- બુધવારે ડીડીઓ સહિતના અધિકારીઓને બોલાવી ન્યાય અપાવવાની બોઘરાની ખાતરી
જસદણ તાલુકાના 105 ગામના સરપંચોએ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સાથે જસદણ તાલુકા પંચાયતના તમામ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરી, ટકાવારી પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં સરપંચોએ જણાવ્યું હતું કે, શું સરપંચો કોઈ પગારદાર છે કે આવા ભ્રષ્ટાચારીઓ અમારી પાસેથી કામના બીલ પાસ કરાવવાની અને વર્ક ઓર્ડર કાઢી આપવાની ટકાવારી લે છે.
આ પ્રકરણમાં અન્ય ઘણા બધા અધિકારીઓ સંડોવાયેલા છે તે તમામ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની સરપંચોએ માંગણી કરી હતી. વધુમાં તમામ ગામના સરપંચો દ્વારા જે વિકાસના કામો કરવામાં આવે છે તેના બીલ મેળવવા માટે જે બિનકાયદેસર ટકાવારી લેવામાં આવે છે તે બંધ કરવામાં આવે.
સરકારની એટીવીટીની યોજનાની જે દરવર્ષે ગ્રાન્ટો ગામડાઓમાં ફાળવવામાં આવે છે તેમાં પણ વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવે છે. જેથી તેની ચોક્કસ નીતિ બનાવવામાં આવે. સહિતની માંગ કરવામાં આવી હતી. જેથી બોઘરાએ આગામી બુધવારે જસદણ મામલતદાર કચેરીએ ભેગા થવાનું કહી ડીડીઓ સહિતના અધિકારીઓને બોલાવી તમને ન્યાય અપાવીશું તેવી ખાતરી આપી હતી.
અમારે સરપંચોએ કામ કઇ રીતે કરવા ?
અમે સરપંચ શું પગારદાર છીએ? ભ્રષ્ટાચારીઓ જે બીલ પાસ કરવાના 11 ટકા લે છે. આમાં સરપંચોને કેવી રીતે વિકાસના કામો કરવા? અમને જે કામો મળે છે તેના ભાવ પણ નીચા આવતા હોવાથી અમારે સરપંચોને કેમ કામ કરવા? અમે વર્ક ઓર્ડર કાઢવા માટે જઈએ તો રૂ.1500 થી 2000 આપવા પડે છે. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ લોકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે.- રસિકભાઈ ઉંજીયા, કાનપર ગામના સરપંચ
ભ્રષ્ટાચાર થવો જ ન જોઇએ
અમને આજે ડો. બોઘરાએ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને ટકાવારી નાબૂદ કરવાની ખાતરી આપી છે. ખરેખર અમારી માંગણી છે કે આવો ભ્રષ્ટાચાર થવો ન જોઈએ અને અમારે વર્ક ઓર્ડર કઢાવવા હોય તો પણ પૈસા આપવા પડે છે જે બંધ થવું જોઈએ. અમારે કામના બીલ મંજુર કરાવવાના પણ પૈસા આપવા પડે છે તે ન હોવું જોઈએ. - સુરેશભાઈ પરવાડીયા,રાણપરડા ગામના સરપંચ.