રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડ ઇ-કેવાયસીની કામગીરી ગોકળગાય ગતિ ચાલી રહી હોય મંગળવારે પુરવઠા વિભાગના સચિવ સાથે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં હવે આ કામગીરીમાં શાળાના શિક્ષકોને પણ જોડવા નિર્ણય કરાયો છે. પુરવઠા વિભાગના સચિવે આ કામગીરી ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી લેવા તાકીદ કરી છે.
રાજકોટ જિલ્લામાં 37 લાખ લોકોના રેશનકાર્ડમાં નામ છે અને તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 6 લાખ લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે હજુ પણ 30 લાખ રેશનકાર્ડધારકોની ઇ-કેવાયસીની કામગીરી બાકી હોય ગાંધીનગરથી પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું છે અને તમામ જિલ્લાના પુરવઠા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ડિસેમ્બરના અંત સુધીમાં ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા લક્ષ્યાંક આપ્યો છે. આ કામગીરી વેગવંતી કરવા માટે શિક્ષકોને ઇ-કેવાયસીની કામગીરીની જવાબદારી સોંપવા પણ નિર્ણય કરાયો છે.
જાણવા મળતી વિગતો મુજબ દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને ઇ-કેવાયસીની કામગીરીમાં જોડવામાં આવશે. શાળાઓમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓના ઇ-કેવાયસી જે તે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ મારફત ઓનલાઇન એપથી કરવાના રહેશે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી ઝડપી બનાવવા ગ્રામ પંચાયતના કર્મચારીઓને પણ ઇ-કેવાયસી કામગીરીની જવાબદારી સોપવા નિર્ણય કરાયો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 17 ટકા કામગીરી જ પૂર્ણ થઇ હોય બે માસમાં 83 ટકા કામગીરી મોટો પડકાર બની રહે તેવા સંકેતો મળી રહ્યા છે. શિક્ષણકોને ઈ-કેવાયસીની જવબાદારી સોંપી અપડેટની કામગીરીને ઝડપી બનાવાશે અને બે માસમાં સમગ્ર કામગીરી પૂરી કરવા લક્ષ્યાંક રખાયો છે.