જસદણ અને વિંછીયા તાલુકાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સૂચનોને ધ્યાને લઈ રાજયના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક રોડ-રસ્તાના કામો માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રામ સડક યોજના હેઠળ રૂ.2185 લાખની ગ્રાન્ટના જોબ નંબરો ફાળવવામાં આવ્યા છે.
લાંબા સમયથી જર્જરીત થયેલા રસ્તાઓ ઉપરથી પસાર થતા ખેડૂતો સહીતના વાહન ચાલકો, આગેવાનો અને સરપંચો દ્વારા રસ્તાઓને રીકાર્પેટ કરવા માટે થતી રજૂઆતને ધ્યાને લઈ જે રસ્તાઓ 7 વર્ષથી સમતલ કરવામાં આવેલા નથી.
તેવા રસ્તાઓ ઉપર રીકાર્પેટની કામગીરી કરવા માટેના સૂચનો ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા.
જેમાં જસદણ તાલુકામાં 17.24 કિ.મી અને વિંછીયા તાલુકામાં 19.40 કિ.મી. મળી કુલ 36.64 કિ.મી. રસ્તાઓ ઉપર રીકાર્પેટની કામગીરી થશે. જસદણના શિવરાજપુર-લાલકા 4 કિ.મી.ના 200 લાખ, સાણથલી-દોલતપર 3 કિ.મી.ના 150 લાખ, જસદણ-ચિતલીયા 4 કિ.મી.ના 200 લાખ, એસ.એચ.ટુ. બરવાળા-રાજાવડલા(જસ) 3.60 કિ.મી. માટે 180 લાખ, ઝુંડાળા-રાણપરડા 2.64 કિ.મી.ના 300 લાખ, ઉપરાંત વિંછીયાના એસ.એચ.ટુ. કડુકા 3.75 કિ.મી.ના 200 લાખ, એસ.એચ.ટુ. રેવાણીયા-દડલી રોડ 4.89 કિ.મી.ના 275 લાખ, મોટી લાખાવડ એપ્રોચ 3.03 કિ.મી.ના 180 લાખ, એસ.એચ.થી લાલાવદર- ખડકાણા- બિલેશ્વર 3.70 કિ.મી.ના રૂ.250 લાખ, એમ.ડી.આર.ટુ. ઢેઢુકી એપ્રોચ 4 કિ.મી.ના 250 લાખની રકમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરાઇ છે. આ કારણે જસદણ, વિંછીયાના લોકોને જર્જરીત રસ્તાઓમાંથી મુકિત મળશે અને સારી ગુણવત્તાવાળા અને વધુ ટકાઉ રોડ-રસ્તાની સુવિધાઓ મળતી થશે. આ કામોને જોબ નંબરો મળતા ટેકનીકલ-વહીવટી કામગીરી વહેલી તકે પુરી કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે અને રસ્તાઓ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરાયો છે.