજામાં આવી હતી. બાદમાં સોમવારે હું તેને બાઇક પર સ્કૂલે મૂકી આવ્યો હતો. બીજા સોમવારે તો મારી દીકરી દુનિયામાં ન રહી. ભણવામાં તો મારી દીકરી હોશિયાર હતી. સ્કૂલના શિક્ષકો પણ કહેતા કે, ભણવા બાબતે તમારી દીકરીમાં કાંઈ કહેવા જેવું નથી. સાહેબ આમાં કેમ ખબર પડે કે સ્કૂલમાં શું થયું. અમે ઘરે હતા અને દીકરી સ્કૂલે હતી. મારી એટલી માગ છે કે, આનું કાંઈક કારણ બતાવો, કારણ વગર તો કોઈ મરે નહીં. પણ એ લોકો બીજું કાંઈ કહેવા તૈયાર જ નથી અને એટલું જ કહ્યા રાખે છે કે, તમારી દીકરીએ આપઘાત કરી લીધો.


 • માનસિક બીમારીની વાત આવતા પિતા ગુસ્સે થયા

સ્કૂલવાળા એવું કહે છે કે માનસિક બીમાર હતી તે અંગે મુકેશભાઈ થોડા ગુસ્સામાં જોવા મળ્યા અને કહ્યું કે, મારી દીકરીમાં એવી કોઈ બીમારી નહોતી, આ વાત ખોટી છે. ધો.9માં તેને હેડકી આવતી ત્યારે રાજકોટથી દવા લીધી હતી. બીજું કાંઈ છે જ નહીં. છેલ્લે બે વાર હું તેને નાસ્તો દેવા ગયો ત્યારે મારી પાસે આવીને રડવા લાગી હતી. દીકરીએ એટલું કહ્યું કે, મને હોસ્ટેલના રૂમમાં એક બહેન મારો વાંક ન હોય તોય ખોટી રીતે મારા પર ગુસ્સે થાય છે. આથી મેં દીકરીને કહ્યું કે, બહેન બધી દીકરીઓને કહેતા હોય તને એકને ન કહેતા હોય. આવું બધુ આપણે મનમાં નહીં રાખવાનું. એટલે એ બોલી કે, મારે વાંચવું હોય તો વાંચવા દેતા નથી. એટલે જવાબમાં મેં કહ્યું કે, બેટા સમય થઈ જાય એટલે આપણે સૂઈ જવાનું. પોલીસ પણ આપઘાતનું જ કહે છે. તમે અમારા પર વિશ્વાસ રાખો, અમે તમામ કાર્યવાહી કરી લઈશું.

 • માતાની હાલત એવી છે કે દીકરીનું જ રટણ કર્યા કરે છે

દીકરી ખોયાનું સૌથી મોટું દુખ હોય તો એક માતા જ જાણી શકે. કાજલના માતા વસંતબેન આઘાતમાં જોવા મળ્યા હતા. વસંતબેનની આંખોમાં આંસુ સૂકાતા જ નથી. શાલના છેડે આંસુ લૂંછતા લૂંછતા વસંતબેન એટલું જ બોલ્યા કે, હવે તો અમારે દીકરીના ફોટા સાથે જ બેસવાનું ને...આ શબ્દો દિલમાંથી નીકળ્યા ને સાંભળનાર કોઈ પણ હચમચી જાય. વસંતબેને આગળ વાત કરતા જણાવ્યું હતું કે, અમને તો આમાં કાંઈ ખબર નથી, આમાં માગ પણ શું કરીએ. આપઘાત જ કર્યો હતો તો સ્કૂલવાળા તેના મૃતદેહને વીંછિયા હોસ્પિટલ લઈને આવી ગયા. પણ તે લોકોએ આ રીતે લઈને આવવું ન જોઈને ને...સ્કૂલમાં રહેવા દેવી જોઈએ અને અમને બોલાવવા હતા તો અમને ખબર પડે કે આપઘાત કર્યો હતો. સ્કૂલવાળા ઘડીએને ઘડીએ બોલી ફેરવે છે એટલે વિશ્વાસ આવતો નથી.


 • હું મારી દીકરીને હંમેશા સ્કૂલનો વાંક કાઢવો નહીં તેવું કહેતી

દર વખતે રાજીપા સાથે સ્કૂલ જતી અને રાજીપા સાથે સ્કૂલથી ઘરે આવતી. એકવાર રડતા રડતા મને કહ્યું હતું કે, અમારી પર સ્કૂલવાળા ગુસ્સે થાય છે. બધાને કહે છે તો મને ખોટું લાગે છે. એટલે મેં કહ્યું કે એ તો બધાને કહે છે ને, તને એકને તો કહેતા નથી. તો કાજલે કહ્યું કે, હું કાંઈ બોલું નહીં તો મને શું કામ કહેવું જોઈએ. એટલે મેં તેને સમજાવી કે, એ લોકો તો કહ્યાં રાખે મનમાં નહીં લેવાનું. કાજલને કોઈ જાતની બીમારી નહોતી. બીમાર હોય તો અમે તેના જાવા જ કેમ દઈએ. અમારી એટલી માગ છે કે, સાચુ કારણ અમને આપો. કારણ વગર તો આ બધુ બનતું નથી.


 • બે-બે ટંક ન જમી તો સ્કૂલવાળાએ અમને ફોન કરવો તો

વસંતબેને આગળ વાત કરતા જણાવ્યું હતું કે, સ્કૂલવાળાએ એમ કહ્યું કે, તમારી દીકરી બપોરે જમી નહોતી તો મારું એટલું કહેવાનું છે કે, એ લોકોએ આ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ ને...એવું હોય તો વાલીને ફોન કરવો જોઈએ. સાંજે પણ જમવાની ડીશ મૂકીને જતી રહી હતી તો સ્કૂલવાળાએ ધ્યાન રાખવું જોઇએ. ડીશ મૂકીને કેમ જતી રહી એવું તો પૂછવું હતું. બે-બે ટંક ન જમી તો સ્કૂલવાળાએ અમને ફોન કરવો જોઈએ. પણ રાતે 10 વાગ્યે ફોન કરે છે કે આવું બની ગયું છે. સ્કૂલવાળા પણ કઈક છૂપાવે છે, કારણ વગર આમ ન થાય. બધા અવળું અવળું જ બોલે છે. દોરીથી ફાંસો ખાધો એનો ફોટો તો અમને બતાવવો જોઈએ ને... સ્કૂલવાળા પાસે એનો ફોટો છે પણ બતાવતા નથી. બસ સ્કૂલવાળા એમ જ કહ્યા રાખે છે કે, અમે કાજલને કાંઈ કહ્યું જ નથી.

 • દાદાની દુલારી કાજલ દાદાને છેલ્લે શું કહેતી ગઈ?

કાજલ દાદા કુવરાભાઈની દુલારી હતી. દાદા કુવરાભાઇ ઓછું સાંભળે છે પણ દીકરીની અચાનક વિદાયથી દુખી દુખી જોવા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મકરસંક્રાતિના દિવસે છેલ્લે રજામાં કાજલ ઘરે આવી હતી ત્યારે છેલ્લે એમ વાત થઇ હતી કે, દાદા હું જાવ છું, એક મહિના પછી પરીક્ષા છે. પરીક્ષા આપીને પાછી આવી જઇશ. પણ એવી ક્યાં ખબર હતી કે, મારી દીકરીના આ છેલ્લા બોલ હશે. મારી દીકરી બીમાર હતી જ નહીં. બીમાર હોય તો અમને ખબર તો હોય ને... બનાવ સ્કૂલે બન્યો છે તો અમને સ્થળ પર કેમ ન બોલાવ્યા? આ સવાલ અમારા મનમાં ઘૂમ્યા રાખે છે. હોસ્પિટલ બોલાવ્યા તો સ્થળ પર અમને વાલીને કેમ ન બોલાવ્યા?


 • કાજલ મોટી બહેન ગુલાબની એકદમ ક્લોઝ હતી

કાજલ મોટી બહેન ગુલાબની એકદમ ક્લોઝ હતી અને બધી વાત તેને શેર કરતી હતી. ગુલાબ પણ ઘેરા સદમામાં હોય તેમ જોવા મળી હતી. ગુલાબે જણાવ્યું હતું કે, છેલ્લે મારી બહેન ઉત્તરાયણ વખતે ઘરે આવી હતી અને જે કોઈ પણ વાત હોય તે મારી સાથે શેર કરતી હતી. કોઈ પણ વાત હોય તે મને તો અચૂક જણાવે. એ સ્કૂલે જતી ત્યારે પણ મને કહેતી કે હું અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાવ છું. મારી બહેન ભણવામાં પણ હોશિયાર હતી. જ્યારે આ ઘટના બની એ સમયે હોસ્ટેલમાંથી અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી. અમને સીધો બાવળિયા સાહેબનો ફોન આવ્યો હતો. તેઓએ ફોનમાં માત્ર એટલું જ કહ્યું કે, તમે હોસ્પિટલે આવી જાવ, અમે પૂછ્યું કે શું ઘટના બની, મારી બહેનને શું થયું છે? કારણ કે અમારે જાણવું તો પડે ને કે તેની સાથે શું બન્યું છે? તો તેમણે એવું જ કહ્યું કે, ના તમે બસ અહીં આવી જાવ. હું પ્રવીણભાઈને મોકલું છું ગાડી લઈને તમે અહીં આવી જાવ.

 • વાલીને સાચું તો કહેવું જોઈએ ને કે ઘટનામાં બન્યું છે શું?

ગુલાબે એમ પણ ઉમેર્યું હતું કે, બાવળિયા સાહેબે પ્રવીણભાઈને ફોન કર્યો એ પહેલા વાલીનો સંપર્ક કરવો જોઈએ, વાલીને સાચું તો કહેવું જોઈએ ને કે ઘટનામાં બન્યું છે શું? એ પણ અમને જાણ કરવામાં આવી નથી. જે જગ્યાએ ગળેફાંસો ખાધો છે એ જગ્યાએ પણ અમને બોલાવવામાં આવ્યા નથી, જે પ્રકારે ગળેફાંસો ખાધો તે દોરડું કેવું હતું એવો ફોટો કે વીડિયો જેવું પ્રૂફ પણ અમને આપ્યું નથી. અમને સીધું એવું જ કહ્યું કે, તમે હોસ્પિટલે આવી જાવ. મારા કાકા અને અન્ય સંબંધીઓ હોસ્પિટલે ગયા હતા. એ સમયે મારી બહેનનું મૃત્યુ નીપજ્યું હતું અને તેના મૃતદેહને બાંકડા પર સુવડાવવામાં આવ્યો હતો.


 • પોલીસ કેમ ચૂપ છે, મીડિયાને જવાબ આપતી નથી

ગુલાબે વધુમાં જણાવ્યું હતું કે, આપણા સ્વજનને જ્યારે આ પ્રકારે મૃત અવસ્થામાં જોઈએ ત્યારે સ્વાભાવિક છે કે આપણું સાનભાન હોય જ નહીં. પછી ત્યાં પોલીસ આવી અને પોસ્ટમોર્ટમ કરવાનું કહ્યું એ સમયે પણ પોલીસે એવું કહ્યું કે, અમે દરેક પ્રકારની કાર્યવાહી કરી લઈશું. હવે પોલીસ સંસ્થાએ ગઈ હશે અને તેમણે કઈ રીતે તપાસ કરી હશે એ અંગે પણ અમને જાણ કરવામાં આવી નથી. હવે પોલીસ સંસ્થામાં પહોંચી અને ત્યાં જઈને તેમણે શું પૂરાવા એકઠા કર્યા હોય તેની પણ અમને જાણ કરી નથી. હવે પોલીસ મીડિયા સામે કોઈ જવાબ કેમ આપતી નથી. પોલીસ કેમ ચૂપ છે. મારી બહેન ભણવામાં હોશિયાર હતી, બધી રીતે ટેલેન્ટેડ હતી. એ કોઈ દિવસ આપઘાત કરે જ નહીં. મને વિશ્વાસ છે, કારણ કે એ મારી એટલી ક્લોઝ હતી. મને તો વિશ્વાસ હોય જ ને!

 • ગૃહમાતા કહેતા ઘરે જવા બહાના ન બનાવો

ગુલાબે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે તેને નાસ્તો આપવા ગયા ત્યારે એક વખત તેણે એવું કહ્યું હતું કે, સંસ્થામાં રહેતી છોકરીઓ બીમાર હોય અથવા કોઈ પણ સમસ્યા હોય તે અંગે ગૃહમાતાને જાણ કરતી હતી. ત્યારે ગૃહમાતા એવો પ્રત્યુતર આપતા હતા કે, તમે લોકો ઘરે જવા માટે ખોટા બહાના ન બનાવો. વાલીઓનો સંપર્ક કરવા માટે ખોટા બહાના રજૂ ન કરો. આ ઉપરાંત ગૃહમાતા વાલીઓને ફોન પણ કરતા નહોતા. શક્ય હોય કે મારી બહેનને મૂંઝવણ હોય અને તે ગૃહમાતા જોડે ગઈ પણ હોય તેણે ત્યારે ફોન ન કરવા દીધો હોય એવી પણ મને શંકા છે. બહેન સાથે મારે છેલ્લે તો કોઈ વાત થઈ નથી. છેલ્લે તો તેણે બોર્ડની પરીક્ષા છે એટલે તે પરીક્ષાની તૈયારી કરતી હતી. બસ હવે તો હું જાઉં છું મારે પરીક્ષા આપવાની છે તેવું કહેતી હતી.


 • 500માંથી મારી બહેને જ શું કામ ગળેફાંસો ખાધો

ગુલાબે વધુમાં જણાવ્યું હતું કે, મારી બહેનને કોઈ ક્યારેય શાળામાં ખીજાતું હોય એવું બન્યું નથી. તેના શિક્ષકો પણ એવું કહેતા હતા કે, આ વિદ્યાર્થિની ખૂબ જ હોશિયાર છે, તેને ક્યારેય ભણવા બાબતે કંઈ પણ કહેવામાં આવ્યું નથી. એને સ્કૂલમાંથી કોઈ ખીજાણું નથી અને જ્યારે ગૃહમાતા અહીં આવ્યા હતા ત્યારે એમણે પણ એવું કહ્યું હતું કે, અમે ક્યારેય દીકરીને વઢ્યા નથી. પરંતુ કોઈ કારણ તો હોવું જોઈએ ને... આ સંસ્થામાં 500 જેટલી દીકરીઓ રહે છે. તેમાંથી મારી બહેન ગળેફાંસો ખાઇ લે તો તેનું કોઈ ચોક્કસ કારણ તો હોવું જોઈએ ને! આમાં અમારે બસ હવે ન્યાય જોઈએ છે, બીજું કઈ નહીં. પોલીસ પણ કેમ મૌન સાધીને બેઠી છે. હોસ્પિટલે જ્યારે તેની બોડી ઉતારી એ સમયે કોઈ હાજર તો હોવું જોઈએ ને!

 • ડાયરેક્ટ બહેન મૃત મળે તો છૂપાવ્યું જ કહેવાય

ગુલાબે વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલવાળાએ એ પ્રકારનો વીડિયો પણ રાખવો જોઈએ કે, આ રીતે બોડીને ઉતારવામાં આવી હતી. પણ એમની પાસે કોઈ પણ પ્રકારના પૂરાવા નથી. આ પ્રકારના પૂરાવા પણ અમને આપવા જોઈએ. પૂરાવા તો એમની પાસે કંઈ છે જ નહીં. મને એવું લાગે છે કે, આ લોકો કંઈક છૂપાવે છે. કારણ કે જે ઘટના બની તેનો કોઈ પૂરાવો એમની પાસે છે જ નહીં અને તેને રાખવાનો પણ પ્રયત્ન કર્યો નથી. પછી ડાયરેક્ટ અમને હોસ્પિટલે બોલાવે છે, અમે હોસ્પિટલ જઇને પૂછીએ છીએ તો પણ અમને જાણ કરવામાં આવતી નથી. અમે ત્યાં જઈને જોઈએ તો ડાયરેક્ટ અમારી બહેન અમને મૃત અવસ્થામાં જોવા મળે તો છૂપાવ્યું જ કહેવાય.


 • કાજલ ધો.9માં પ્રથમ નંબર લાવી હતી

ગુલાબે વધુમાં જણાવ્યું હતું કે, મારી બહેનને માનસિક બીમારી નથી. કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી. તે ખૂબ જ હોશિયાર હતી અને નવમામાં પણ તેનો પ્રથમ નંબર આવ્યો હતો. એનાથી પણ મોટી વાત તેની સાથે જે છોકરીઓ અભ્યાસ કરતી હતી એને પણ મારી બહેન શીખડાવતી હતી. એમના શિક્ષકો મારી બહેનના વખાણ કરતા હતા. મેથ્સ જેવા અઘરા વિષયની સરળ સમજૂતી મારી બહેન બધાને આપતી હતી. આ બધી વાત મને કહેતી હતી. મારી બહેનને એક પણ પ્રકારની માનસિક બીમારી નહોતી. તેની એક બહેનપણી છે તેની સાથે મેં વાત કરી હતી. તેણે એવું જણાવ્યું હતું કે, મારી બહેનનો બે દિવસથી મૂડ ઓફ હતો અને જમતી નહોતી. બીજી એણે કોઈ વાત કરી નથી.

 • કોળી આગેવાને કાજલના મોતને શંકાસ્પદ ગણાવ્યું

જોકે, આ બનાવમાં હવે કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક અને કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ કાજલના મોતને શંકાસ્પદ ગણાવ્યું છે. તેઓએ આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સચોટ કારણ અને સંપૂર્ણ તપાસ થાય તેવી માગ કરી છે. મુકેશભાઈએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, દીકરીનું શોષણ કરી મોતને ઘાટ ઉતારી હોય તેવું મને લાગે છે.


 • કુંવરજી બાવળિયાએ જ કાજલના પિતાને ફોન કર્યો હતો

મુકેશભાઈએ પત્રમાં જણાવ્યું છે કે, કાજલ કુંવરજીભાઈ બાવળિયાના શૈક્ષણિક સંકુલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી. અચાનક 23 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે મુકેશભાઈ જોગરાજીયાને કુંવરજીભાઈએ પોતે જ ટેલિફોનિક જાણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમે વીંછિયા સરકારી દવાખાને આવો. આ બાદ તેઓએ બીજી કોઈ વાત કરી ન હતી. આથી રાત્રિના સમયે હું અને મુકેશભાઈ જ્યારે વીંછિયા સરકારી દવાખાને પહોંચ્યા તો ત્યાં મારી દીકરી મૃત હાલતમાં પડી હતી.

 • ડાયરેક્ટ હોસ્પિટલ લઈ જવાનું કારણ શું?

મુકેશભાઈએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, બાદમાં મને મૌખિક જાણ કરવામાં આવી કે, તમારી દીકરીએ કુંવરજી બાવળિયાની આદર્શ માધ્યકિમ શાળાના સંકુલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે, જેથી મુત્યુ થયું છે. પરંતુ જ્યાં મુત્યુ થયું ત્યાં નથી તો પોલીસ પહોંચી કે નથી અમને જાણ કરી બોલાવવામાં આવ્યા, ડાયરેક્ટ સરકારી દવાખાને લઈ જઈને પોલીસ અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેની માત્ર મૌખિક વાત કરવામાં આવી હતી. આ અંગે નથી કોઈ પુરાવા કે વીડિયો ફૂટેજ, અમારી દીકરીએ કોના ડરથી કે કોના ત્રાસથી આવું પગલું ભર્યું તે અંગે અમને સચોટ માહિતી પણ આપવામાં આવી નથી.


 • અમારી દીકરીને ખૂબ જ ત્રાસ આપ્યો હોય એવું લાગે છે

મુકેશભાઈએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આથી અમને અમારી દીકરીને ખૂબ જ ત્રાસ આપ્યો હોય અથવા તો દીકરીઓનું શોષણ કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય એવું અમને લાગે છે. કારણ કે ત્યાં બનાવના સ્થળે તે સમયે મીડીવાવાળાને પણ જવા દેવામાં આવ્યા ન હતા. પરિવારજનોને પણ ત્યાં મૃતક પાસે સ્થળ પર લઈ જવામાં આવ્યા નથી. જેથી કરીને અમને આ કાજલનું કરૂણ મોત શંકાસ્પદ લાગે છે. જેથી કરીને આ ઘટના પાછળનું સચોટ કરણ અને સંપુર્ણ તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે

 • આ સંસ્થામાં અગાઉ બે દીકરી આવી રીતે મૃત્યુ પામી હતી

મુકેશભાઈએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આ સિવાય આ શૈક્ષણિક સંકુલમાં અગાઉ પણ બે દીકરીઓ આજ રીતે મૃત્યુ પામી હોય તેની પણ કોઈ તપાસ કરવામાં આવી નથી. જેથી કરીને અમારી એક જ માગ છે કે, આ ઘટનામાં કોઈ પણ આરોપી હોય કે પછી કોઈ અધિકારી મારફતે આ ઘટનાને રફેદફે કરવામાં આવેલ હોય તેને પણ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી માગ છે. સાથોસાથ આ તપાસ કોઈ ઉચ્ચ અધિકારીનેને સોંપવામાં આવે એવી અમારી આપ સાહેબને લેખિતમાં માગ છે. જો મોતનું સાચુ કારણ નહીં મળે તો અમે ન્યાય માટે ઉપવાસ, ધરણા કરીશું.

વધુ નવું વધુ જૂનું