અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયાના બે વોન્ટેડને ATSએ અમદાવાદમાંથી પકડ્યા’ને ખુલ્યું હથિયાર સપ્લાયનું સૌરાષ્ટ્રવ્યાપી નેટવર્ક: છની ધરપકડ

વીંછિયાના બે વોન્ટેડને ATSએ અમદાવાદમાંથી પકડ્યા’ને ખુલ્યું હથિયાર સપ્લાયનું સૌરાષ્ટ્રવ્યાપી નેટવર્ક: છની ધરપકડ

નામચીન અનિરુદ્ધ ખાચર અને અનિલ જાંબુકિયાએ રાજકોટના ભાવેશ ઉર્ફે પ્રવીણ ઉપરાંત લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ચોટીલા, સુરેન્દ્રનગર અને વીંછિયામાં રહેતા આરોપીઓને હથિયારો વેચ્યા હોવાની આપેલી કબૂલાત: 15 પિસ્તલ, પાંચ કટ્ટા તેમજ 16 જીવતા કાર્ટિસ કબજે: નેટવર્કમાં સામેલ અન્ય લોકોની સઘન શોધખોળ

આતંકી પ્રવૃત્તિઓ તેમજ ડ્રગ્સ-હથિયારોની હેરાફેરી ઉપર બાજનજર રાખી રહેલી એટીએસે સૌરાષ્ટ્રવ્યાપી હથિયાર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એટીએસે રાજકોટ જિલ્લાના વીંછિયામાં રહેતાં બે કુખ્યાત આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કર્યા બાદ તેમણે સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં જેને જેને હથિયારો આપ્યા હતા તે તમામને પકડી લેવામાં આવ્યા છે. એકંદરે એટીએસે આ ગુનામાં 15 પિસ્તલ, પાંચ તમંચા અને 16 જીવતા કાર્ટિસ સાથે પાંચ લોકોની ધરપકડ કરી આ નેટવર્કના મુળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ કર્યો છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ એટીએસ-ગુજરાતના ડીઆઈજી દીપન ભદ્રન, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સહિતના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એન.વાઘેલા, પીએસઆઈ આર.સી.વઢવાણા, એ.આર.ચૌધરી, બી.ડી.વાઘેલા સહિતનાએ અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી અનિલ જનકભાઈ જાંબુકિયા (ઉ.વ.23, રહે.ગોરૈયા, મેઈન બજાર, પાળિયાદ રોડ ઉપર જૂની સરકારી સ્કૂલ સામે-વીંછિયા) તેમજ અનિરુદ્ધ ભગુભાઈ ખાચર (ઉ.વ.28, રહે.મોટામાત્રા, વીંછિયા રોડ ઉપર)ની બે પીસ્તલ તેમજ બે કારતુસ સાથે ધરપકડ કરી હતી.

આ બન્નેની ધરપકડ બાદ પૂછપરછમાં એવી કબૂલાત આપી હતી કે તેઓ આ હથિયારે મધ્યપ્રદેશથી લાવ્યા હતા અને તેમણે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને વેચ્યા છે. આ પછી એટીએસ દ્વારા ચોટીલાના વાસ્કુરપરામાંથી ભાવેશ દિનેશભાઈ મકવાણા (ઉ.વ.30), કૌશલ ઉર્ફે કવો પરમાનંદભાઈ દશાડીયા (ઉ.વ.33, રહે.દૂધરેજ-સુરેન્દ્રનગર), ભાવેશ ઉર્ફે પ્રવીણ સતીષભાઈ ધોળકીયા (ઉ.વ.25, રહે.માલધારી સોસાયટી-રાજકોટ) અને ઘનશ્યામ ઉર્ફે ટીકટોક લાલજીભાઈ મેર (ઉ.વ.33, રહે.રબારીવાસ, મહાદેવ મંદિરની બાજુમાં મોટામાત્રા ગામ)ને પકડી પાડ્યા હતા.

એટીએસની તપાસમાં એવી પણ ખુલ્યું છે કે અમદાવાદથી પકડાયેલા અનિરુદ્ધ ખાચર વિરુદ્ધ અગાઉ રાજકોટ જિલ્લામાં હત્યાનો ગુનો નોંધાયો છે. જ્યારે રાજકોટમાં રહેતા ભાવેશ ઉર્ફે પ્રવીણ સતીષભાઈ ધોળકીયા વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે તો ભાવેશ દિનેશભાઈ મકવાણા સામે આર્મ્સ એક્ટ, ઘનશ્યામ ઉર્ફે ટીકટોક સામે 2016માં સાયલા પોલીસ મથકમાં લૂંટનો, કૌશલ ઉર્ફે કવો સામે 2013માં જોરાવનગર પોલીસ મથકમાં મારામારી-પ્રોહિબીશન તેમજ અનિલ જાંબુકિયા વિરુદ્ધ પ્રોહિબીશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

એટીએસે તમામની ધરપકડ કરી ગેરકાયદેસર રીતે હથિયાર સપ્લાયના ધંધામાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. હાલ એટીએસ દ્વારા આરોપીઓના કબજામાંથી 15 પિસ્તોલ, પાંચ તમંચા અને 16 જીવતા કાર્ટિસ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ નવું વધુ જૂનું