સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં 19મી નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ મનાવાય છે, ત્યારે રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં કુલ મળીને ૮૦૯૨ વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ થયું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મળેલી માહિતી મુજબ, સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧થી લઈને ૨૦૨૩-૨૪ દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વ્યક્તિ શૌચાલયો જસદણ તાલુકામાં બન્યા છે. ૧૫૧૭ વ્યક્તિગત શૌચાલયોના નિર્માણ સામે લાભાર્થીઓની રૂ.૧૮૨.૦૪ લાખની સહાય મંજૂર કરાઈ છે.
બીજા ક્રમે ગોંડલ તાલુકામાં ૧૪૭૫ વ્યક્તિગત શૌચાલયો બનાવવામાં આવ્યા છે અને રૂ.૧૭૭ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. એ પછી જેતપુરમાં ૧૦૫૬ વ્યક્તિગત શૌચાલયો બન્યા છે અને રૂ. ૧૨૬.૭૨ લાખની સહાય મંજૂર કરાઈ છે. જિલ્લાના રાજકોટ તાલુકામાં ૯૧૮ શૌચાલયો સામે રૂ. ૧૧૦.૧૬ લાખ, ઉપલેટા તાલુકામાં ૭૦૪ શૌચાલયો સામે રૂ.૮૪.૪૮ લાખની સહાય, કોટડા સાંગાણી તાલુકામાં ૫૨૨ શૌચાલયો સામે રૂ. ૬૨.૬૪ લાખની સહાય મંજૂર કરાઈ છે.
ધોરાજી તાલુકામાં ૫૧૦ શૌચાલયો બન્યા છે, જેની સામે રૂ. ૬૧.૨૯ લાખની સહાય મંજૂર કરાઈ છે. જામકંડોરણા તાલુકામાં ૪૮૫ શૌચાલયો સામે રૂ. ૫૮.૨૦ લાખની સહાય, વિંછિયા તાલુકામાં ૪૮૨ શૌચાલયો સામે રૂ.૫૭.૮૪ લાખની સહાય, પડધરી તાલુકામાં ૨૬૭ શૌચાલયો સામે રૂ. ૩૨.૦૪ લાખની સહાય જ્યારે લોધિકા તાલુકામાં ૧૫૬ શૌચાલયો સામે રૂ.૧૮.૭૨ લાખની સહાય મંજૂર કરવામાં આવેલી છે.
નોંધનીય છે કે, જિલ્લાના ૧૧ તાલુકાઓમાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળો, જાહેર સ્થળો પર ૧૭૭ જેટલા સામુહિક શૌચાલયોનું નિર્માણ કરાયેલું છે. દેશને ઓડીએફ ફ્રી બનાવવાની દિશામાં આગેકૂચ કરવા સરકાર વિધ વિધ યોજનાઓ પર કામ કરી રહી છે અને તે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં અલગ અલગ જિલ્લાઓના તાલુકાઓમાં વ્યક્તિગત શૌચાલય બનાવાઇ રહ્યા છે.