રાજ્યની સહકારી બેંકોમાં અત્યાર સુધીમાં ૨૨ લાખ નવા ખાતાની સાથે સાથે રૂ. ૬,૫૦૦ કરોડની માતબર ડિપોઝિટ પણ જમા થઈ :-સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
................
દરેક ગામમાં માઈક્રો ATMના લક્ષ્યાંક સાથે ૭,૮૦૦ થી વધુ માઈક્રો ATM કાર્યરત
......
ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. 'કો -ઓપરેશન અમોન્ગ કો- ઓપરેટીવસ'ના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે ૨૨ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં રૂ. ૬,૫૦૦ કરોડની માતબર રકમની ડિપોઝિટ પણ જમા થઈ છે તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી વિશ્વકર્માએ ડીસાના ધારાસભ્યશ્રી પ્રવિણ માળીના પ્રશ્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેન્કમાં ખોલવવા માટે સમજૂતી કરવામાં આવી હતી. જે હેઠળ એપ્રિલ ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ સુધીમાં બનાસકાંઠામાં કુલ ૬૧૬ દૂધ મંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કમાં ખોલવામાં આવ્યા છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં એક વર્ષમાં અંદાજે ૪ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે જેમાં ૧,૨૦૦ કરોડ ડિપોઝિટ જમા થઈ છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ પૂરક પ્રશ્નોનો જવાબ આપતાં ગૃહમાં કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના તમામ ગામોમાં બેન્કિંગ સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ગામે ગામ ‘બેંક મિત્ર’ બનાવી તેમના માધ્યમથી ‘માઈક્રો ATM’ આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.ગામના સભાસદોને જ્યારે પણ માઈક્રો ATM દ્વારા પૈસાની લેવડ-દેવડ કરવી હશે ત્યારે ‘બેંક મિત્ર’ તેમના ઘરે જઈને તેમને મદદ કરશે. આ 'માઇક્રો ATM' અને ‘બેંક મિત્ર’ની સેવા ઉપલબ્ધ થવાથી ગામના લોકોને નાણાકીય વ્યવહાર માટે જિલ્લા- તાલુકા મથકે જવું નહીં પડે. આ સાથે જિલ્લામાં સહકારી ક્ષેત્રે e-બેન્કિંગનું સૌથી વધુ કામ ગુજરાતમાં પંચમહાલમાં થઈ રહ્યું છે.ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં માઈક્રો એટીએમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ રાજ્યમાં ૭,૮૦૦ જેટલા માઇક્રો ATM કાર્યરત છે તેમ, મંત્રી શ્રી વિશ્વકર્માએ વિગતો આપતાં ગૃહમાં ઉમેર્યું હતું.
l
Tags:
News