સાયલા તાલુકાનાં છેવાડા ગામના વિસ્તારોમાં ગેરકાયદે હથિયાર અને વિદેશી દારૂની હેરફેર વધુ જોવા મળે છે. જેના કારણે સાયલા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા બાબતે પોલીસની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી છે. ત્યારે વધુ એક બનાવે પોલીસને દોડતી કરી છે.
ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા સખપર ગામમાં રહેતા અને ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 7 વર્ષની દીકરી રવિવારની રાત્રે 11 કલાક પછી જોવામાં આવી ન હતી. આથી પરિવારજનોએ આજુબાજુ સગા વહાલાઓમાં તપાસ કરી હતી. પરંતુ દીકરીની ભાળ મળી ન હતી. પરંતુ કોઈ અજાણ્યા શખસે અપહરણ કરીને લઈ ગયો હોવાની બાબતે પરિવારજનોએ ધજાળા પોલીસને જાણ કરી હતી.
બીજા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખસે અપહરણ કરીને લઈ ગયા હોવાનું જણાવતા પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી હતી. વધુમાં પરિવારજનોએ પોતાનો મોબાઈલ પણ ગુમ થયો હોવાની પોલીસને જાણ કરતા પોલીસે મોબાઈલના લોકેશન આધારે તપાસ હાથ ધરી છે. ધજાળા પોલીસે ગુનો દાખલ કરીને પીએસઆઇ તેમજ સીપીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અપહરણ થયેલી બાળકીની વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.