કોઈને પણ પૂછો, ‘તમારે સુખ જોઈએ છે ?’ તો જવાબ ‘હા’માં જ મળશે. બધાંને સુખી થવું છે. કોઈને દુઃખ જોઈતું નથી, પણ જેમ દરેકને પોતાનાં સુખ હોય છે, તેમ દરેકને પોતાની વ્યથાઓ પણ હોય છે.
પ્રાપ્તિનો અતિરેક પણ માણસ માટે મોટા દુઃખનું કારણ બની જતો હોય છે, એનું આદર્શ ઉદાહરણ પાંચ પાંડવોમાંના એક એવો સહદેવ છે.
આવી રહેલા ભવિષ્યને કડકડાટ વાંચી શકવાની ક્ષમતા ધરાવતો સહદેવ એવા શ્રાપથી પીડિત હતો કે, કોઈ એને પૂછે નહીં ત્યાં સુધી એ કશું જ કહી શકતો નહોતો.
લાક્ષાગૃહ જ્યારે ભડભડ બળતું હતું ત્યારે એમાંથી ભાગી છૂટવાનો રસ્તો સહદેવને ખબર હતો પણ એને કોઈ પૂછે તો કહે ને.
આપણામાંનાં ઘણાં બધાં સુખને અવસર આપવામાં નિષ્ફળ જઈને દુઃખી થતાં હોય છે. ઓર્કિડ હૉટલના માલિક અને પ્રણેતા મારા મિત્ર વિઠ્ઠલ વેંકટેશ કામથ આજે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી માંડીને વિશ્વભરમાં પોતાના અનુભવ અને વિચારમંથન આધારિત ભાષણો આપતું એક અત્યંત સફળ અને લોકપ્રિય વ્યક્તિત્વ છે.
એમણે મને એમના વિચા૨સંપુટને શબ્દદેહ આપતો ‘સિક્સ હેબિટ્સ ઑફ હેપ્પી પીપલ’ અર્થાત્ ‘સુખી માણસોની છ આદતો’ શીર્ષક હેઠળ એક સંદેશ મોકલ્યો છે. તેમના મત મુજબ સુખી થવું હોય તો આ છ ટેવો તમારે કેળવવી જોઈએ.
1. ડોન્ટ શો ઑફ :
ખોટો દેખાડો ન કરો કેટલી સાચી વાત છે. આ કરવાથી તમે ક્યાંક ને ક્યાંક ઇર્ષ્યાની ચિનગારી પેટાવવાનું કામ કરશો. 1950ના દાયકાના ચલચિત્ર ‘ભાભી’ના ગીતની પંક્તિ છેઃ ‘જગ કી આંખ કા કાંટા બન ગઈ, ચાલ તેરી મતવાલી.’
તમારી ખુદ્દારી, તમારો વૈભવ, તમારી પ્રાપ્તિઓ વધુ પડતી સજાવી-ધજાવીને દુનિયા સામે રજૂ કરવાની લાલચ ટાળજો.
આ દેશના એક ટોચના ઉદ્યોગપતિએ જે રીતે પોતાના પુત્રની સગાઈ અને લગ્નના ભપકાને ચગાવ્યો તે ઘણાં બધાંને ગમ્યું નહોતું, પણ સત્તા અને લક્ષ્મી ક્યાં કોઈની તમા કરે છે? માપમાં રહો. સુખી રહેશો.
2. ટોક લેસ
એવું કહેવાય છે કે ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્.’ શક્ય હોય ત્યાં સુધી મૌન રહીને પોતાનો હેતુ પાર પડે તે ક્ષમતા ઊભી કરવી તે સુખી થવાનો રસ્તો છે.
વધુ પડતી વાચાળતા અને તેમાંય હકીકતોથી વિપરીત ગપગોળા, કોઈની મિમિક્રી કરવી કે મજાક ઉડાડવી- આ લાંબા ગાળે દુ:ખી થવાનાં લક્ષણો છે.
યાદ રાખોઃ ‘રોગનું મૂળ ખાંસી અને ઝઘડાનું મૂળ હાંસી.’ ખપ પૂરતું બોલો. વિચારીને બોલો તો સુખી થશો.
દુર્યોધનમાં ઇર્ષ્યાની આગ પ્રગટેલી હતી, તેમાં રાજસૂય યજ્ઞ પ્રસંગે દ્રૌપદીની ટિખળ ‘આંધળાના આંધળા!’ દ્વારા આગમાં ઘી હોમાયું.
રાજસૂય યજ્ઞ વખતે પાંડવોએ શ્રીકૃષ્ણને જે માન અને સ્થાન આપ્યું તેનાથી ઉશ્કેરાઈને કરેલ બેફામ વાણીવિલાસને કારણે શિશુપાલનું મસ્તક છેદાયું. વિઠ્ઠલ કામથ કહે છે, ‘ટોક લેસ’ અર્થાત્ ‘ઓછું બોલો.’
3. લર્ન ડેઈલી
રોજને રોજ કાંઈક નવું શીખો. ફ્યૂચરોલોજિસ્ટ એલ્વિન ટોફલર પણ આ જ કહે છે, માહિતી અથવા જ્ઞાનના બદલાવની ગતિ એટલી તેજ હશે કે તમે રાત્રે સૂઈ જાવ અને બીજે દિવસે સવારે પોતાની માહિતીને અદ્યતન ન કરો તો પાછળ પડી જશો. અર્થાત્ દુઃખી થશો.
4. હેલ્પ લેસ ફોર્ચ્યુનેટ
અર્થાત્ જે લોકો તમારા જેટલા નસીબદાર નથી અને અભાવમાં જીવે છે, તેમને મદદ કરો.
જેમની પાસે છે તે આ જવાબદારી નહીં નિભાવે તો એક દિવસ આ વંચિતોના પ્રચંડ રોષનો તેઓ ભોગ બનશે. ઉમાશંકર જોશીએ કહ્યું છે:
‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરોની ભસ્મકણી ન લાધશે.’
5. હસતા રહો
કહેવત છે, ‘હસે તેનું ઘર વસે.’ હંમેશાં સોગિયું મોઢું લઈને ફરનાર નકારાત્મક વલણ-વૃત્તિવાળા માણસથી એનો પડછાયો પણ દૂર ભાગે છે.
સુખી થવું હોય તો નાની નાની વાતમાંથી પણ આનંદ શોધી ખડખડાટ હસો.
6. ઇગ્નોર નોનસેન્સ
અર્થાત્ બેતૂક અને સમજ વગરની વાતો કરનાર વ્યક્તિઓને અવગણતા શીખો.
આપણે બજા૨માં શાક લેવા જઈએ છીએ તો પણ સારું અને તાજું શાક લઈ આવીએ છીએ.
ઘરડા ભીંડાં કે સડેલું રીંગણ કે ઘરડો ગવાર આપણે નથી ખરીદતાં. તો જે વ્યક્તિઓનો સંગ અથવા ટીકાઓ અથવા અક્કલ વગરની દ્વેષવૃત્તિથી ભરેલી વાતો તમારા માટે દુઃખરૂપ બનતી હોય તેને અવગણો.
આ કચરો મગજમાં ભરવાની કોઈ જરૂર નથી.વિઠ્ઠલ વ્યંકટેશ કામથની આત્મકથા ‘ઈડલી, ઓર્કિડ અને આત્મબળ’ પુસ્તક એક વાર જરૂર વાંચો. આજે અમીરીમાં આળોટતો વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત વિઠ્ઠલ કામથ એની કારકિર્દીના શરૂઆતનાં વર્ષોમાં પોતાનું સ્વપ્ન રોળાતું જોઈ આપઘાત કરવા નીકળ્યો હતો.
છેક મોતના બારણે ટકોરા મારી એ પાછો ફર્યો, કામે લાગ્યો અને સફળતા એના ચરણ ચૂમવા લાગી.
હતાશા ખંખેરો અને યાદ રાખોઃ ક્યારેક ઝૂડામાંની છેલ્લી ચાવી તાળું ખોલી દે છે.