જસદણના શિવરાજપુર ગામે રહેતા કારખાનેદાર આધેડે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈ ઘર છોડી દઈ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં કારખાનેદારે 6 શખ્સ સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જસદણના શિવરાજપુર ગામે ખોડીયારનગરમાં રહેતા છગનભાઈ જીવાભાઈ મુલાણી (ઉ.વ.49) નામના આધેડે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે રાજકોટ સિવીલમાં ખસેડાયા હતા.
જ્યાં ચોકીના સ્ટાફે આધેડનું નિવેદન લઈ જસદણ પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં છગનભાઈએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોય આ અંગે તેમણે જસદણ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં આરોપીઓ તરીકે જસદણમાં રહેતા સમીર, હુસેન, ઉદય દિલીપભાઈ ધાધલ, ભાભલુ, શિવરાજપુરમાં રહેતા ક્રિપાલ ગભરૂભાઈ મોડા અને અશોક ચનાભાઈ ગોલાણીના નામ આપ્યા હતા.
આધેડે જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ ત્રણ વર્ષ પૂર્વે શિવરાજપુરમાં હીરાનું કારખાનું ચલાવતા હતા. તે સમયે પૈસાની જરિયાત ઊભી થતા અગાઉ સાથે કામ કરનાર હુસેનનો કોન્ટેકટ કર્યો હતો.
અને તેને એક લાખની જરૂરીયાત બાબતે કહેતા તેણે કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી. પરંતુ મારો ભાઈ સમીર વ્યાજનો ધંધો કરે છે. બાદમાં છગનભાઈએ આ સમીર પાસેથી રૂ.1 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ જરૂરીયાત પડતા અન્ય શખ્સો પાસેથી પણ વ્યાજે રકમ લીધી હતી અને તેમને નિયમિત વ્યાજ ચૂકવતા હતા.
પરંતુ પાંચેક મહિના પૂર્વે ઉનાળામાં મંદી આવતા વ્યાજ ચૂકવી ન શકાતા વધુ રકમની જરૂર પડતાં વધુ પૈસા વ્યાજે લેવા પડ્યા હતા અને એક મહિનાથી સ્થિતિ વધુ ખરાબ થઇ હતી અને વ્યાજખોરો ઘરે આવી ધમકીઓ આપી ઉઘરાણી કરતા હતા.
જેથી ડરી જઈ બે દિવસ પૂર્વે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને બાદમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ફરિયાદના આધારે જસદણ પોલીસે 6 શખ્સ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.