પીડિતાની માતા : હું સીમ વિસ્તારમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું, મારા પરિવારમાં એક બાળકી અને બે દીકરા છે. મારી 12 વર્ષની બાળકી દોઢ વર્ષની હતી ત્યારે તાવ આવતાં માનસિક બીમાર બની હતી. ત્યાથી તેની દવા ચાલુ છે. તા.25 ઓક્ટોબરે હું કામથી ઘરે આવી ત્યારે મારી દીકરી ગુમસુમ બેઠી હોવાથી મેં તેની સાથે વાત કરતાં તેણે તેની સાથે ખોટું થયું હોવાનું જણાવ્યું હતું. 56 વર્ષના ગોરધન શિયાડીયા નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવા માટે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી જાણતો હતો મારી દીકરી માનસિક બીમાર છે. માટે તેના ભોળપણનો ફાયદો ઉઠાવ્યો છે. આરોપીને આજીવન કારાવાસની સજા થાય તેવી અમારી માંગણી છે. આ વલોપાત કરતાં શબ્દો રાણપુર તાલુકાના એક ગામમાં દુષ્કર્મનો ભોગ બનનારી 12 વર્ષની દીકરીની માતાના છે.
રાજ્યભરમાં હાલ દુષ્કર્મ અને મહિલાઓ-યુવતી સાથે અભદ્ર વર્તનના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં રાણપુર તાલુકાના એક ગામમાં માનસિક અસ્વસ્થ 12 વર્ષની બાળકીને ચોકલેટ આપવા બોલાવી 56 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યુ હોવાનું મેડિકલ રિપોર્ટ ઉપરથી ફલીત થતાં પોલીસે આરોપીને ઘરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. ગામમાં રહેતો ગોરધન શિયાડીયા નામનો શખસ અગાઉ પણ અવારનવાર નાની બાળાઓને ચોકલેટ આપવાના બહાને નજીક જવાની કોશિષ કરતો હતો. કેટલી બાળાઓ તો દૂરથી તેને જોઇને ભાગી જતી હતી.
તા.25 ઓક્ટોબરે આ શખસે ધો.7માં અભ્યાસ કરતી માનસિક બીમાર બાળકીને હવસનો શિકાર બનાવી હતી. આ અંગે પોલીસે પોક્સો મુજબ ગુનો નોંધી બાળકીના મેડિકલ રિપોર્ટ ભાવનગર મોકલ્યા હતા. જેમાં દુષ્કર્મ થયાનું ફલિત થતાં કલમનો ઉમેરો કરી કોર્ટમાં ધકેલવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, દુષ્કર્મનો આરોપી 56 વર્ષીય ગોરધન શિયાડીયા પરિણીત છે. પરંતુ તેને કોઇ બાળક નથી. ઘટનાની જાણ થતાં ફિટકાર વરસાવ્યો છે.