બોટાદમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી:દારૂ અને મારામારીના કેસમાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ ભુજની જેલમાં મોકલાયા
બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે મહત્વપૂર્ણ પગલું લીધું છે. બોટાદ એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકીની આગેવાનીમાં બે અસામાજિક તત્વોને પાસા એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં તુરખા ગામના જયંતીભાઇ કરશનભાઇ , જે વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા હતા અને બોટાદના હરેશભાઇ ઉર્ફે હરી કલજીભાઇ સાપરા, જે મારામારીના કેસમાં સંડોવાયેલા હતા, તેમનો સમાવેશ થાય છે.
એલસીબી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોય સમક્ષ રજૂ કરી હતી.
મેજિસ્ટ્રેટે બંને દરખાસ્તો મંજૂર કરી પાસા અટકાયત વોરંટ જારી કર્યા હતા. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વોરંટની બજવણી કરી હતી અને તેમને ભુજની પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂપે કરવામાં આવી છે.