વિંછીયા તાલુકાના ભોંયરા ગામ ખાતે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને સ્ટેટ હાઇવેથી ભોંયરા ગામ તરફ જતા રસ્તાના કામના ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કિસાનપથ યોજના હેઠળ રૂ.75 લાખના ખર્ચે 3 લેયરના ડામરવાળો 2.40 કિલોમીટર લંબાઈના રોડનું નિર્માણ કરવામાં આવશે.
મંત્રી બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જસદણ-વિંછીયા વિસ્તારમાં હાલમાં દરેક ક્ષેત્રે વિકાસ કાર્યો થઈ રહ્યા છે. ભોંયરા ગામથી હાઇવે સુધી જવાનો રોડ આગામી 6 માસમાં જ બનાવવામાં આવશે.
અગાઉ પણ ભોંયરા ગામથી લાલાવદર માટે ટૂંકો રસ્તો બનાવવામાં આવ્યો હતો. આજે રોડના ખાતમુહૂર્ત સાથે ભોંયરા ગામથી ફૂલઝર ગામ જવા માટે અંદાજે રૂ.70 લાખના ખર્ચે નવો સી.સી. રોડ પણ મંજૂર કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે ગામમાં વ્યક્તિદીઠ 100 લીટર પાણી મળી રહે તે માટે અલગ જૂથ યોજના મંજૂર કરવામાં આવી છે. વિંછીયા તાલુકાના કડુકા, લાલાવદર, ખડકાણા અને ભોંયરા ખાતે બનાવવામાં આવેલા તળાવો સુધી "મા નર્મદાના નીર’ પહોંચાડવાનું કામ પણ હાલ પ્રગતિ હેઠળ છે.
રાજ્ય સરકાર દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટે રસ્તા, પાણી અને અન્ય વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ કાર્યક્રમનું સંચાલન લાલભાઈ ગઢવીએ કર્યું હતું. આ પ્રસંગે મામલતદાર આર. કે. પંચાલ, તાલુકા વિકાસ અધિકારી પી. જી. પરમાર, માર્ગ મકાન વિભાગના અધિકારી તેજસભાઈ ચૌહાણ, ગામના સરપંચ ભરતભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.