વઢવાણ શહેરના 2 યુવાન મિત્રનું બાઇક લઇને વઢવાણ જમવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતા વઢવાણ ડી-માર્ટ ચોકડી પાસે પૂરપાટ આવતા દૂધના ટેન્કરે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઇકચાલકનું મોત થયું હતું. જ્યારે પાછળ બેસેલા યુવાનને ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત યુવાને ટેન્કરચાલક સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વઢવાણ 80 ફૂટ રોડ, સંત સવૈનાથ સર્કલે તા. 27-10-2024ને રાત્રિના 11 વાગ્યાના અરસામાં વાલજીભાઈ લવજીભાઈ પરમાર અને તેમના મિત્રો પ્રતિકકુમાર ખુશાલભાઈ જીતીયા, અક્ષય રામજીભાઈ સીંધવ, રાકેશભાઈ કાનજીભાઈ વગેરે ભેગા થયા હતા અને વાતો કરતા હતા. ત્યારબાદ વાલજીભાઈ અને પ્રતિકકુમારને જમવાનું બાકી હતું. આથી તા. 28-10-2024ના એકાદ વાગ્યાના અરસામાં વાલજીભાઈ અને પ્રતિકકુમાર બંને જણા પ્રતિકના મિત્ર વિજયભાઈ મનજીભાઈ સોનદરવાનું બાઈક લઇને વઢવાણ ગેબનશાપીર ખાતે જમવા માટે ગયા હતા. જમીને વાલજીભાઈ તેમજ પ્રતિક બાઇક લઇને ઘરે જવા નીકળ્યા હતા. આ સમયે બપાઇક પ્રતિકભાઈ ચલાવતા હતા.
આ દરમિયાન બે વાગ્યાના સમયમાં વઢવાણ ડી-માર્ટ પાસે આવતા એક દૂધનું ટેન્કર સામે આવતા જે એકાએક ડી માર્ટ તરફ વળી બાઇક સાથે ભટકાતા અકસ્માત થયો હતો. જેમાં વાલજીભાઈ પડી ગયા અને પ્રતિકભાઈ બાઇક સાથે પડી ગયા તેમજ ટેન્કરનું આગળ તથા પાછળનું ટાયર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં 34 વર્ષના પ્રતિકભાઈ ખુશાલભાઈ જીતીયાનું મોત થયું હતું. જ્યારે વાલજીભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં પ્રતિકભાઈના મૃતદેહનું ગાંધી હોસ્પિટલમાં પીએમ કરાવીને પરિવારજનોને સોંપાઈ હતી.
જિલ્લા વિકાસ ગ્રામ એન્જસી દ્વારા થાનમાં ફરજ બજાવતા એન્જિનિયરિંગ તરીકેની પ્રતિકભાઈ ફરજ બજાવતા હતા. અકસ્માતથી તેઓના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી. જ્યારે 2 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ અકસ્માતે મોતના બનાવમાં ઇજાગ્રસ્ત વઢવાણ બાયપાસ રોડ,ગણપતિ ફાટસર પાસે, ન્યૂ જીલ પાર્કમાં રહેતા વાલજીભાઈએ દૂધના ટેન્કરચાલક સામે સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.