વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાનપદનું સેવાદાયિત્વ સતત ત્રીજીવાર સંભાળવા માટે ગુજરાત વિધાનસભા ગૃહના અભિનંદન
--------
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન ગૃહના નેતા તરીકે પંદરમી ગુજરાત વિધાનસભાના પાંચમા સત્રના પ્રથમ દિવસે અભિનંદન સંકલ્પ રજૂ કર્યો*
--------
*-: વિધાનસભા ગૃહનું આ સંકલ્પને સમર્થન :-*
--------
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* આઝાદી પછી જન્મેલા ભારતના પ્રથમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક દશકના સફળ અને નિર્ણાયક નેતૃત્વથી વિશ્વભરમાં ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે
* વડાપ્રધાનશ્રીના 10 વર્ષના સુશાસનના ટ્રેક રેકોર્ડમાં બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેપિટલ એક્સપેન્ડીચરની વાર્ષિક 18 ટકાના દરે વૃદ્ધિ
* દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં સ્વર્ણિમ ભારત બનાવવા માટે પંચ પ્રણશક્તિથી વિકાસની નવી ઊંચાઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ સર કરાવશે
--------
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે, લોકસભાની તાજેતરની ચૂંટણીઓમાં 140 કરોડ ભારતવાસીઓએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકેનું સેવાદાયિત્વ સતત ત્રીજીવાર સોંપ્યું તે માટે સમગ્ર ગુજરાત વતી અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, એક સામાન્ય અદના કાર્યકર્તાથી લઈને દેશના વડાપ્રધાન સતત ત્રીજીવાર બનવું એ અસાધારણ ઘટના છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશના સુકાની તરીકે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વભરમાં ભારત અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહના નેતા તરીકે પંદરમી ગુજરાત વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસની કાર્યવાહીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજીવાર દેશનું સેવાદાયિત્વ સંભાળવા માટે અભિનંદન આપતો સરકારી સંકલ્પ નિયમ-120 અન્વયે ગૃહમાં પ્રસ્તુત કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વિધાનસભા ગૃહના તત્કાલીન નેતા તરીકે દોઢ દાયકા સુધી સુદીર્ઘ સેવાઓ આપીને જે નવા વિકાસ સીમાચિહ્નો સર કરાવ્યા છે તેની ફલશ્રુતિએ ગુજરાત આજે વિકાસનું રોલમોડલ બન્યું છે તેનું પણ તેમણે ગૌરવ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આઝાદી પછી જન્મેલા ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે ટર્મ સુધી સફળતાપૂર્વક દેશનું નિર્ણાયક નેતૃત્વ કરીને વિશ્વભરમાં ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બન્યું છે તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના પાછલા 10 વર્ષના સુશાસન ટ્રેક રેકોર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેપિટલ એક્સપેન્ડીચરની રકમ વાર્ષિક 18 ટકાના વૃદ્ધિ દર સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 11 લાખ કરોડ થઈ છે તે પણ વિકાસ પ્રેરક બાબત છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કેપિટલ એક્સપેન્ડીચરમાં થયેલા આ ગ્રોથને કારણે રોડ-રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો વધતા લોકોનું ‘ઈઝ ઓફ લિવીંગ’ ઊંચું ગયું છે તે સાથે વ્યાપાર ઉદ્યોગ, લોજીસ્ટિક્સ વગેરેમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે ભારત વિશ્વમાં 11મા ક્રમની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હતો. પાછલા દશકામાં તેમની સુશાસન પ્રતિબદ્ધતાને પરિણામે દેશનો સર્વગ્રાહી વિકાસ થયો છે અને ભારત પાંચમું મોટું અર્થતંત્ર બની ગયો છે.
એટલું જ નહિ, તેમના કુશળ નેતૃત્વમાં ભારત વિશ્વના મોટા અર્થતંત્ર ધરાવતા દેશોમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી તરીકે ઊભરી આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોનાના કપરા બે વર્ષોને બાદ કરતા બાકીના આઠ વર્ષમાં દેશનો જી.ડી.પી. ગ્રોથ રેટ સરેરાશ સાડા સાત ટકાનો રહ્યો છે. આ વધારાનો લાભ દેશના સામાન્ય માનવીને થયો છે. તેની આવકમાં વૃદ્ધિ થવાથી માથાદીઠ આવક અને રોજગારી બેય વધ્યાં છે.
વડાપ્રધાનશ્રીએ દેશમાં કરેલા ટેક્સ રિફોર્મ્સ અને સરળ નીતિઓના પરિણામે સરકારની મહેસૂલી આવકમાં પણ પાછલા 10 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે તેની પ્રસંશા કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં ઈનકમ ટેક્સ, જી.એસ.ટી., એક્સાઈઝ અને સેસની કુલ આવકમાં પાછલા દશકામાં લગભગ અઢી ગણો વધારો થયો છે. આ વધારાના પરિણામે થતી મહેસૂલી આવક રાષ્ટ્રનિર્માણ અને અંત્યોદય કલ્યાણ માટે ઉપયોગી થઈ રહી છે.
પાછલા દાયકામાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે બેંકોમાં કરેલા મહત્વના સુધારાઓથી દેશની બેંકોની ધિરાણ આપવાની કેપેસીટીમાં વધારો થયો છે. અને ગત દાયકામાં કૃષિ ધિરાણ, એમ.એસ.એમ.ઈ.ને ધિરાણ, પીએમ સ્વનિધિ તથા મુદ્રા યોજનામાં સરળતાએ લોન-સહાય મળતા થયાં છે એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં કરોડો લોકો - નાના વેપારીઓ તથા શેરી ફેરીયાઓને આર્થિક આધાર આપીને આત્મનિર્ભર બનાવવા માટે અનેક કલ્યાકારી પગલાઓ લીધા છે અને લોન સહાય પર વિશેષ ફોકસ ગત 10 વર્ષોમાં કર્યુ છે તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ આ અભિનંદન સંકલ્પની ચર્ચામાં જોડાતાં કર્યો હતો.
જનધન યોજના દ્વારા દેશમાં 53 કરોડ લોકોના નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. અને આજે દેશના લોકોના જનધન બેંક એકાઉન્ટમાં 2.3 લાખ કરોડની ડિપોઝીટનું બેલેન્સ છે તે દેશની વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝનની દિશામાં મોટી સફળતા છે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ મોદી સરકાર 3.0માં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તે પણ આવનારા ચાર જ વર્ષમાં સાકાર થઈ જશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત આજે વિકાસના રાજમાર્ગ પર પૂરપાટ વેગે દોડી રહ્યું છે અને છેલ્લા દાયકામાં તેમના નેતૃત્વમાં ભારત સ્થિરતા અને સાતત્યનો પર્યાય બન્યું છે તેની વિગતો પણ ગૃહના નેતા તરીકે તેમણે સભ્યો સમક્ષ મૂકી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર, એ.આઈ., ફિનટેક, ગ્રીન એનર્જી, ઓટો મેન્યુફેક્ચરીંગ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા ઊભરતા ક્ષેત્રોમાં પણ ભારત વિશ્વમાં અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યું છે તેનો પણ ઉલ્લેખ આ સંકલ્પમાં કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, સોલાર, વિન્ડ અને ગ્રીન હાઈડ્રોજન સહિતના વૈકલ્પિક ઊર્જાના સ્રોતના વિકાસને પ્રોત્સાહન આપીને પર્યાવરણની જાળવણી માટે ગ્રીન ગ્રોથ અને ગ્રીન એનર્જીની દિશા વડાપ્રધાનશ્રીએ આપણને દર્શાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના વિઝનથી શરૂ થયેલી પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજનાની સફળતા અંગે ગૃહને જણાવતા ઉમેર્યું કે, આ યોજનાથી દેશના સામાન્ય માનવીના ઘર પર પણ સોલાર રૂફટોપથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળતા મળી છે.
હવે દેશનો સામાન્ય નાગરિક પોતાના ઘરે સૂર્ય ઊર્જા ઉત્પાદનથી પોતાનું વીજ બિલ ઝીરો કરી શકે છે, ઉપરાંત વધારાની વીજળી ગ્રીડમાં આપીને આવક પણ ઊભી કરી શકે છે.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્પણ ભાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ પાછલા દાયકામાં મજબૂત રાષ્ટ્ર નિર્માણનો પાયો નાખ્યો છે અને હવે દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં ‘સ્વર્ણિમ ભારત’ બનાવવા માટે પંચ પ્રણ આપ્યા છે.
વિકસિત ભારતનું નિર્માણ, ગુલામીની દરેક માનસિકતામાંથી મુક્તિ, દેશની વિરાસત પર ગર્વ, એકતા અને અખંડિતતા અને નાગરિક કર્તવ્ય ભાવના – આ પંચ પ્રણ શક્તિથી શ્રી નરેન્દ્રભાઈના ઐતિહાસિક સતત ત્રીજા કાર્યકાળમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવી અનેક સિદ્ધિઓ સાથે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજીવાર દેશને અડગ નેતૃત્વ પૂરું પાડવા બદલ વિધાનસભા ગૃહમાં અભિનંદન સંકલ્પના માધ્યમથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ચર્ચામાં સહભાગી થતા જણાવ્યું હતું કે, ભારતીય જનમાનસમાં આત્મશ્રદ્ધા જગાડવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. તેમના નેતૃત્વમાં ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાઇવર્સિટીની ત્રિપુટી ભારતનાં દરેક સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે. ચંદ્રયાન અને ગગનયાન દ્વારા ભારતે અવકાશમાં તિરંગો લહેરાવ્યો છે. પરિવર્તન માટે પરિવહન મહત્વનું માધ્યમ છે, તેમ જણાવી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બુલેટ ટ્રેન, વંદે ભારત ટ્રેન જેવા અનેક નૂતન પ્રકલ્પોથી ભારતે સંકલ્પથી સિદ્ધિના શિખરો સર કર્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ સંકલ્પને સમર્થન આપતા સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, જન-જનની આકાંક્ષાઓને પૂર્ણ કરવી અને નેશન ફર્સ્ટની ભાવના ધરાવતા વડાપ્રધાનશ્રીએ છેલ્લા 10 વર્ષ દરમિયાન સાચા અર્થમાં "સૌના સાથ, સૌના વિકાસ"ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદૃષ્ટિથી ગત 10 વર્ષમાં 25 કરોડ ગરીબ પરિવારો ગરીબીમુક્ત થયા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં અમલમાં મૂકાયેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અને પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંગે તેમણે ઉમેર્યું હતું કે, દેશના કારીગરો અને ફેરિયાઓના આર્થિક ઉત્કર્ષ સાથે જોડાયેલી આવી યોજનાઓથી વડાપ્રધાનશ્રીએ ‘હર હાથ કો કામ, હર કામ કો સન્માન‘ના મંત્રને સાકાર કર્યો છે.
આ ઉપરાંત ધારાસભ્ય સર્વ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી કેશાજી ચૌહાણ અને શ્રી ઉદયભાઈ કાનગડે પણ પોતાના વિચારો રજૂ કરી, મુખ્યમંત્રીશ્રીના સરકારી સંકલ્પને સમર્થન જાહેર કર્યું હતું.
--------
Tags:
News