ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો:પરણિત યુવકે પરણિતાને પ્રેમમાં ફસાવ્યા બાદ તરછોડી દીધી હતી
બોટાદના ભીમડાદ ગામના પરણીત યુવક સાથે પરણિતાને પ્રેમ સંબંધ બંધાયા બાદ પરણિતાએ લગ્ન કરવાનું કહેતા યુવક એકાએક બદલાઈ ગયો હતો અને હવે મારી પત્ની આવી ગઈ છે તારે જવું હોય ત્યાં જા તેવું કહી પ્રેમિકાને તરછોડી મુકતા પ્રેમિકાએ લાઠીદડ પાસે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી હતી.
ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ આવેડા પાસે ભાડાના મકાનમાં રહેતા નંદાબેન ભુપતસિંહ ડોડીયા (ઉં.વ.60)ની દીકરી ના લગ્ન અગાઉ રોહીશાળા ગામે થયા હતા અને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો હતો.
બાદમાં નંદાબેનની દીકરીએ તેના પતિ સાથે આજથી ચાર વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ નંદાબેનની દીકરીને ભીમડાદ ગામના મેહુલ શામજી ચેખલિયા સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેની સાથે રહેતી હતી અને મેહુલ ચેખલિયાના અગાઉ લગ્ન થયા હતા આ દરમિયાન તેની પત્ની આવી જતા તેણે નંદાબેનની દીકરીને બોલાવીને તરછોડી મુકતા પરણિતાને લાગી આવતા તેણીએ લાઠીદડ પાસે ટ્રેન નીચે પડતું મુકતા નંદાબેનની દીકરીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ અંગે નંદાબેને મેહુલ શામજી ચેખલિયા વિરુદ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.