અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

લાખ રૂપિયાનો સવાલ મોબાઇલને બાળકોથી દૂર કેવી રીતે રાખવાં ?

સાયટીના બગીચામાં સાત-આઠ છોકરા મોબાઇલ ફોનમાં માથું નાખીને ફટાફટ આંગળીઓ ફેરવી રહ્યા હતા અને બધાના ફોનોમાંથી ગોળીબાર અને ચીસાચીસના અવાજો આવી રહ્યા હતા. આ સીન જોઈને સોસાયટીના એક વડીલ નિસાસો નાખતા સ્વગત બોલ્યા, ‘આ નવી પરજાનું શું થશે?’
ત્યાં જ એમનું ધ્યાન ગાર્ડનમાં ઊછળકૂદ કરીને રમતા બીજા એક છોકરા પર ગયું. 
આ છોકરો મોબાઇલમાં ગેમ રમવાને બદલે બગીચામાં રમી રહ્યો હતો એ જોઈને વડીલ રાજીના રેડ થઈ ગયા. એમને થયું કે આ બાળકને શાબાશી આપવી જોઈએ.

‘શાબાશ બેટા.’
થેન્ક યૂ અંકલ, પણ શાબાશી કઈ વાતે આપો છો?’
‘આ લોકોની જેમ તું મોબાઇલ નથી મચડતો એ જોઈને મને આનંદ થયો.’

ઓહ એમ. પણ અંકલ એમાં એવું છે કે મારો ફોન ચાર્જિંગમાં છે એટલે આ તો જરા ટાઇમપાસ કરતો હતો.’ 

સ્વાભાવિકપણે વડીલને આ જવાબની કલ્પના નહોતી. એમણે ફરી નિસાસો નાખીને આપેલી શાબાશી પાછી લીધી.
માતા-પિતા વગરનાં બાળકો અનાથ માનવામાં આવે છે. 

પણ હવેનાં બાળકો પોતાની પાસે અલગ મોબાઇલ ફોન ન હોય તો છતે મા-બાપે પોતાને અનાથ સમજે છે. મહામારી વખતે પુખ્તવયના લોકોને કોરોનાનો વાઇરસ કનડતો હતો ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે સ્માર્ટફોનની લત નામનો વાઇરસ બાળકોના મગજમાં ઘર કરી રહ્યો છે. 

કોરોનાની રસી તો આવી પણ સ્માર્ટફોનના વળગણ નામના વાઇરસની રસી હજુ આવી નથી.

જેમને મોબાઇલ ફોનની મનાઈ હતી એવા બાળકોને પણ ઓનલાઇન ક્લાસના કારણે સ્માર્ટફોન મળી ગયા હતા. 

હવે બાળકોને મમ્મી-પપ્પા વગર ચાલે છે પણ મોબાઇલ ફોન વગર જરા પણ નથી ચાલતું. હદ એ છે કે માતા-પિતાને પણ ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલમાં જણાવવામાં આવે ત્યારે ખબર પડે છે કે મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો માટે ઠીક નથી. 

મોટા ભાગના ઘરમાં બાળકને અલાયદો ફોન એટલા માટે લઈ આપવામાં આવે છે જેથી મમ્મી-પપ્પા પોતે ‘ઇન્સ્ટા’, ‘ફેસબુક’ કે ‘લુડો-ફુડો’ ટાઇપની ગેમો રમ્યા કરે.

બાળકો અને મોબાઇલ ફોન હવે એટલા અભિન્ન બની ગયા છે કે આવનારાં વર્ષોમાં મોબાઇલ ફોન ભેગાં જ બાળકો જન્મે તો પણ નવાઈ નહીં. આવું થશે તો લોકો બાબો આવ્યો કે બેબી એવું નહીં પણ એન્ડ્રોઇડ આવ્યો કે આઇફોન? એવું પૂછતા થઈ જશે એ નક્કી છે. 

હવે મેદાનમાં રમતાં-રમતાં નહીં પણ મોબાઇલમાં ઇન્ટરનેટનું બેલેન્સ ના હોય તો બાળકો ગબડી પડે છે.


જેમની પાસે પોતાનો અલગ ફોન નથી એવાં બાળકો મમ્મી-પપ્પાને પટાવીને એમનો ફોન ‘રમવા’ લાગે છે. આવા મા-બાપોને મારો મોબાઇલ બગડી નહીં જાયને? એવા વિચારો આવતા કમકમાટી છૂટે છે. 

તેમને એ વાતની ચિંતા હોય છે કે મોબાઇલ ફોનને બાળકોથી કેવી રીતે બચાવવા? પણ અહીં દોષ માત્ર બાળકોને દેવા જેવો પણ નથી. મોટેરાઓ પણ ક્યાં ઓછા છે ? 

એમને પણ ‘ઇન્સ્ટા’ની રીલો અને ‘વોટ્સએપ’નાં સ્ટેટસો જોયા વગર ચાલતું નથી. સમાજ બદલવાનાં સપનાં સેવનારા લોકો હવે દિવસમાં ચાર વાર ‘વોટ્સએપ’ના ડીપી બદલીને સંતોષ માણી રહ્યાં છે.

જેમને ગાડી હંકારવાની છે એમને પણ મોબાઇલ ચેક કર્યા વિના ચાલતું નથી, જેમને દુકાન ચલાવવાની છે એમને પણ વચ્ચે વચ્ચે ફોન જોયા વિના ચાલતું નથી, જેમને બેન્ક ચલાવવાની છે એ લોકો પણ ફોનમાં મચી પડેલા છે. 

અને જેમને દેશ ચલાવવાનો છે તેઓ રાષ્ટ્રહિતમાં લોકો પાસે એક પછી એક એપ ડાઉનલોડ કરાવી રહ્યાં છે.
ટૂંકમાં, શ્વાસ લીધા વિના કદાચ ચાલી જાય… ફોન વિના કોઈને ચાલતું નથી. એમ તો આ લખનારને પણ આટલું લખતી વખતે પાંચ-છ વખત મોબાઇલ ચેક કર્યા વિના ક્યાં ચાલ્યું છે ?
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો