દેવપરા માધ્યમિક શાળાના નવીન ભવનનું લોકાર્પણ: મંત્રી કુંવરજી બાવળિયાએ વાલીઓને દીકરા-દીકરીના સમાન શિક્ષણ માટે પ્રેરણા આપી
ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની દેવપરા માધ્યમિક શાળાના રૂ.180 લાખના ખર્ચે બાંધકામ કરેલા નવીન ભવનનું લોકાર્પણ કરાયું હતું.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત કાર્યરત આ શાળા માતા સરસ્વતીના મંદિર સમાન છે. ગામના આંગણે માધ્યમિક શાળા બનતા બાળકોને હવે ગામની બહાર ભણવા નહીં જવું પડે. ગુજરાત સરકાર સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા કટિબદ્ધ છે. ત્યારે વાલીઓની પણ નૈતિક જવાબદારી છે કે પોતાના સંતાનોને શાળા અભ્યાસથી વંચિત ન રાખે તેમજ દીકરા-દીકરીને એક સમાન માનીને કન્યા કેળવણીને પણ મહત્વ આપે.ઉલ્લેખનીય છે કે, આ શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 5 નવા વર્ગખંડનું બાંધકામ કરાયું છે.
હાલ શાળામાં ધો.9 અને ધો.10 ના કુલ 39 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં કમ્પ્યુટર લેબ, લેબોરેટરી અને લાઈબ્રેરી, બહેનો-ભાઈઓના અલગ શૌચાલય વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. વરસાદી પાણીનો ભૂગર્ભ જળસંચય થઈ શકે, તે હેતુથી રેઈન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ પણ તૈયાર કરાઈ છે.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શિલ્પાબેન સાસદીયા, મામલતદાર એમ. ડી. દવે, દેવપરા પ્રાથમિક શાળાના આચાર્ય નયનાબેન પટેલ, અગ્રણીઓ ભાવેશભાઈ વેકરીયા અને કલ્પેશભાઈ વાવડીયા સહિત અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.