બોટાદમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો બનાવ:ભાણેજ માટે લીધેલા 16 લાખના દેવાની ઉઘરાણીથી કંટાળી 45 વર્ષીય વેપારીએ ઝેર પીધું
બોટાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદના ભાવનગર રોડ પર આવેલ સીતારામ નગર-1માં રહેતા 45 વર્ષીય જયસુખભાઈ ગાંભવાએ વાડી વિસ્તારમાં જઈને ઝેરી દવા પી લીધી હતી.
જયસુખભાઈ તેમના ભાણેજ નિજિલ સાથે ઓનલાઈન વેપાર કરતા હતા અને તેમના પત્ની ચોગઠ ગામમાં હેન્ડલૂમનો વેપાર કરતા હતા. ભાણેજ નિજિલને નાણાની જરૂર પડતાં જયસુખભાઈએ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના સાર્દુળભાઈ મેર પાસેથી રૂપિયા 8.50 લાખ અને ભાવનગરના ભરતભાઈ સોહલા પાસેથી 7.50 લાખ 8 ટકાના વ્યાજે લીધા હતા.
ભાણેજ દ્વારા વ્યાજની રકમ ન ચૂકવાતા વ્યાજખોરોએ જયસુખભાઈને વારંવાર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ ત્રાસથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પિતા ઠાકરશીભાઈ ગાંભવાએ બંને વ્યાજખોરો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે સાર્દુળભાઈ મેર અને ભરતભાઈ સોહલા સામે કલમ 108, 351-3,54 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.