અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં પાલિકાની જમીન પર મંજૂરી વગર જ ત્રણ માળ ખડકી દેવાયા !

જસદણમાં પાલિકાની જમીન પર મંજૂરી વગર જ ત્રણ માળ ખડકી દેવાયા !


  • પ્રમુખના પતિએ સિક્કાનો દુરુપયોગ કરી બાંધકામ ખડકી દીધાની ફરિયાદ કરાઇ
  • નવા બસસ્ટેન્ડ પાછળના સમાત રોડ પર કરોડોના ખર્ચે ચાલી રહ્યંુ છે ઇમારતનું બાંધકામ

જસદણમાં જાણે કે નગરપાલિકા તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ બિલ્ડરો બાંધકામની મંજુરી લીધા વગર જ બેફામ બિલ્ડીંગો ખડકી રહ્યા હોવાથી લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જસદણમાં પાલિકાની જમીન પર મંજૂરી વગર જ ત્રણ માળ ખડકી દેવાયા !


હાલ જસદણના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા સમાત રોડ પર બિલ્ડર્સ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દુકાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જસદણ નગરપાલિકાની આ સરકારી જમીનમાં પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓની મિલીભગતથી પંચરોજકામમાં પાલિકા પ્રમુખના સિક્કાનો દુરુપયોગ કરવા સહિતના ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી તેના આધારે આ ગેરકાયદેસર બાંધકામ ખડકવામાં આવતું હોવાની જસદણના સામાજિક કાર્યકર સુરેશભાઈ નથુભાઈ છાયાણી દ્વારા પાલિકાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા તંત્ર ભારે મુંજવણમાં મુકાઈ ગયું છે.


આ પ્રકરણમાં વધુ એક નવો વળાંક સામે આવ્યો હતો. જેમાં બિલ્ડર્સ દ્વારા જસદણ નગરપાલિકા પાસે આ બાંધકામ કરવાની ઓફલાઈન મંજૂરી પણ લેવામાં આવી નથી અને નગરપાલિકાની મંજુરી લીધા વગર જ ત્રણ માળ ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે જસદણમાં બિલ્ડર્સે આવડું મોટું ત્રણ માળનું ગેરકાયદેસર બિલ્ડીંગ ખડકી દીધું છે.


છતાં આજદિન સુધી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા તેને કેમ અટકાવવાની કવાયત હાથ ધરવામાં આવી નથી ? શું આ ગેરકાયદેસર ઉભેલા બિલ્ડીંગમાં જસદણ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની પણ સંડોવણી છે કે શું ? કોઇની મીઠી નજર તળે આ બધું ચાલી રહ્યું છે છતાં કોઇને કશું કહેવા વાળું કે રોકવા વાળું નથી? તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.


હવે જસદણ નગરપાલિકા તંત્ર શું આ બિલ્ડર્સને માત્ર નોટીસ આપી હાશકારો અનુભવી લેશે કે પછી આ ગેરકાયદેસર ઉભેલા બિલ્ડીંગને તોડી પાડી કાયદાનું ભાન કરાવશે વગેરે વેધક સવાલો જસદણના જાગૃત લોકોમાં ઉઠી રહ્યા છે.


ઓનલાઇન મંજૂરી લઇ લીધી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે

એ લોકોએ બાંધકામની નગરપાલિકા પાસેથી કોઈ ઓફલાઈન મંજૂરી લીધી નથી. એ લોકોએ ઓનલાઈન મંજૂરી લીધી છે કે નહી તેની તપાસ કરાશે. જો આ લોકોએ મંજૂરી લીધા વગર ત્રણ માળ ખડકી દીધા હશે તો તેને અમે નોટીસ આપીશું અને મંજુરી લીધા વગર એ લોકો આ બાંધકામ કરી ન શકે. મેં જાણ્યું એટલે એ લોકોએ પાલિકાની ઓફલાઈન મંજૂરી લીધી નથી અને ઓનલાઈન મંજુરી અંગે અમે ચેક કરીશું. અમે એમને નોટીસ આપીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. > અશ્વિન વ્યાસ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, જસદણ

વધુ નવું વધુ જૂનું