કેફેમાં બે પાત્રો વચ્ચેનો સંવાદઃ
સવાલઃ તને કયો કલર સૌથી વધુ ગમે?
વળતો સવાલઃ તું આવો સવાલ કેવી રીતે પૂછી શકે?
પેટા સવાલઃ કેમ એમાં વળી શું થયું?
વળતો પેટા સવાલઃ ના, પણ તું આવું પૂછી જ કેમ શકે?
ચુકાદોઃ ના, આ સવાલ તારી રંગભેદી માનસિકતા દર્શાવે છે.
સંવાદ સાથે સંબંધ પણ પૂરો. હવે બંને પાત્ર ત્રીજા પાત્રની શોધમાં છે.
આજકાલ સીધો સવાલ પૂછવાથી ઘણાને વાંકુ પડી શકે છે. આ વાત ઘરની સરકારને જ નહીં પણ શહેરની, રાજ્યની કે દેશની એમ દરેક સરકારોને પણ લાગુ પડે છે. લાખ વાતની એક વાત સવાલ પૂછવાનો નઇ.
દરેક ઘરમાં સાસુઓ કે મમ્મીઓનું ફુલ-ટાઇમ કામ સવાલ પૂછવાનું હોય છે. સવાલ પૂછતા રહેવાની એમની કુટેવના કારણે નવાં મકાનોનું વેચાણ કે વૃદ્ધાશ્રમોમાં વેટિંગ ઓછું થતું નથી.
બિલ્ડરોએ હરતાં ફરતાં પ્રશ્નપત્ર જેવી સાસુઓનું સન્માન કરવું જોઈએ.
જૂની પેઢીનાં બાળકોને ધોલધપાટ કરીને સીધદોર કરવામાં આવતા પણ હવે હોમવર્ક કર્યું કે નહીં? એમ પૂછવાથી પણ ટાબરિયાંની લાગણી દુભાઈ શકે છે. બાળકો અને પુખ્તવયના લોકો સિવાય હવે ત્રીજી કેટેગરી પણ આવી ગઈ છે-પુખ્તવયનાં બાળકો. આ કેટેગરીમાં આવતા પુખ્તવયના લોકો બાળકો જેવું વર્તન કરે છે જ્યારે બાળક હોય એ પુખ્તવયના લોકો જેવું વર્તે છે.
આમ તો આપણી કહેવત એવું કહે છે કે પૂછીપૂછીને માણસ પંડિત બની શકે એમ છે. પણ હવેની સ્થિતિ જોતા કહેવતને અપડેટ કરીને ‘પૂછતો નર પજવણીને પાત્ર’ કરી શકાય એમ છે. સવાલ હવે માત્ર ‘ગૂગલ’ને જ પૂછી શકાય છે.
જોકે, સરકાર સવાલ પૂછશે તો શું કરીશું? એવું વિચારીને ‘ગૂગલ’એ ઘણા જવાબ આપવાનું બંધ કરી દીધું છે.
સવાલ પૂછવાની કુટેવ આપણા દેશનો સળગતો પ્રશ્ન છે. પૂછી શકાય એવો એકમાત્ર સવાલ એ છે કે સવાલ પૂછવાની જરૂર શું છે? બજારમાં શાક શું ભાવે આપ્યું એવો સવાલ હજુ પણ ક્ષમ્ય છે, પણ અમુક લોકો આટલી બધી મોંઘવારી કેમ છે એવો સવાલ સરકારને પૂછી લે છે.
સારું છે કે જે લોકોએ આ મુર્ખામી કરી છે એમના ઘરે પહોંચીને અમલદારોએ વળતા સવાલ પૂછી પાઠ ભણાવ્યો છે.
સરકાર આપણને ચંદ્ર અને મંગળ ગ્રહ પર લઈ જવા માટે તૈયારી કરી રહી છે ત્યારે કેટલાક મૂર્ખ લોકો રસ્તો ક્યારે રિપેર થશે, નોકરી ક્યારે મળશે કે પેટ્રોલ સસ્તું ક્યારે થશે એવા તુચ્છ સવાલ પૂછીને કામ કરતા લોકોને પજવતા રહે છે. આવી મૂર્ખામી કરતા લોકોએ સમાચાર ચેનલો પાસેથી ધડો લેવો જોઈએ. ચેનલનવીસો સરકાર વતી જવાબો આપતા રહે છે. બાકી સરકારો લોકોને જવાબ આપતી રહે તો પછી લોકોના કામ તમામ ક્યારે કરે? હા, આ સવાલ બરાબર છે.
Tags:
Information