જસદણમાં યુવાનને 33 ટકા વ્યાજે રૂપીયા આપી યુવાન પાસેથી 10 લાખ પડાવી, વધુમાં બે કાર, મોબાઈલ ઝુંટવી બે પ્રમોટરી નોટ લખાવી 5 કોરા ચેક પડાવતાં જસદણ પોલીસે વ્યાજખોર સામેની મુહિમ અવિરત રાખી મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોધ્યો હતો.
જસદણમાં ગંગાભુવન શાંતિનિકેતન સ્કૂલની બાજુમાં રહેતાં મિલનકુમાર રાજુ મોખા (ઉ.વ.23) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કિશોર ઉર્ફે કિશન વાઘેલા (રહે. કનેસરા), અક્ષય ભરત મોખ, નરેશ ઉર્ફે નાગરાજ ધાંધલ (રહે. બંને ઊંટવડ, બાબરા), રઘા શિવરાજ દરબાર (રહે. કરણુકી, બાબરા) અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં જસદણ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, નવ મહીના પહેલા નાફેડમાં સેલીંગમાં કમીશન તરીકે કામ કરતો હતો.
ત્યારે સેલીંગ માટે 4 ગાડી ભાડે લીધી હતી. અને તેના ચૂકવણા માટે પૈસાની જરૂર હોવાથી કિશોર વાઘેલા પાસેથી એક લાખ લીધા હતા.
અને તેના માટે 33 હજાર વ્યાજ ચૂકવવાનું તેમ નક્કી થયું હતું અને તે રકમ ચૂકવી દીધી હતી,
બાદમાં વધુ રકમની જરૂર પડતાં વધુ 1.50 લાખ લીધા અને તેના 56 હજાર ચૂકવવાના તેમ નક્કી થયું. પરંતુ એ પણ ન ચુકવી શકાતાં કડક ઉઘરાણી શરૂ થઇ ગઇ હતી.
આથી મેં સાગર પાસેથી પૈસા લઇ કિશોરને આપ્યા.
એક મહીના બાદ રૂ.2.74 લાખ મૂળ રકમ અને વ્યાજ ચુકવી દીધું હતુ. ત્યારબાદ ફરીવાર 2 લાખ વ્યાજે લીધા હતાં. જેનું વ્યાજ 63 હજાર આપતો હતો.
બાદમાં વ્યાજ ચુકવવાના પૈસા ના હોય અક્ષય મોખાને વાત કરતા તેની પાસેથી એક લાખ લીધા હતા અને ચાર મહીના સુધી 10% નું રૂ.40 હજાર વ્યાજ ચુકવ્યું હતું આમ વ્યાજના વમળમાં હું ફસાતો ગયો અને બાદમાં વ્યાજના પૈસા ખૂટવા લાગતાં વ્યાજખોરોએ મોબાઇલ ફોન અને ગાડી લઇ લેવાની ધમકી દીધી હતી.
એટલું જ નહીં, જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી ગોંડલ વકીલની ઓફીસે બોલાવી બે પ્રોમીસરી નોટ લખાવી હતી,
તેમજ કારનું લખાણ તેમજ સહીવાળા રકમ ભર્યા વગરના પાંચ ચેક લઈ લીધા હતા.
આટલું વિત્યા છતાં ઉઘરાણી શરૂ જ રહેતાં અંતે ફરિયાદ નોંધાવવાનુ મન બનાવ્યું હોવાનું ઉમેર્યું હતુ.