વિઠલાપુર થી દસાડા હાઈવે પર આવેલી વી રબર નામની કંપનીમાં રોહિત નામના શ્રમિકનો મશીનમાં હાથ આવી જતા હાથ કપાઈ જતાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
આ ઘટના બાદ ઈજાગ્રસ્ત શ્રમિકને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની મળતી વિગતો અનુસાર આ કંપનીમાં કામ કરતા શ્રમિક રોહિતે નિત્યક્રમ મુજબ સવારે કંપનીમાં નોકરી પર આવી મશીન ચાલુ કરવાની કોશિશ કરી હતી.
પરંતુ મશીન જામ હોઈ મશીનનો પટ્ટો હાથથી ફેરવવાનો પ્રયત્ન કરતા અચાનક મશીન ચાલુ થઈ જતાં રોહિતનો હાથ મશીનની લપેટમાં આવી ગયો હતો.
ત્યારે બાજુમા ઉભેલા શ્રમીકે તાત્કાલિક મશીનની સ્વીચ ઓફ કરતા તેનો બચાવ થયો હતો.
પણ રોહિતનો હાથ કાપાઈને શરીરથી અલગ થયો હતો. ઘટનાની જાણ થતાં તેનાં પરિવારજનોએ આવી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ બનાવ બાદ કંપની જવાબદાર લોકો કોઈ જવાબ આપી રહ્યા નથી. તેવો રોહિતના પરિવારજનોનો આક્ષેપ છે.
વિઠલાપુર, દેત્રોજ અને માંડલ જીઆઈડીસીમાં વર્ષે દહાડે આવા અનેક અકસ્માત થાય છે.ત્યારે જે તે કંપનીમાં કામ કરતા કેટલાંક કામદારો આવી ઘટનાનો ભોગ બને છે તેને લઈને તેમના માટે કોઈ ખાસ અલગથી યોજના બનાવવી જોઈએ તેવી આ વિસ્તારના લોકોની માગણી છે.