બોટાદ જિલ્લામાં સુવ્યવસ્થિત રીતે ચાલતાં બાયોડિઝલના વેપલાનો સ્ટેટ વિજિલન્સની ટીમે પર્દાફાશ કર્યો છે. ગઢડા તાલુકાના ઢસા ગામમાં ખુલ્લા પ્લોટમાં જેસીબી વડે ખાડો કરી દાટેલા લાેખંડના સ્ટોરેજ ટેન્ક મળી આવ્યા છે. પંચમહાલ પુરવઠા અધિકારીની ટીમે ત્રણ દિવસ સુધી છૂપાવેશમાં રેકી કરી બે દિવસમાં 23 હજાર લીટર બાયોડિઝલ કિ.રૂ.19.84 લાખનો મુદ્દામાલ સીઝ કરતાં સ્થાનિક તંત્ર શંકાના દાયરામાં ધેરાઇ છે. આ અંગે સીઝ કરેલા મુદ્દામાલ બાબતે પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગઢડા તાલુકાના ઢસા ગામની ચોકડી પાસે ભાવનગર-રાજકોટ હાઇવે પર એક હોટલની પાછળ ખુલ્લો પ્લાોટમાં જમીનની અંદર દાટેલા અંડર ગ્રાઉન્ડ લોખંડના સ્ટોરેજ ટેન્કમાંથી જ્વલનશીલ પેટ્રોલીયમ મળી આવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરાના એચ.ટી.મકવાણા તથા મદદનીશ નિયામક કીર્તિ પરમાર દ્વારા શંકાસ્પદ જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી 7 હજાર લીટર કિ.રૂ. 5,04,000, ડિસ્પેચી઼ગ યુનિટ એક નોઝલવાળું, 5 લીટરવાળું માપીયુ, ઈલેક્ટ્રીક મોટર નંગ-2, પ્લાસ્ટિકનું બેરલ તથા બોટલ, જવલનશીલ પ્રવાહી ટ્રાન્સફર કરવા માટેની પ્લાસ્ટિકની પાઈપ વગેરે મળીને કુલ કિ.રૂ. 5.39 લાખનો જથ્થો સીઝ કર્યો હતો.
જે બાદ 13 ડિસેમ્બરે પાટણા ગામની સીમમાંથી દાટેલા લોખંડના ચાર ઢાંકણાવાળા કુલ બે અન્ડર ગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીથી ભરેલા તથા અન્ય સાધન સામગ્રી શંકાસ્પદ સ્થિતિમાં બિનવારસી હાલતમાં મળી આવેલ હતી. આ કુલ રૂપિયા બે લાખનો મુદ્દામાલ તથા ટાંકી, જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી 6 હજાર લીટર, બીજી ટાંકીમાં ભરેલું જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી દસ હજાર લીટર, જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી હેરફેર કરવા માટે વપરાયેલી પાઈપ મળી કુલ રૂ.14.54 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
સ્થળની નજીકની હોટેલ સામે કાર્યવાહી થશે
જે જગ્યા ઉપર બાયોડિઝલનો કારોબાર ચાલતો હતો. જે સ્થળ નજીક હોટલ જેવા કારોબાર ધમધમે છે. આથી તેમના ધ્યાનમાં આ વેપલો નહીં આવ્યો હોય તે માની શકાય ન હોવાથી તે મુજબનો રિપોર્ટ બનાવી કાર્યવાહી કરવામાં આવશે.
ટેન્કરને જોઇ કારોબારની શંકા
ગત તા.30 નવેમ્બરે સ્ટેટ વિજિલન્સની ટીમે રેકી કરતાં વાડીની અંદર ટેન્કર જતું હોવાથી શંકા પડી હતી. આરોપીઓની મોડસ ઓપ્રેન્ડી પણ એવી હતી કે, તેઓ 2 કલાકમાં મુદ્દામાલનો વેપલો કરી ખાડા ઉપર ગોદડુ પાથરી લાકડાં ગોઠવી દેતાં હતા.