અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

લગ્નનું ષડયંત્ર રચી બોટાદના યુવાન પાસેથી 2.50 લાખ રૂપિયા પડાવી લેતા ફરિયાદ દાખલ

બોટાદના યુવાનને વિશ્વાસમાં લઈ લગ્ન કરાવી દેવાની લાલચ આપી ષડયંત્ર રચી યુવક પાસેથી રૂપિયા 2, 51,749 પડાવી લઈ એક યુવતી સહિત પાંચ ઈસમે છેતરપિંડી કરી હતી. આ અંગે મુકેશભાઈએ તમામ ઈસમોએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદના ભાંભણ રોડ અક્ષરવાડી માતાવાડી સામે રહેતા મુકેશભાઈ ધીરુભાઈ સતાપરાના ઘરે દોઢ મહિના પહેલા તેના ફુવા રમણીકભાઈ પીપળીયા અને તેના મિત્ર દિલીપ હિંમતભાઈ ડાભી આવ્યા હતા. અને દિલીપભાઈએ વાત કરી હતી કે મારા મિત્ર રાજુ દરબારના ધ્યાનમાં એક પ્રજાપતિ જ્ઞાતિની છોકરી છે જો તમારા દીકરા મુકેશના લગ્ન કરવા હોયતો હું આગળ વાત ચલાવું. જેથી મુકેશભાઈના માતા પિતાએ હા પાડતા રાજુ દરબારે પ્રજાપતિ શિવાની લાલજીભાઈનો બાયોડેટા મોકલાવ્યો હતો.

તા. 13 જુલાઈએ મુકેશભાઈ અને તેના ફુવા,બેન બનેવી અને દિલીપ ઉર્ફે હિંમત ડાભી બોટાદથી ભાડે ગાડી બાંધી અમદાવાદ ઇન્દિરા સર્કલ આંબાવાડી વિસ્તારમાં ગયા હતા જ્યાં રાજુ દરબાર, અમિત જોશી અને છોકરીના ભાઈ ભરત લાલજીભાઈ પ્રજાપતિ અને તેના પત્ની એક દીકરો અને એક દીકરી હાજર હતા. રાજુ દરબારે મુકેશભાઈને પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ મુકેશભાઈના લગ્ન નક્કી થતાં રાજુ દરબાર અને અમિત જોશીએ મુકેશભાઈને કહ્યુ કે તમારે શિવાની સાથે લગ્ન કરવા હોય તો 2,25,000 આપવા પડશે જે વાત મુકેશભાઈએ મંજુર રાખી હતી.

તા.14 જુલાઈએ આ તમામ લોકો બોટાદ આવતા મુકેશભાઈના પિતાએ છોકરી શિવાનીને એક જોડી ચાંદીના છડા કિંમત રૂપિયા 8000, એક સોનાનો દાણો 1750, એક નવો વીવો કંપનીનો મોબાઇલ 11,999 આપ્યો હતો.

ત્યારબાદ શિવાની સાથે લગ્ન કરવા 2,25,000 આપવાના હતા એ પેટે રૂપિયા 50 હજાર અને ગાડીનું ભાડું 5000 દિલીપ ઉર્ફે હિંમતને આપતા તેઓએ રાજુ દરબારને આપી દીધુ હતુ અને બાકીના 1, 75,000 લગ્નના દિવસે આપી દઈશું તેમ વાત કરી હતી ત્યારબાદ 16 જુલાઈએ અમદાવાદ વાડજમાં મનન લગ્ન બ્યુરોમાં લગ્ન કરવા આવવાનું નક્કી કર્યુ હતુ અને તા.16 જુલાઈએ મુકેશભાઈ અને તેના માતા, પિતા, બેન બનેવી અને કુટુંબના સભ્યની હાજરીમાં અમદાવાદ વાડજમાં મનન લગ્ન બ્યુરોમાં શિવાની અને મુકેશભાઈના લગ્ન થયા હતા અને બાકીના 1,75,000 દિલીપ ઉર્ફે હિંમતને આપતા તેઓએ રાજુ દરબારને આપી દીધા હતા

ત્યારબાદ સાતેક દિવસ પછી શિવાનીએ કહ્યુ કે મારા ભાઈને તાવ આવે છે જેથી મારે તેને મળવા જવું છે જેથી મુકેશભાઈ અને દિલીપ ડાભી અને શિવાની અમદાવાદ ખબર પૂછવા ગયા હતા અને લગ્નના કાગળ થયા ન હોવાથી શીવાનીના સાળા ભરતભાઈએ કહ્યુ કે શિવાનીને અહીં થોડા દિવસ મુકતા જાવ લગ્નના કાગળ પણ તૈયાર થઈ જશે. જેથી શિવાનીને અમદાવાદ મૂકી મુકેશભાઈએ તેમના કુંટુબી સભ્યો ઘરે પરત આવી ગયા હતા.

તા.21 ઓગસ્ટે મુકેશભાઈ અને દિલીપ ડાભી ગાડી લઈને અમદાવાદ શીવાનીના સાળાના ઘરે જતા ઘરની બહાર તાળું મારેલુ હતુ જેથી મકાન માલિકને પૂછતા મકાન માલીકે જણાવ્યુ હતુ કે અમોએ તે લોકોને ઘર ભાડે આપેલ હતું તે પંદર દિવસ પહેલા ખાલી કરીને જતા રહ્યા છે. જેથી મેરેજ બ્યુરોમાં તપાસ કરતા જણાવેલ કે તમારે લગ્નનું સર્ટી જોઈતું હોય તો વકીલ પાસે કાગળ કરાવવા પડે જેથી રાજુ દરબારને વાત કરતા રાજુ દરબારે કોઈ જવાબ આપેલ નહીં અને મુકેશભાઈની પત્ની શિવાની અને સાળા ભરતને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં. આમ આરોપી રાજુ દરબાર, ભરત લાલજીભાઈ પ્રજાપતિ, અમિત જોશી, શિવાની અને દિલીપ ઉર્ફે હિંમત ધનજીભાઈ ડાભી ગુનાહિત કાવતરૂ રચી યુવકને વિશ્વાસમાં લઈ શિવાની સાથે લગ્ન કરાવવાનું કાવતરૂ રચી 2,51,749ની છેતરપિંડી કરી હતી.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો