રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે.
આગામી ચોવીસ કલાક દરમિયાન પણ સૌરાષ્ટ્રના કચ્છના નલિયા, રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને નલિયામાં કોલ્ડવેવ જોવા મળી છે. જેમાં નલીયામાં તાપમાનનો પારો 6.4 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં 9.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 13.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આવનારા 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડવેવ જોવા મળી શકે છે. જેમાં તાપમાન નલિયામાં 06 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 08 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.
કોલ્ડવેવ એટલે શું ?
જ્યારે તાપમાનનો પારો સામાન્ય કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટે ત્યારે કોલડવેવની આગાહી આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉતરથી ઉત્તરપૂર્વ તરફ પવનની દિશા છે. જ્યારે ગુજરાત રિઝનમાં તે પૂર્વ તરફ છે. સમુદ્ર તટે આવેલા પ્રદેશોમાં તાપમાન 15 ડિગ્રી કરતાં ઘટે તો કોલ્ડવેવની આગાહી કરવામાં આવે છે