અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં અલગ રહેતી પત્નીએ દરવાજો ન ખોલતાં તોડફોડ કરી, જૂના મકાને ગઈ તો રોષે ભરાઈને સંતાનોને પણ છરીના ઘા ઝીંક્યા

રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં પતિએ પત્ની અને બે પુત્રીઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સોમવારે મોડી રાતની આ ઘટનામાં પતિ દિપક ચાવડા પોતાનાથી અલગ નવાગામમાં રહેતી પત્ની જશોદાબેનના ઘરે પહોંચ્યો હતો અને તોડફોડ કરી હતી.
બાદમાં પત્ની તેની 2 પુત્રીઓ અને પુત્રને લઈ નવા થોરાળામાં ગોકુળપરા શેરી નંબર-5માં આવેલા જૂના ઘરે પહોંચ્યા તો ત્યાં આવીને પત્નીને જમણા હાથ પર, 15 વર્ષની નાની પુત્રીને કપાળમાં અને 18 વર્ષની મોટી પુત્રીને માથા અને હાથ પગના ભાગે છરીના ઘા ઝિંક્યા હતા. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી હુમલાખોર પતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

પત્નીએ દરવાજો ન ખોલતા ઘરમાં તોડફોડ કરી
પોલીસ ફરિયાદ મુજબ રાજકોટના નવાગામમાં 25 વારિયા RMC ક્વાર્ટર બ્લોક નંબર-1માં પતિથી અલગ રહેતા 42 વર્ષીય જશોદાબેન ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પતિ સાથે અણબનાવ બન્યો હોવાના કારણે તેઓ પોતાના સંતાનો સાથે અલગ રહેતા હતા.
આ દરમિયાન સોમવારે રાત્રે ત્રણ વાગ્યા આસપાસ પતિ ત્યાં પહોંચ્યો હતો અને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ, જશોદાબેને દરવાજો ન ખોલતા દરવાજો તોડી નાખ્યો હતો અને ત્યારબાદ ઘરમાં તોડફોડ કરી હતી. જેથી, પુત્રી સાથે નવા થોરાળામાં આવેલા ગોકુળપરા શેરી નંબર-5માં આવેલા જૂના મકાને ભાગીને ગયા હતા.

પરિવાર જૂના મકાને જતા પીછો કરીને છરીના ઘા ઝિંક્યા
પતિ પણ ત્યાં આવી ગયો હતો અને અહીંયા કેમ આવ્યા છો? તેમ કહી પત્ની જશોદાબેનને ધોકાથી માર માર્યો હતો અને બાદમાં જમણા હાથમાં છરી મારી દીધી હતી.

જે બાદ 15 વર્ષની નાની પુત્રી ઈશા ચાવડાને માથાના ભાગે છરીનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. બાદમાં 18 વર્ષની મોટી પુત્રી કંગનાના માથા, શરીર અને પગના ભાગે છરીના ઘા મારી દેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. 

જેથી, ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નાની પુત્રી ઈશા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, મને માથાના ભાગે સાત જેટલા ટકા આવ્યા છે ત્યારે મારી મોટી બહેન ગંભીર રીતે ઘાયલ થઈ છે. જશોદાબેને થોરાળા પોલીસ મથકમાં પોતાના પતિ દિપક આનંદભાઈ ચાવડા વિરુદ્ધ નોંધાવી હતી.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો