આપણે નાનાં હતા ત્યારે આપણે આપણા વડીલો પાસેથી વાત સાંભળી હતી. પહેલા સંતાનમાં દરેક માતાપિયા દાદાદાદીને દીકરો જ જોઈતો હતો. પહેલા સોનોગ્રાફીનું ચલણ હતું નહી એટલે જો દીકરીનો જન્મ થાય તો એને દૂધપીતી કરવાનો રિવાજ હતો દીકરીનો જન્મ થાય એટલે મોટા છલોછલ દુધ ભરેલા વાસણમાં ડુબાડી દીકરીને મારી નખાતી હતી.
આ સોળમી સદીની વાત છે પણ ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે એકવીસમી સદીના 24 માં વરસે પણ આજ હાલત ઠેરઠેર છે. પહેલા દુધપીતી કરાતી હતી હવે ગર્ભમાં જ દીકરીની ભુર્ણહત્યા કરવામાં આવે છે. સોનોગ્રાફીમાં જો ખબર પડે કે દીકરીનો ગર્ભ છે તો તરત જ ડોક્ટરને વધારે રૂપિયા આપી ગર્ભપાત કરાવી દેવામાં આવે છે.
હવે જો દીકરીએ બિચારીએ ભૂલચૂકમાં આ પૃથ્વી પર જન્મ લઈ લીધો તો જન્મથી માંડીને મરણ સુધી એના અત્યાચાર જુલમો સિતમ કરવામાં આવે છે જો દીકરો જન્મે તો પરિવારમાં ખુશી અને પેંડા વહેંચવામાં આવે છે. પાર્ટીઓ અપાય છે. ખાણીપીણી જલ્સાઓ થાય છે. અને જો દીકરી જન્મે તો દીકરીના જન્મના પહેલા દિવસથી આ પૃથ્વી પર દીકરી અવતરે એના પહેલા જ દિવસથી ભેદભાવનો અલગાવનો ભોગ બને છે.
પરિવારના બધા સભ્યોના મોઢા પડી જાય છે. પેંડાની જગ્યા પર જલેબી માંડ માંડ વહેંચવામાં આવે છે જાણે કે દીકરી આપણા જીવનને જલેબી જેમ ગુંચવવા જ આવી હોય. મને એક વાત સમજાતી નથી કે દીકરી આવે એટલે લક્ષ્મીમાં નો જન્મ થયો. ઘરમાં લક્ષ્મી આવી છે એમ કેમ આપણે બોલતા નથી?
હવે આ દીકરીઓ થોડી મોટી થાય એટલે પહેલા તો માતાપિતા ઘરના બીજા વડીલો રોજ સવાર સાંજ દીકરીના મનમાં એવું ઠસાવી દે છે કે તું દીકરી છે તારાથી મોટા અવાજે વાત થાય નહી મોટે અવાજે હસીમજાક થાય નહી રાતે 9 પછી ઘરની બહાર નીકળાય નહી દીકરો ભલે આખી રાત રખડી સવારે પીને લથડીયા ખાતો ઘરે આવે.
દીકરી પાંચ સાત વરસની થાય એટલે હવે તો પરિવારના સભ્યોથી પણ સલામત રાખવી પડે એવા દિવસો આવી ગયા છે. દીકરી બહાર તો સલામત સુરક્ષિત નથી પણ હવે તો ઘરમાં પણ સલામત સુરક્ષિત નથી. ભાઈ પિતા પિતરાઈ ભાઈઓ ફુવા કાકા મામાં માસાથી પણ સાચવવી પડે છે પાછી બહાર રીક્ષાવાલા માળી રસોઈયા કારવાલા સ્કુલના શિક્ષકો આચાર્યો પટાવાળા ટ્રસ્ટીઓથી પણ સાચવવાની છે.
હવે આવી દીકરીઓ થોડી મોટી થાય એટલે માતાપિતા પોતાની નાદાની પોતાની ભૂલથી કરેલું દેવું ચૂકવવા દીકરીનો ભોગ લે છે.
આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનના એક બે નહી દસ દસ જિલ્લાઓમાં દીકરીને કોઈ નિર્જીવ ચીજ વસ્તુઓની જેમ દીકરીઓને ભાડે આપી દેવામાં આવે છે. દલાલો આ દીકરીના માતાપિતા પાસેથી બે વરસ ત્રણ કે પાંચ વરસ માટે દીકરીઓને ભાડેથી લઈ જાય છે.
માતાપિતા રૂપિયા લઈ દીકરીઓને આવા હલકટ દલાલોને હવાલે કરી દે છે દલાલો આવી માસુમ કલીઓનું ભરપૂર શારીરિક માનસિક શોષણ કરે છે. જો દીકરી ભાગીને પાછી આવી જાય તો માતાપિતા પાછા દલાલો પાસે મુકી જાય છે દલાલો દીકરીઓને માદક નશીલા ડ્રગ્સ આપી પહેલા મારપીટ કરી પોતાની ધાક બેસાડે છે પછી દીકરીઓ પાસે દેહવ્યાપાર કરાવે છે.
ભીલવાડા જિલ્લાના એક માતાપિતાએ પોતાની દીકરીને ત્રણ ત્રણ વખતે અલગ અલગ શહેરમાં ભાડે આપી હતી પહેલા પોતાની તેર વરસની દીકરીને એક વરસ માટે દોઢ લાખમાં ગવાલિયરમાં ભાડે આપી હતી પછી બીજા વરસે સવાઈ માધોપુરમાં અને પછી ત્રણ વરસ માટે પાંચ લાખ લઈ નાગપુરma ભાડે આપી હતી.
પહેલા આપણા ઉત્તર ગુજરાતનું વડિયા ગામ આવા કામો માટે જાણીતું હતું હવે લાગે છે ઠેર ઠેર વડિયા ખુલી ગયા છે
ક્યાં છે આપણી પ્રગતિ? ક્યાં છે પહેલો આપનો બહુ લાડકો વિકાસ?
દિવાળીના તહેવારોમાં રંગરોગાન સાફ સફાઈ ફર્નિચર ઘરઓફિસ શેર સોનુ કાર વિદેશ પ્રવાસ દમણ ગોવા પાછળ લાખો રૂપિયા ખર્ચતા પહેલા આપણે અહીં પણ એક નજર નાખવા જેવી છે? હકીકત કલ્પના કરતા પણ વધારે ખોફનાક અને બિહામણી છે
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427