હુસામુદ્દીન કપાસી દ્વારા,
વિંછીયાના પીપરડી (આલા ખાચર) ગામે રહેતો યુવાન કનેસરા ગામે લોકિક ક્રિયામાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ઘેલા સોમનાથ પાસે અજાણ્યા ઇકો કારના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત: તાલુકાના વિંછીયા તાલુકાના પીપરડી (આલા ખાચર) ગામે રહેતો હિતેશ રમેશભાઈ પરમાર નામનો 25 વર્ષનો યુવાન સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘેલા સોમનાથ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઇકો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા હિતેશ પરમારને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં જણાયું છે કે હિતેશ પરમાર બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. હિતેશ પરમાર કનેસરા ગામે કૌટુંબિકનું અવસાન થતાં લૌકિક ક્રિયાએ ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.