હાલમાં આપણે ત્યા લગ્નની મોસમ પુરજોશમાં છે. ભારતમાં આશરે દર વરસે ૪૦ લાખ લગ્નો થાય છે . પહેલાં લગ્નો સાદાઈથી થતા હતા ખર્ચો પણ નજીવો આવતો હતો. જમણવાર પણ મોટેભાગે દાળ ભાત ખમણ કે ગોટા શ્રીખંડ કે કેરીની સીઝન હોય તો કેરીનો રસ હોય પંગતમાં રંગત હતી.
આપણા ઘરનો પ્રસંગ હોય તો આખી શેરી મદદમાં કામકાજમાં વગર બોલાવ્યે દોડી આવતી હતી. જવાનીયાઓ આખી રાત મીઠાઈઓ ભજીયા બનાવવામા વ્યસ્ત રહેતા હતા. અર્ધી રાતે રસોઈ બનાવનાર મહારાજ ગરમાગરમ ભજીયાનો ફાલ ઉતારતા હતા તે ભજીયાનો સ્વાદ આજે આટલા વરસે પણ દાઢે વળગ્યો છે.
હમણાં દેખાદેખી વધી ગઈ છે. મધ્યમ વર્ગ પણ નાહક પિસાઈ રહ્યો છે. મધ્યમ વર્ગ દેવું કરીને લોન લઈ લગ્નો પાર પાડે છે એ એક ખરાબ સિલસિલો કાયમ થઈ રહ્યો છે. લગ્ન પ્રસંગની લોન લેનારાનો ૩૦ ટકાનો વધારો થયો છે. દેશમાં સરેરાસ લગ્નનો ખર્ચ ૧૦ થી ૧૫ લાખ સુધી પહોંચી ગયો છે. ખર્ચાળ લગ્નો આમ બની રહ્યા છે એ સમાજના સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે.
આપણે કોઈના લગ્ન પ્રસંગે જઈએ એટલે ભવ્ય લાઈટ ફુલ થીમનું ડેકોરેશન હોય વેલ્કમ ગેટ પાછા નવીન જ હોવા જોઈએ. અંદર જઇએ એટલે હમણાંની ફેશન પ્રમાણે વેલકમ ડ્રીંક આવે પછી સ્ટાર્ટર આવે અમુક મહેમાનો આનો પણ બે ચાર વખત લાભ લે. પછી પાછા બે ચાર અલગ અલગ વાનગીઓના કાઉન્ટર પછી મુખ્ય ભોજન આવે એમાં એટલી બધી વાનગીઓ હોય છે કે એની વાત કરવા જેવી નથી થાળીમાં એટલી બધી વાનગીઓ હોય છે કે કોઈનો માઈનો લાલ થાળીમાં બધી વાનગી ભરી શકતો નથી.
મને એ સમજાતું નથી કે આટઆટલી વાનગીઓનું કામ શું છે? કોઈ પણ વ્યક્તિ પેટ ભરાઈ એટલું જમે બરાબર છે. પણ ભાઈઓ આપણે એક મહિનો બન્ને સમય ભરપેટ ભોજન કરી શકીએ એટલી વાનગીઓ અને ભોજન એક સમયે જમવામાં રાખવાનો કોઈ મતલબ ખરો?
મહેમાનો થાળીમાં બધી વાનગીઓ ભરી ભરી ફર્યા કરે છે એક બે વાનગીઓ ચાખી ના ચાખી ભોજનની થાળી એંઠી મુકી હસતા હસતા બહાર નીકળી જાય છે. તમને ખબર છે કે તમે જેટલું થાળીમાં એઠું મૂક્યું એ કોઈનું બે ચાર દિવસનું ભોજન છે. અન્નનો એક પણ દાણો તમે ખાધા વગર જવા દો છો એનાથી મોટું કોઈ પાપ આ ધરતી પર નથી. એંઠવાડમાં તમે જે બધું ફેંકી દો છો એ બધી થાળી બધું ભોજન કેટરસવાલા બિલમાં લખવાના જ છે.
કદાચ પાંચ પચીસ વધારે પણ લખી દેતા હશે. અને મધ્યમવર્ગીય પિતા જે દેવુ કરી લોન લઈ ઉછીના વ્યાજે લઈ આ ભોજનનું આયોજન કરે છે એ પિતાને આપણી નાદાની મસ્તીની કેટલી મોટી કિંમત ચુકવવી પડે છે એ પૈસા ચુકવતા ચુકવતા પાંચ દસ વરસ નીકળી જાય છે તમે ભોજનની થાળીમાં જે વાનગીઓ ખાધા વગર માત્ર ચાખી ચાખીને એંઠી મુકી હતી એના પુરેપુરા પૈસા વસુલ કેટરસવાલા કરે છે. એંઠવાડના પૈસા ચુકવતા નાકમાં દમ આવી જાય છે.
ભાઈઓ આજથી હમણાંથી જ નક્કી કરીએ કોઈ પણ પ્રસંગ હોય શાદી હોય કે બર્થ ડે હોય કે બીજા સામાજિક પ્રસંગ હોય ભોજનમાં ગણતરીની બે ચાર વાનગીઓ જ રાખીશું કવરની રકમ વસુલ કરવાની ભાવનાને ફગાવી દઇએ. જોઇતી અને જરૂર પુરતી વાનગી જ રાખીશું અન્નનો એક પણ દાણો કચરાપેટીમાં જાય નહી એનું ખાસ ધ્યાન રાખીશું.
નવી પેઢીને ખેતીમાં રસ નથી ઘઉં અને ઘઉંનો લોટ ૫૦ રૂપિયા કિલો પહોંચવાની તૈયારીમાં છે ૧૦૦ રૂપિયા કિલો ઘઉં લોટ ખાવો પડે એવા દિવસો ના આવે એવી પ્રાર્થના કરીએ
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા.
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭