ઇન્ટરનેટર અને સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઇન ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં બોટાદ જિલ્લાના GRD જવાનને લોન મેળવવા લીંક ઉપર ક્લિક કર્યા બાદ ક્રેડિટકાર્ડમાંથી રૂ.50 હજારથી વધુની રકમ કટ થઇ ગઇ હતી.
આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા રાજકોટના રિક્ષા ચાલકની ધરપકડ કરાઇ છે. આ તો એક કિસ્સો છે, જેમાં આરોપી પકડાઇ ગયો પણ દિવાળીના તહેવારોમાં કરોડોના ઇનામો જીતવાની લોભામણી ફેક લીંકથી સાવધાન રહેવાની જરૂર છે.
બોટાદ જિલ્લાના સમઢીયાળા નં.1 ગામમાં રહેતાં અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતાં દિલીપભાઇ ધુડાભાઇ ધાંધલે વોટ્ટસએપ ગ્રુપમાં 0 ટકા વ્યાજ સાથે ત્રણ લાખ સુધીની લોન મેળવવા લીંક ઉપર ક્લિક કરી હતી.
આપેલા નંબર ઉપર ફોન કર્યા બાદ બજારના ક્રેડિટકાર્ડનો ફોટો અને ઓટીપી મંગાવ્યો હતો. ત્રણ દિવસમાં લોન મળી જશે તેવું કીધાના 4 દિવસ બાદ પૈસા ન મળતાં ક્રેડિટકાર્ડ ચેક કર્યું હતું.
જેમાંથી 50,263 રૂપિયાની લિમિટ તેના ક્રેડિટ કાર્ડમાંથી કટ થઈ ગઈ હતી અને કોઈ શખ્સે લેપટોપની ખરીદી કરી હોવાનું સામે આવતા તપાસ કરતાં હાર્દિક રાજેશભાઈ માખેજા (રહે.રાજકોટ) અને રિક્ષા ચાલક હોવાનું ધ્યાને આવ્યું હતું.
આમ દિવાળી પર્વે લોન કે અભિનંદન તમે જીત્યા છો પુરા બે કરોડનું ઇનામની લોભામણી લીંકથી આકર્ષિત થઇ લોકો કોન્ટેસ્ટમાં ભાગ લેવા 5 ગ્રૃપમાં આ લીંક શેર કરતાં હોય છે.
જેનો ભોગ ન બનો તે માટે આવી કોઇ લીંકને શેર ન કરવા અને ક્લિક ન કરવા સાયબર ક્રાઇમ દ્વારા ઇન્ટરનેર વપરાશકર્તાઓને અપીલ કરવામાં આવી છે.
ઓનલાઈન ફ્રોડથી કઈ રીતે બચી શકાય ?
ભૂલથી પણ કોઈ અજાણી લીંક પર ક્લિક ન કરો.
ઓછી કિંમતે ખરીદી કરો, મોટા ડિસ્કાઉન્ટ પર ખરીદી કરોની મેસેજ લીંક પર ક્લિક કરવાનું ટાળવું.
કોઇ ફ્રોડ લીંક જાણીતા શેર કરે તો તેમને પણ સતર્ક કરવા.
તમારા સ્માર્ટફોન પર કોઈપણ અજાણી લીંક આવે તો પહેલા તેની ખાતરી કરો અને પછી જ ફોરવર્ડ કરવાનું રાખો.
ફ્રોડ કરનારા કંપનીના ભળતા નામોની લીંક મોકલે છે.