ભારતમાં મહાકુંભમેળામાં આખાડા અને અતિ ભારે જનમેદનીમાં જ્યાં હજારો લાખો લોકો ખોવાઈ જાય એમાં એક કથ્થાઈ આંખોવાળી શ્યામલી છોકરીમાં અનેક લોકો ખોવાઈ પણ ગયા અને અનેક લોકોની આંખો પહોળી થઇ ગઈ.
ઇન્દોરની માળા વેચવાવાળી મોનાલિસા નામની છોકરીનો ચહેરો અને થોડાઘણા ઇન્ટરવ્યુ લાખોની સંખ્યામાં વાયરલ થયા.
જ્યાં કરોડોની સંખ્યામાં લોકો ડૂબકી મારતાં હોય ત્યાં એક સાવ સામાન્ય પરિવારની છોકરી પર કેમ નજર ચોંટી ગઈ ? એનો એકમાત્ર જવાબ છે, મોનાલિસાની મનમોહક આંખો.
બાય ધ વે, મોહક આંખોને કારણે એ કથ્થાઈ છોકરીએ થાકીને મેળો છોડ્યો એવા સમાચાર પણ છે.
આંખ અને સુંદરતાને સીધો સંબંધ છે, આંખ અને સંવેદનાને પણ સીધો સંબંધ છે, આંખ અને સમજને પણ સીધો સંબંધ છે.
સમગ્ર સૃષ્ટિ અને જીવનને જોવા, સમજવા, સંવેદવા માટે આંખ સૌથી અગત્યનું અંગ છે એ વાત સાચી.
નાક અને કાન જેવા પણ આપી પાસે સેન્સરી અંગો છે પરંતુ કવિતા, ગઝલ કે પિકચરના ગીતો તો આંખ પર જ બની શકે છે.
હિન્દી સિનેમામાં ક્યાંય એવું સાંભળ્યું કે ‘કથ્થાઈ કાન જો તેરે દેખે, શરાબી યે દિલ હો ગયા’ ?
આપણા ચહેરાની બરાબર મધ્ય ભાગની આસપાસ પ્રવાહીથી ભરેલા એ ગોળાર્ધમાં એવું શું છે જે સામેવાળી વ્યક્તિને અનેક અહેસાસ કરાવી શકે છે?
સાવ સહેલું અને ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે, ‘આંખો આપણી અંદર આવેલી બારીઓ છે જેના થકી આપણે વિશ્વને જોઈ શકીએ છીએ અને આપણા દિલ, દિમાગના આંતરિક વિશ્વમાં જે કઈ છે એને બહારની દુનિયા આંખ નામની બારીમાંથી ડોકિયું કાઢીને જોઈ શકે.’
આંખ આપણી પાસેના ઇનબિલ્ટ કેમેરા છે. પ્રકાશ જયારે લેન્સમાં પડે ત્યારે રેટિના સુધી પહોંચે છે, મગજ એનું પૃથ્થકરણ કરે અને આપણે ‘જોવાનું’ કામ શરુ કરીએ છીએ.
આઈરિસ નામનો ભાગ પ્રકાશના નિયમનનું પણ કામ કરે છે. જે આંખને નાની-મોટી કરવામાં મદદ કરે છે. આપણે જયારે કોઈ પણ વસ્તી કે દૃશ્યથી આકર્ષિત થઈએ છીએ ત્યારે આંખો પહોળી થાય છે. એ પહોળી થયેલી આંખોને સુંદરતાની નિશાની પણ ગણવામાં આવે છે.
કીકીના રંગ, આંખના આકાર અને સાઈઝ માટે પણ થોડાઘણા સુંદરતાના માપદંડ છે. આથી જ અલગ અલગ રંગના લેન્સનો ઉપયોગ થાય છે. ઈટાલીમાં તો સ્ત્રીઓ એક ખાસ છોડનો રસ આંખમાં નાખતા હતા, જે આંખને મોટી કરવામાં મદદરૂપ થતો હતો.
જેના પરિણામે લાંબા ગાળે દૃષ્ટિક્ષતિ પણ શરૂ થઇ. આંખની ઘણી તપાસ માટે આંખના ડોકટરો ખાસ દવા નાખે છે જે આંખને પહોળી કરવામાં મદદ કરે છે.
આંખ અનુભવ, અહેસાસ, લાગણી અને તમામ આંતરિક ક્રિયાઓનું પ્રતિબિંબ બતાવે છે. આંખ લજ્જાથી ઢળી જાય છે, આક્રોશથી અકળાઈ જાય છે, હરખથી વહી જાય છે, પીડાથી છલકાઈ જાય છે. એમ કહેવાય છે કે,આપણા મોટાભાગની લાગણીઓની આંખ ચાડી ખાય છે.
ગમતી વ્યક્તિનો ચહેરો નજર સામે આવે એ વખતે આંખની કીકી, રેટિના કે આઈરિસ મગજને જે સંદેશ પહોંચાડે ને શું પાછું આવે એ બધું વિજ્ઞાન કહેશે, પણ એ ચહેરા સાથેનો સ્નેહ આંખ થકી વિશ્વમાં વિસ્તરે એને ‘જાદુ તેરી નઝર’ કહીએ કે ‘યે આંખે દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હે’ ગાઈએ,અંતે બધું હેમનું હેમ છે.
લેખક: મેઘા જોશી