આજે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ, જુઓ સાત મોટા સમાચાર
ધમકીભર્યો નનામો પત્ર મળતા એલર્ટ
આજે એટલે કે 26 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર અમદાવાદ શહેર પોલીસને મળતા દોડધામ મચી ગઈ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામા પત્રને લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર આજે મળ્યો છે. જેને લઇ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધમકીભર્યો પત્ર મળતા સમગ્ર શહેરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
'135 મૃતકો વિશે અફસોસ.. વળતર આપવા માગું છું'
મોરબી હોનારત અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે. વકીલ દ્વારા પોતાના નિવેદનમાં વળતર આપવાની તૈયારી દાખવતા જયસુખ પટેલે મગરના આંસુ સાર્યા હતા. બ્રિજ તૂટવાની ઘટના વિશે અફસોસ વ્યક્ત કરીને તેમણે કહ્યું હતું કે, મોરબી બ્રિજના સમારકામ માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. જો કે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, વળતર ચૂકવવાથી પણ જયસુખ પટેલની સામેની કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેમની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.
ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મ
સુરતમાં રહેતી પરપ્રાંતિય ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને એક સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવક પરિણીત છે અને એક સંતાનનો પિતા હોવાની જાણ ફિઝિયોથેરાપિસ્ટને થતાં તેણે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
ચાલુ સ્કૂટીમાં આગ ભભૂકી
ભુજના અતિ વ્યસ્ત જ્યુબિલિ સર્કલ પર બુધવારે સાંજે એક સ્કુટરમાં અચાનક આગ લાગી ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો. મુન્દ્રા રોડ તરફ આગળ વધી રહેલા પેટ્રોલ મોપેડમાં આગ લાગતા તેના ચાલક રોડ પર પડી ગયા હતા, જેમને દોડી આવેલા આસપાસના લોકોએ તાબડતોબ દૂર ખસેડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પેપ મોપેડ સળગતું રહ્યું હતું. બાદમાં તુરંત પહોંચી આવેલા ફાયર વિભાગના ફાયર ફાઇટર દ્વારા ઘટનાસ્થળે દોડી આવી પાણીના છટકાવ વડે આગ પર કાબુ મેળવતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી.
કોલ્ડવેવ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભૂગર્ભમાંથી નીકળ્યો અધધ...દારૂનો જથ્થો
ગીર ગઢડામાં બુટલેગરો જાણે બેફામ બન્યા હોય અને જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. તેમાં આજે એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બૂટલેગરોએ દારૂ સંતાડવા સ્પેશિયલ એક ચોરખાનું બનાવ્યું. એ પણ જમીનની અંદર જ્યાં કોઈને ભાળ પણ ન થાય કે અહીંયા કોઈએ વસ્તું સંતાડી હશે. ત્યારે બેડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂની હેરફેરની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે, તે સંતાડેલો દારૂની હેરાફેરી થવાની છે. તે પહેલા જ એલસીબીએ દરોડો પાડી 15 લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા.
દેવીપૂજક સમાજનું હલ્લાબોલ
ગત 15 જાન્યુઆરીના રોજ બોટાદમાં દેવી પૂજક સમાજની 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનાં દેવીપૂજક સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે રાજકોટમાં પણ દેવીપૂજક સમાજ દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ‘ન્યાય આપો, ન્યાય આપો, બાળકીને ન્યાય આપો’ સહિતનાં સૂત્રોચ્ચાર સાથે દેવીપૂજક સમાજે આક્રોશ ઠાલવ્યો હતો. આ મામલે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસીની સજા આપવા માગ કરી હતી. આ સમયે પોલીસ અને દેવીપૂજક સમાજના યુવાનો વચ્ચે રકઝક થઈ હતી. તેમજ પોલીસે ટોળા વિખેરવા માટે પ્રયાસ કરતા લોકો ગાળાગાળી કરતા નજરે પડ્યા હતા.