વિંછીયા તાલુકાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સૂચનોને ધ્યાને લઈ રાજયના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક રોડ-રસ્તાના કામો માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધાર્મિક સ્થળોને જોડતા કામોને જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.
જેમાં જસદણના આટકોટ ગામે આવેલ મહાસતિ લોયણ માતાના મંદિરે જવા માટેના નોનપ્લાન(કાચા) રસ્તા ઉપર ડામર કામ કરવા, કનેસરા ગામે આવેલ કંનનાથ મહાદેવ મંદિરે જવા નોનપ્લાન (કાચા) રસ્તાઓને પાકા બનાવવા, અમરાપુર ગામે આવેલ સતરંગધામના જર્જરીત થયેલા રસ્તા ઉપર રીકાર્પેટ કરવા માટે આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, પ્રસંગોપાત દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ દ્વારા લાંબા સમયથી પાકા રોડની સુવિધા મળવા માટેની રજુઆતને ઘ્યાને લઈ કામને જોબ નંબર ફાળવવા ધારાસભ્ય દ્વારા ભલામણ કરાઇ હતી.
માર્ગ અને મકાન વિભાગે આટકોટ મહાસતિ લોયણ માતાજીના મંદિર તરફના 1 કિ.મી.ના એપ્રોચ રોડ માટે રૂ.85 લાખ, કનેસરા કંનનાથ મહાદેવ મંદિર તરફના 1 કિ.મી.ના એપ્રોચ રોડ માટે રૂ.70 લાખ, વિંછીયાના સતરંગ મંદિર તરફના 1.50 કિ.મી.ના એપ્રોચ રોડ માટે રૂ.75 લાખ મળી કુલ રૂ. 230 લાખની રકમ મંજુર કરવામાં આવી છે.
જસદણ અને વિંછીયામાં આવેલા ધાર્મિક સ્થળને જોડતા રસ્તાના કામો મંજુર થતાં શ્રધ્ધાળુઓને આગામી દિવસોમાં સારી ગુણવતાવાળા અને વધુ ટકાઉ રોડ-રસ્તાની સુવિધાઓ મળતી થશે.
આ કામોને જોબ નંબરો મળતા ટેકનીકલ-વહીવટી કામગીરી વહેલી તકે પુરી કરવા મંત્રી બાવળીયા દ્વારા જવાબદાર અધિકારીને સૂચના અપાઇ છે.