એક તરફ આજે ધનતેરસનો દિવસ છે અને બીજી તરફ આજના જ આ શુભ દિવસે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જ્વેલર્સ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડતા સોની વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટના જે.કે. તેમજ આર.કે. સિલ્વર એન્ડ ગોલ્ડ સહીત અલગ અલગ 3 પેઢીના વેપારીઓ બિલ વગર કાચી ચિઠ્ઠી ઉપર સોનાનું વેચાણ કરતા હોવાની આશંકા આધારે તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરતમાં આઠથી વધુ જ્વેલર્સને ત્યાં દરોડા પડતા મોટા મોટા જ્વેલેરી શોરૂમના માલિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
રાજકોટમાં 3 સોની વેપારીઓને ત્યાં દરોડા
સોની બજારમાં લોકો ધનતેરસના શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરી રહ્યા છે તો બીજી તરફ સ્ટેટ જીએસટી વિભાગની અલગ અલગ ટીમો રાજકોટના સોની બજારમાં ચક્કર લગાવી રહી હોવાનું સામે આવ્યું છે.
સ્ટેટ જીએસટી વિભાગે આજે સવારથી જ રાજકોટની સોની બજારમાં વેપારીઓ જે.કે. અને આર.કે. ગોલ્ડ એન્ડ સિલ્વર સહિત 3 પેઢી પર દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી. જીએસટી વિભાગના સૂત્રના જણાવ્યા મુજબ આજરોજ શહેરના સોની બજારમાં અમુક વેપારીઓ કાચી ચીઠ્ઠી ઉપર વેચાણ કરી કર ચોરી કરતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે જીએસટી વિભાગે 3 સોની વેપારી પેઢી પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, સોની બજારમાં કોઈ પેઢી પર દરોડા કરાયા છે તે અંગે જીએસટીના જવાબદાર અધિકારીઓએ મૌન સેવી લીધું હતું અને અત્યંત ગુપ્તતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તપાસના અંતે બેનામી વ્યવહારો સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.
સુરતમાં આઠ જ્વેલર્સ શોરૂમ પર દરોડા
સુરતમાં આઠથી વધુ જ્વેલર્સને ત્યાં GST વિભાગના દરોડા પાડ્યા હતા. જેના કારણે મોટા મોટા જ્વેલેરી શોરૂમના માલિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
સુરતના કલામંદિર જ્વેલર્સ, બિશન દયાળ જ્વેલર્સ, પચ્ચીગર જ્વેલર્સ, દાગીના જ્વેલર્સ, ગહેના જ્વેલર્સ, નાકરાણી જ્વેલર્સ અને મહાવીર જ્વેલર્સ સહિત આઠથી વધુ જ્વેલર્સના ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. અધિકારીઓની ટીમ દ્વારા તમામ સ્ટાફ મેમ્બર્સ તેમજ મુકાયેલા તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.
બેનામી વ્યવહાર મળી આવવાની શક્યતા
ધનતેરસે મોટા પ્રમાણમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે, તેવા સમયે GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટીના દરોડાને પગલે જ્વેલર્સમાં ભારે હલચલ જોવા મળી છે.
સ્ટેટ જીએસટી સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા પ્રમાણમાં જીએસટી ચોરી મળી આવવાની શક્યતા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દસ્તાવેજોની તપાસણી શરૂ કરી દેવામાં આવી છે. જ્વેલર્સને ત્યાંથી કરોડો રૂપિયાના બેનામી હિસાબ મળી આવે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.