ચોટીલા નજીક રિક્ષા પલ્ટી ખાઇ જતાં ઘવાયેલા રાજકોટના દાઉદી વ્હોરા પરિવાર મુફદ્દલભાઇનું મોત
બેડીપરા સૈફી કોલોનીના મુફદ્દલભાઇ ઘોઘારી, તેના પત્નિ, પુત્ર-પુત્રી ધંધુકા લગ્ન પતાવી પરત આવતા હતાં ત્યારે અકસ્માત નડયોઃ મોભીના મૃત્યુથી પરિવારમાં શોક
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ચોટીલા નજીક આપાગીગાના ઓટલા નજીક ગત ૨૩મીએ રિક્ષાને અકસ્માત નડતાં રાજકોટના વ્હોરા પરિવારના ચાર લોકોને ઇજા થઇ હતી. જે પૈકી રિક્ષાચાલક અને પરિવારના મોભીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ બેડીપરા સૈફી કોલોનીમાં રહેતાં દાઉદી વ્હોરા મુફદ્દલભાઇ શબ્બીરભાઇ ઘોઘારી (ઉ.વ.૪૦) ૨૩મીએ પોતાની રિક્ષામાં પત્નિ ફરીદાબેન (ઉ.વ.૩૮), પુત્ર મહમદ (ઉ.વ.૧૨) અને પુત્રી બતુલ (ઉ.વ.૧૭)ને બેસાડીને ધંધુકાથી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા પાસે રિક્ષા પલ્ટી મારી જતાં ચારેયને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન રાતે મુફદ્દલભાઇનું મૃત્યુ થયું હતું. તેઓ ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે.
હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. આ પરિવારના લોકો ધંધુકા ભાણેજના લગ્ન પ્રસંગે ગયા હતાં. ત્યાંથી પરત રાજકોટ આવતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.