વીંછિયા પોલીસ મથકના પીએસઆઈની હાજરીમાં પીજીવીસીએલનાં નાયબ ઈજનેરને રૂપાવટીના નામચીન શખ્સે ગાળો આપી તમાચા ઝીંકી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રૂપાવટીના શખ્સે ઘરના વીજ કનેકશનમાંથી કન્સ્ટ્રક્શન વપરાશ માટે લાઈટનો ઉપયોગ કરતાં ચેકિંગમાં તે ગેરરીતિ પકડાઈ જતા પીજીવીસીએલ દ્વારા હેતુફેર માટે બિલ ફટકારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વીંછિયામાં સત્યજીત સોસાયટીમાં રહેતાં પીજીવીસીએલનાં નાયબ ઇજનેર ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડા (ઉ.વ.30) એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે રૂપાવટીના હિતેષ લવજી ગાબુનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પીજીવીસીએલનાં નાયબ ઇજનેર તરીકે છેલ્લા 5 મહીનાથી ફરજ બજાવે છે.
ગઈકાલે તેઓ કચેરી ખાતે ફરજ ઉપર હતાં ત્યારે સાંજના સમયે વિંછીયા પોલીસ સ્ટેશન સ્ટાફનો ફોન આવ્યો હતો. જેમાં હીતેશ લવજી ગાબુએ પીજીવીસીએલ વિરુધ્ધની અરજી આપેલ હોય તેમને નિવેદન માટે બોલાવ્યા હોય તે પોલીસ સ્ટેશને ગયેલ ત્યાં અરજદાર હીતેશ ગાબુ હાજર હતો. નાયબ ઇજનેર ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડા અને અરજદાર હિતેષ ગાબુને પીએસઆઇની ઓફીસમાં બોલાવેલ અને પીએસઆઈની હાજરીમાં અરજદારને અરજી સબબ વાતચીત કરી હતી.
રૂપાવટીના શખ્સે ઘરના વીજ કનેકશનમાંથી બાજુમાં કન્સ્ટ્રક્શનના વપરાશ માટે લાઈટનો ઉપયોગ કરતાં પકડાયો હતો. જેથી હેતુફેર માટે બિલ ફટકારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પી.જી.વી.સી.એલ દ્વારા નિયમ મુજબ નોટીસ આપ્યાનું જણાવ્યું હોય ત્યારે હિતેષ ગાબુ ઉશ્કેરાયેલ જઈ પીજીવીસીએલનાં નાયબ ઇજનેર ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડાને ગાળો દેવા લાગ્યો હતો અને કોલર પકડી એક ફડાકો ઝીંકી દિધો હતો.
વીંછિયાના પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં આ બનાવ બન્યો હોય જે અંગે નાયબ ઇજનેર ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડાની ફરીયાદ પરથી વીંછિયા પોલીસે ફરજમાં રૂૂકાવટ અંગે ગુનો નોંધી આરોપી હિતેશને ફક્ત નોટીસની બજવણી કરી હતી, આ મામલે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી છે.