WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ખેડૂતો માટે 1419 કરોડનું પેકેજ જાહેર:રાજ્ય સરકાર 20 જિલ્લાના અંદાજે 7 લાખ ખેડૂતોને સહાય ચૂકવશે, 8.83 લાખ હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગસ્ટ 2024માં વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રીની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1097.31 કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી 322.33 કરોડ ચૂકવાશે.

6812 ગામ ભારે વરસાદથી અસરગ્રસ્ત
મંત્રી ઋષિકેશ પટેલે રાહત પેકેજ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ 20 જિલ્લાના મળી કુલ 136 તાલુકાના કુલ 6812 ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે 7 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

રાજ્ય બજેટમાંથી 322.33 કરોડની ટોપ અપ સહાય
ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)ના ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની 322.33 કરોડની ટોપ અપ સહાય અપાશે.

કૃષિ મંત્રી રાધવજી પટેલે કૃષિ રાહત પેકેજ માટે રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો વિશે વિસ્તૃત વિગતો આપી હતી

ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2,500 સહાય મળી કુલ રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 5,000 સહાય મળી કુલ રૂપિયા 22,000 હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
ખાતાદીઠ ઓછામાં ઓછા 3,500 ચૂકવવામાં આવશે
આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂપિયા 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂપિયા 3,500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે 475.71 કરોડ, પિયત પાકો માટે 942.54 કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે 1.37 કરોડ મળી કુલ 1419.62 કરોડ સહાય ચૂકવવામાં આવશે.

અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે
અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

જયેશ રાદડિયાનો કૃષિમંત્રીને સહાય પેકેજ જાહેર કરવાની માગ સાથે પત્ર
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 8-10 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. ખેતરમાં તૈયાર મગફળી, મગ, તલ અને ડાંગર સહિતના પાક પલળી ગયા છે તેમજ જ્યાં ભારે વરસાદ પડ્યો ત્યાં તો પાક જ તણાઈ જતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એને લઈ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને સહાય પેકેજ જાહેર કરવાની માગ સાથે પત્ર લખ્યો છે. મગફળી અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતાં ચોખા અને તેલના ભાવ વધી શકે છે.

તો બીજી તરફ કોંગ્રેસના દર્શન નાયકે આર્થિક પેકેજ જાહેર કરવાની માગ કરી છે. તેમજ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ ખેડૂતો માટે વાહનચાલકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો તેમજ બેનરમાં લખ્યું હતું કે હાથી (અદાણી-અંબાણી)ને મણ ને કીડી (ખેડૂત)ને નહીં કણ.

ડાંગર પલળતાં ચોખા મોંઘા થશે
ઓલપાડ તાલુકામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોની જીવાદોરી સમાન પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં ભેજવાળું વાતાવરણ છે. ઘણી જગ્યાએ ડાંગરનો પાક ડૂબી ગયો છે, એને લઈને ખેડૂતો રસ્તા પર ડાંગર સૂકવી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં 40 ટકાથી વધુ ડાંગરના પાકમાં નુકસાન છે. ગત સિઝનમાં ચોમાસું ડાંગરની અમારી મંડળીમાં 65 કિલોની 3 લાખથી ગુણની આવક થઈ હતી. આ વર્ષે બે લાખ ગૂણની આવક થાય એવી શક્યતા છે. ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એને લઈને ચોખાના ભાવમાં વધારો થશે.

ખેડૂતોએ સૂકવવા માટે કીમ-ઓલપાડ હાઇવે પર ડાંગર પાથરી
ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે. પાછોતરા વરસાદને લઇને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકવી રહ્યા છે. કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સૂકવતા નજરે ચડી રહ્યા છે. ત્યારે રસ્તા પર જાણે સોનું પથાર્યું હોય એવું દૃશ્ય જોવા મળી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં 150 કરોડની ડાંગરના પાકને નુકસાન
સુરત જિલ્લામાં મેઘરાજા વિદાય લેવાનું નામ જ નથી લઈ રહ્યા. જેને લઇને ખેડૂતો સહિત સૌ કોઈ હેરાન-પરેશાન છે. પાછોતરા વરસાદે દક્ષિણ ગુજરાતમાં 150 કરોડની ડાંગરના પાકને નુકસાન પહોંચાડ્યું છે. તૈયાર થઈ ગયેલી ડાંગર પાણીમાં ડૂબી ગઈ છે. ખેડૂતો યુદ્ધના ધોરણે ડાંગર પાણીની બહાર કાઢી રહ્યા છે અને એને સૂકવી રહ્યા છે. થોડીઘણી ડાંગર સુકાઈ ત્યાં ફરી વરસાદ વરસે છે. ખેડૂતો જાય તો જાય ક્યાં એવી સ્થિતિ ઊભી થઈ છે.
ડાંગરની ગુણવત્તા ઘટતાં પૂરતા ભાવ નહિ મળે
સુરત જિલ્લામાંથી પસાર થતાં ઓલપાડ-કીમ સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર ખેડૂતો તાડપત્રી પાથરી ડાંગર સૂકવી રહ્યા છે અને હવે મેઘરાજા ખમૈયા કરે એવી ભગવાનને પ્રાર્થના કરે છે. ડાંગર પલળી જતાં ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે, એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા નહીં મળે. જેથી તેમને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે એવી માગ થઈ રહી છે.

પાછોતરા વરસાદે અમારું આયોજન વીંખી નાખ્યું: ખેડૂત
આ અંગે વડોલી ગામના ખેડૂત ગૌરવ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડાંગરનો પાક ચાર મહિનામાં તૈયાર થઈ જાય છે. ડાંગર પાક તૈયાર થઈ જાય એટલે અમે કાપણી કરતા હોઇએ છીએ. એ રીતે જ આ વર્ષે પણ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો, જેથી દિવાળીએ કાપણી કરવાનું વિચારતા હતા, પણ એ પહેલાં સતત વરસી રહેલા પાછોતરા વરસાદે અમારું આયોજન વિખેરી નાખ્યું છે.

ભીની ડાંગર ખરીદવા વેપારીઓ કે મંડળીઓ તૈયાર નથી: ખેડૂત
ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે હાલ ટ્રેક્ટર જોડીને ડાંગર બહાર કાઢી રહ્યા છીએ અને ભીની ડાંગર રોડ પર સૂકવી રહ્યા છીએ. અમને પૂરેપૂરી નુકસાની છે, ડાંગર ભીની થઈ ગઈ છે, જેને લેવા નથી વેપારીઓ તૈયાર કે નથી મંડળીવાળાઓ તૈયાર. બધા વેપારી એમ કહે છે કે ડાંગર સૂકી આપો જેથી રોડ પર હાલ ડાંગર સૂકવી રહ્યા છીએ. ડાંગર થોડી ઘણી સુકાઈ ત્યાં પાછો વરસાદ આવે છે. સરકાર સર્વે કરાવી અમને વળતર આપે જેથી કમસે કમ અમારો ખર્ચ તો નીકળે.

દ. ગુજરાતમાં 1.80 લાખ હેક્ટરમાં ડાંગરની ખેતી: જયેશ પટેલ, ખેડૂત આગેવાન
સુરત જિલ્લા ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે એને લઈને સૌથી વધુ ડાંગરને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં 1.80 લાખ હેક્ટરમાં આ વર્ષે ડાંગરની ખેતી થઈ છે. ખેડૂતની દિવાળી સુધરે એ માટે સરકાર સર્વે કરાવીને સહાય ચૂકવે એવી માગ છે.

કોંગ્રેસના દર્શન નાયકે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી
દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે થયેલા વરસાદે ખેડૂતોની દશા અને દિશા ફેરવી નાખી છે અને ખેડૂતોને ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે આ નુકસાનનો તત્કાલ સર્વે કરાવી ખેડૂતોને ખાસ કિસ્સામાં વળતર સહિત આર્થિક પેકેજ જાહેર કરવાની માગણી સાથે કોગ્રેસના દર્શન નાયકે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આર્થિક પેકેજ જાહેર કરવા માગ
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે તથા અનેક વિસ્તારમાં ડાંગરની કાપણી ચાલે છે, પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલા આશરે 1.18 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરની કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે રાખી હતી એ ડાંગર પણ પાણીમાં પલળી ગઈ છે. આ ઉપરાંત બાજરી, જુવાર, તલ સહિતના પાકને નુકસાન થયું છે, જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે.

જયેશ રાદડિયાની મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત
સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જેને લઈ ખેડૂતો દ્વારા પાક નુકસાની અંગે સર્વે કરી વળતર આપવા માગ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી આ અંગે સરકાર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે હવે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પણ કૃષિમંત્રીને સૌરાષ્ટ્રના ખેડૂતો વતી સૌરાષ્ટ્રમાં પાક નુકસાનીનું વળતર ચૂકવવા રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રાદડિયાએ રાઘવજી પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી
રાદડિયાએ કૃષિમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં ઘણા દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી કમોસમી વરસાદ પડી રહ્યો છે, આ વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણીથી લણણી સુધી જતન કરીને ઉગાડેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદે ઝૂંટવી લીધો છે.

નુકસાનીનું વળતર ચૂકવવા માગ
તેઓ આગળ લખે છે, સતત પડી રહેલા વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના મુખ્ય પાક સમા મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, તલ, મરચી, જેવા અનેક પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેથી આવા કપરા સમયે સૌરાષ્ટ્રના ખેડૂતો પર આવેલી અણધારી આફતમાં મદદરૂપ થવા તાત્કાલિક ધોરણે ખાસ સહાય પેકેજ જાહેર કરી વળતર ચૂકવવા મારી ભલામણ સહ વિનંતિ છે.




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો