જસદણમાં એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરને બે શખ્સોએ મારમારી ફરજમાં રૂકાવટ કરી હતી. જે મામલે જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
આ બનાવ અંગે ભાવનગર રહેતા પૃથ્વીરાજસિંહ માનસિંહ ચૌહાણ(ઉ.વ.47) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બે અજાણ્યાં શખ્સના નામ આપતા જસદણ પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવમાં ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તે એસ.ટી.માં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. હાલ એસ.ટી.માં તે બરવાળા-જામનગર રૂટની બસ ચલાવે છે. તેમની સાથે કંડકટર તરીકે અજીતભાઈ ડોડીયા છે. બસ નં.જીજે-18-ઝેડટી-117 7 લઈ બરવાળાથી વિંછીયા થઈ જસદણ ગયા ત્યારે એક બાઇકમાં એક સાયકલ આડી બાંધી હતી અને તે સાયકલ બસ સાથે અથડાઇ હતી આથી એ બન્ને શખ્સે મારી સાથે ગાળાગાળી કરી હતી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
બાદમાં બસ લઈ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ જાવેદભાઈ જુસબભાઈ ખીમાણી(ઉ.વ.32) એ પણ બસના ડ્રાઇવર સામે પણ ગાળાગાળી કરવાની અને માર મારવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.