રિપોર્ટ: Rajesh Limbasiya
વિંછિયા પંથકના બે શખ્સના કરતૂતનો ભાંડાફોડ,બોગસ બિનખેતીના દસ્તાવેજો બનાવી 10 હજાર વાર જમીન વેચવાનો પ્રયાસ,કલેક્ટરના નકલી સહી-સિક્કા કરી ધામી બંધુ નામે દસ્તાવેજો ઊભા કર્યા.રાજકોટ શહેરની ભાગોળે વાવડીમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી, નકલી બિનખેતીના ઓર્ડર બનાવી વીંછિયા પંથકના બે શખ્સે જમીન બારોબાર વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કરતૂતનો ભાંડાફોડ થતાં બંને સામે ગુનો નોંધાયો હતો.
શહેરની જૂની કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતાં સર્કલ ઓફિસર તેજ શિરીષભાઇ બાણુગરિયાએ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વીંછિયાના છાસિયા ગામના રસિક ધના માલકિયા અને વીંછિયાના અમરાપુરના શૈલેષ જગશી વાસાણીના નામ આપ્યા હતા.
સર્કલ ઓફિસર તેજ બાણુગરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.12 ડિસેમ્બર, 2024ના રેતુલ શાહની અરજી સાથે કેટલાક દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જે દસ્તાવેજોમાં વાવડીની સરવે નં. 149ની 10 હજાર ચોરસવાર જમીન દર્શાવવામાં આવી હતી.
તેમાં બિનખેતીનો ઓર્ડર તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના સહી-સિક્કા સહિતના કેટલાક દસ્તાવેજો અને હાઈકોર્ટના કેટલાક ઓર્ડર પણ દર્શાવવામાં આવ્યા હતા.રજૂ થયેલા દસ્તાવેજો શંકાસ્પદ લાગતા તેની ચકાસણી કરવામાં આવતા કલેક્ટરની નકલી સહી અને સિક્કા લગાવ્યાનું અને હાઇકોર્ટના પણ નકલી ઓર્ડર હોવાનું ફલિત થયું હતું.
આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં વીંછિયા પંથકના બંને શખ્સે વાવડીની સરકારી જમીન પર દિનેશભાઈ રામજીભાઇ ધામી તથા રાજેશભાઈ રામજીભાઇ ધામીની માલિકી બતાવી હતી અને તે જમીન બારોબાર વેચવા માટેના વીંછિયા પંથકના બંને શખ્સે ખેલ કર્યાનું ખુલ્યું હતું.
સર્કલ ઓફિસર તેજ બાણુગરિયાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી બંને આરોપી સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.