અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઘેલા સોમનાથને જળાભિષેક માટે આપવા પડશે રૂ. 351

ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા રૂ.351ની પહોંચ ફડાવવી પડશે તેવું બોર્ડ લાગતા મંદિરે આવતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થઈ શકે.

ઘેલા સોમનાથને જળાભિષેક માટે આપવા પડશે રૂ. 351


  • ભક્તોને આર્થિક આલ પડે તેવો આલનો નિર્ણય
  • જસદણ નાયબ ક્લેક્ટરના નિર્ણયથી ભાવિકોની લાગણી દુભાઇ : ભારે વિરોધ
  • નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો મંદિર ખાતે ઉપવાસ આંદોલન કરવાની ભાવિકોની ચીમકી
  • જે રકમ આવશે તે ટ્રસ્ટમાં જમા થશે અને યાત્રિકોની સુવિધાઓ માટે જ વપરાશે, પ્રસાદી આપવામાં આવશે


જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. પરીણામે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતા હોય છે.

પરંતુ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશેનું બોર્ડ લગાવવામાં આવતા શિવભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો જસદણના નાયબ કલેકટર દ્વારા નિર્ણય પરત ખેંચવામાં નહી આવે તો ભાવિકો દ્વારા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા તંત્ર ભારે મૂંજવણમાં મૂકાઈ ગયું હતું.

ઘેલા સોમનાથને જળાભિષેક માટે આપવા પડશે રૂ. 351


જો આવી રીતે કરાશે તો ધર્મનો નાશ થઈ જશે

જે માણસ ચાલીને દાદાના દર્શને આવતા હોય તેની પાસે પાંચ રૂપિયા પણ ન હોય અને તેની પાસેથી દાદાને જળાભિષેક કરવાના રૂ.351 વસૂલ કરવામાં આવે તો તે નિરાશ થઈને પાછા જાય. જો આવી રીતે કરવામાં આવશે તો ધર્મનો નાશ થઈ જશે. કોઈ અધિકારી આવીને કમિટીની સહમતિ લીધા વગર પોતાની રીતે મનસ્વી નિર્ણય લીધો છે તે સાવ ખોટો છે. > હિરેનભાઈ પંચોલી, બ્રહ્મ સમાજના આગેવાન, આટકોટ


ચાર્જને કારણે ગરીબ ભક્તો લોટી નહીં ચડાવી શકે

આજે સવારે હું ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા માટે ગયો ત્યારે મેં આ બોર્ડ વાંચ્યું એટલે મને ખુબ દુઃખ થયું. કારણ કે પૂજા-અર્ચના અઢારેય આલમમાં કોઈપણ વ્યક્તિ કરી શકે છે. એનો કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. ચાર્જ નક્કી કરવાથી શ્રીમંત વ્યક્તિ જળાભિષેક કરી શકશે અને ગરીબ વ્યક્તિ હશે તે કદાચ લોટી પણ નહીં ચડાવી શકે. > સંજયભાઈ ગોસ્વામી, સાધુ સમાજના આગેવાન, જસદણ


જળાભિષેકનો ચાર્જ લેવા મુદ્ે અમારો સખ્ત વિરોધ છે

ઘેલા સોમનાથ મંદિરે દૂર-દૂરથી આવતા ભાવિકોને દાદાની પૂજા-અર્ચના અને જળાભિષેક કરવાનો પૂરો લાભ મળવો જ જોઈએ. તેનો કોઈ ચાર્જ હોવો જ ન જોઈએ. સામાન્ય ભાવિકોને પણ દાદાની પૂજાનો લાભ મળવો જ જોઈએ. અમે આજે તમામ સમાજના આગેવાનોએ રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને પણ આ અંગે રજૂઆત કરી છે. > હિરેનભાઈ સાકરીયા, પ્રજાપતિ સમાજના આગેવાન, જસદણ


ઉપાધ્યક્ષ તરીકે મેં જ આ નિર્ણય લીધેલો છે : નાયબ કલેક્ટર આલ

જસદણના નાયબ ક્લેક્ટર રાજેશ આલને આ મુદ્દે પૂછતા જાણવા મળ્યું કે, જળાભિષેક માટે 351 રૂપિયા ચૂકવવાનો આદેશ એ એક પ્રકારે ટ્રસ્ટમાં જમા કરવા બરાબર છે. તેઓએ જણાવ્યું કે અત્યાર સુધી પ્રસાદી આપવામાં આવતી નહોતી. છેલ્લા એક મહિનાથી અહીં દર્શન માટે આવતા ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે. તેમજ મંદિરની સાફ-સફાઇ કરાવાઇ રહી છે. તેમજ ગાર્ડનમાં લોન વગેરે જેવા કામો કરાવ્યા છે. તેઓ જણાવે છે કે અહીં મંદિરમાં ધામા નાખીને બેસતા લોકો પાસેથી અમે રૂમની ચાવીઓ લઇ લીધી છે તેથી તેઓ વિરોધ કરતા રહેશે.

આ દેવાધિદેવ મહાદેવાનું મંદિર છે. અહીં કોઇ એકનો ઇજારો નથી. તમામને જળાભિષેક કરવાનો હક છે. જે રકમ નક્કી કરવામાં આવી છે તે સામાન્ય લોકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવી છે. વેરાવળ સોમનાથ મંદિરમાં પણ પૂજા કરવા માટે નાણાં ચૂકવવા પડે છે. અહીં પણ જે રકમ આવશે તે યાત્રિકોની સુવિધાઓ માટે વપરાવાની છે. આ સરકાર સંચાલિત મંદિર છે અને યાત્રિકોની સુવિધા માટે અમે આ પ્રકારના નિર્ણયો લેતા હોઇએ છીએ. હું આ મંદિરનો ઉપાધ્યક્ષ અને નાયબ કલેકટર છું . તેથી મારે જ બધા નિર્ણયો કરવાના હોય છે એટલે ઉપાધ્યક્ષ તરીકે મેં જ આ નિર્ણય લીધો છે.

વધુ નવું વધુ જૂનું