યુવક પર હુમલો કરી ઢીમ ઢાળી દેનારા 6 શખ્સ પોલીસ સકંજામાં આવી ગયા છે જ્યારે એક હજુ પણ ફરાર છે.
આડાસંબંધની શંકામાં સાત શખ્સે એક સંપ કરી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું
વીંછિયાના મોટામાત્રા ગામે આડાસંબંધની શંકાએ મયુર ઉર્ફે મયલો વશરામભાઇ સાડમીયા (ઉ.વ.22) ની હત્યામાં સંડોવાયેલ વધુ ત્રણ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. જયારે એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં અવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોટામાત્રા ગામે રહેતા મુળ ખારચીયાના વતની મયુરભાઇ ઉર્ફે મયલો વશરામભાઇ સાડમીયા (ઉ.વ.22) ઉપર સાત શખ્સએ કુહાડી, પાઇપ, ધારીયા, લાકડી સહિતના હથિયારોથી હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધો હતો.
અને તેને તાબડતોબ સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો અને પોલીસ તરત જ હરકતમાં આવી ગઇ હતી તેમજ સાત પૈકી ત્રણ શખ્સની ધરપકડ કરી લેવાઇ હતી અને અન્ય ચારની શોધખોળ કરવામાં આવી હતી
જેમાં શુક્રવારે વધુ 3 આરોપી પોલીસ સકંજામાં આવી ગયા હતા, જો કે એક શખ્સ હજુ પણ ફરાર હોઇ તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. મૃતક મયુરભાઇને આરોપી સાયલાના કસવાળા ગામના વનરાજ ચોથા મંદુરીયાની પત્ની સાથે આડો સંબંધ હોવાની શંકાએ વનરાજ સહિતના સાત શખ્સએ હુમલો કરી પતાવી દીધો હતો.
બનાવમાં વીંછિયાના પીએસઆઇ ઇન્દ્રજીતસિંહ સરવૈયા તથા સ્ટાફે આરોપી રમેશ મેરામભાઈ અને ચોથા સગરામ કસવાળાને ઝડપી લીધા હતા. ત્યારબાદ મોડી રાત્રે હત્યામાં સામેલ ટીના રમેશભાઇ, રામકુ સગરામભાઇ મંદુરીયા તથા ઉમેશ ચોથાભાઇ મંદુરીયાને ઝડપી લઇ વધુ પૂછતાછ હાથ ધરી હતી. આ બનાવમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. જયારે સતા રમેશભાઇ નામના શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે.