પહેલા સુરત ચોકથી સ્ટેશન સુધી વિસ્તરેલુ હતું. અમે નાના હતા( જોકે માતા પિતા દોસ્તો માટે હજુ અમે નાના જ છીએ) તે વખતે જીવનજ્યોત સિનેમા પહેલા જકાતનાકુ હતું. તે જકાતનાકુ સુરતની હદ ગણાતી હતી. તે પછી કાલક્રમે આગળ ગાયત્રી ગંગોત્રી સિનેમા ચાલુ થયા. પછી સિનેમા બઁધ થયા. દિવ્ય ભાસ્કરની સુરત ઓફિસ ચાલુ થઈ એ પણ બીજે ગઈ.
મૂળ સુરતીઓ હળીમળીને રહેતા હતા. હજુ ઘણા મિત્રોને યાદ હશે બધા તહેવારો સાથે જ બધા ધૂમધામથી ઉજવાતા હતા. રમજાનમાં હિંદુ ભાઈઓ બહેનો પણ એક રોજો જરૂર રાખતા હતા તાજીયામાં પણ મુસ્લિમો કરતા હિંદુ ભાઈ બહેનો તાજીયાના દર્શને ઉમટી પડતા હતા. અરે અમુક ભાઈઓ બહેનો તો માનતા પણ માનતા હતા. લીલા પ્લાસ્ટિકના પોપટની શ્રીફળ વધરેવાની માનતા પણ લેવાતી હતી. તાજીયા ઠંડા કરવાના દિવસે ઠેઠ ચોકબજાર સુધી માનવ મહેરામણ ઉમટી પડતો હતો. આખુ સુરત તો રોડ પર ઉતરી પડતું હતું પણ દક્ષિણ ગુજરાતના ગામડામાંઓમાંથી પણ જનતા ખાસ સુરત આવતી હતી. ગણપતિ બનાવવા વાલા કારીગરો મુસ્લિમ હતા અરે કેટલાક તો બહુ સારી રીતે શ્રીજીની આરતી પૂજા અર્ચના પણ કરી લેતા હતા આરતી પછી પ્રસાદ લેવા તમામ જાતિના બાળકો મોટેરા ઉમટી પડતા હતા સુરતના ગણેશ વિસર્જન જેવો માહોલ તમને ક્યાય જોવા ના મળે. સુરતીઓ ખુબ ધામધૂમથી શ્રી જીને લાવતા અને વિસર્જન કરતા હતા એક પ્રકારનો ભક્તિભાવ અલોંકિક વાતાવરણ રચાતું હતું. સુરતીઓ રીતસર રડી પડતા હતા. તે વખતે નાચગાન દારૂ છેડતી ગાળાગાળી જુગારનું એટલું બધું ચલણ નહોતું.
એક શેરી કે મોહલ્લામાં એક જ કાળો લેન્ડ લાઈન ફોન હતો. શેરી મોહલ્લાના બધાના ફોન એક જ ઘરમાં આવતા હતા. રામાયણ મહાભારત અને ચિત્રહાર જોવા પાડોશીના ઘરે મેળો જામતો હતો. આખી શેરી મોહલ્લામાં એક જ ટી. વી. હોય ત્યાં આખુ ઘર ભરાઈ જતું હતું. એમાં કોણ રામ કોણ રહીમ એ કોઈને ખબર નહોતી.
ઘરમાં જ સારો પૌષ્ટિક સ્વાદિષ્ટ તાજું ભોજન મળતું હતું.તે વખતે લારી હોટલ ક્લચર હજુ વિકસયુ નહોતું. ઘરમાં પરિવારના નાના મોટા તમામ સભ્યો સાથે બેસીને જ વાતો કરતા કરતા બન્ને સમયે ભોજન કરતા હતા.
બાળકો આખો દિવસ મિત્રો સાથે ધમાચકડી કરતા હતા. સંતાકુકડી સાત ટીકડી ખોખો વિગેરે રમતો રમતા હતા ક્રિકેટમાં એક નકામું પાટિયું મુકી એનો સટમ્પ તરીકે ઉપયોગ થતો. પ્લાસ્ટિકના બોલનો ઉપયોગ થતો. બેટ તરીકે કપડાં ધોવાના ધોકાથી કામ ચલાવતું હતું
ગિલ્લી ડંડા ભમરડોની એક અલગ મજા હતી. આરસ અને મંજીથી કોણ કોણ રમતું હતું?
રમતોથી કંટાળી જવાય તો સિનેમા રોડ પર એક સાથે 7 સિનેમાહોલ પર એક રાઉન્ડ ચાલતા ચાલતા મારવા જતા હતા. ત્યાં શોકેશમાં ફિલ્મના ફોટા જોવામાં આવતી હતી. તે આજે મલ્ટીપ્લેક્સમાં 500રૂપિયાનો ખર્ચ કરી ફિલ્મ જોવામાં ક્યાંથી આવે?
ચીંગમના નાના નાના રમકડાં સાયકલ મોર ખાવાની મજા આવતી હતી. બુઢીના ગુલાબી બાલની રાહ જોવાતી હતી.
બાવાજીનો બાયસ્કોપમાં એક પછી એક ફોટા આવતા હતા કેવો રોમાંચ હતો?
બરફના ગોળા રંગબેરંગી માત્ર 10 પૈસામાં મળતા હતા. ગોળામાંથી સરબત ચુસાઈ જાય તો લારીવાલાં ભાઈ બીજો કલર નાખી આપતાં હતા. ચણાદાણા મમરાભેળ દાણાભેળની આગવી દુનિયા હતી.
20 પૈસાનો તાંબાના સિક્કાની માંગ રહેતી હતી. પાવલી 25 પૈસામાં તો બોર ચૂર્ણ અને ખાટીમીઠ્ઠી પીપરમિન્ટથી આપણા ફાટેલા બુશશર્ટનું ગજવું ભરાઈ જતું હતું. પારલે બિસ્કિટ પણ હતા. ક્રીમવાલા બિસ્કિટ ભારેમાના બિસ્કિટ ગણાતા હતા. માચીસના ખાલી ખોખા સિગારેટના ખાલી ખોખાથી પણ રમતો રમાતી હતી.
એક રૂપિયા કલાકની સાયકલ ભાડે લાવી એક રૂપિયો વસુલ કરી નાખવામાં આવતો હતો. ડબલ સવારી ટ્રિપલ સવારીમાં સાયકલ પરથી પડવાની વાત જ અલગ હતી.
એક જ ગ્લાસમાં બધા મિત્રો પાણી પીતા હતા પણ ક્યારેય કોઈ માંદુ પડતું નહોતું.
વાર તહેવારે ઘરમાં જ નાનખટાઇ ઘૂઘરા ચોળાફળી બનતી હતી. મીઠાઈમાં મોહન થાળ અને શ્રીખંડ હતો પુરી પણ ઘરમાં જ બનતી હતી.
ઘરમાં બારણે આસોપાલવના તોરણ આગણામાં રંગોળી હતી. શેરીમાં ઉત્સાહ ઉલ્લાસ હતો. એક ઘરમાં લગ્ન પ્રસંગ કે એવો બીજો કોઈ શુભ પ્રસંગ હોય તો આખા મોહલ્લા શેરીના ભાઈઓ બહેનો મદદમાં વગર બોલાવે હાજર થઈ જતા હતા. રસોઈ બનાવનાર મહારાજની મદદમાં શેરી મોહલ્લાના યુવાનો આખી રાત હાજર રહેતા હતા. અર્ધી રાતે મહારાજ ખુશ થઈ ગરમાગરમ ભજીયાનો ઘાણ ઉતારી ભજીયા પાર્ટી કરાવતા હતા એ ભજીયા જેણે ખાધા હશે એનો સ્વાદ હજુ પણ દાઢમાં અકબઁધ હશે. આપણા ઘરની માં બહેનો આખા શેરી મોહલ્લાની માં બેનો ગણાતી હતી. વડીલોની અમાન્યા અદબ હતી. એક મર્યાદા હતી.
બધા તન મન દિલ ખોલીને નિખાલસતાથી હસીખુશી રહેતા હતા એક જાતની બરકત સુકુન ચેન શાંતિ હતી.
બોલો એ સોનેરી દિવસો પાછા કોઈ લાવી આપશે ખરા?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427