હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ પહોંચે તે પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, રૂા. 53.33 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, 4ના નામ ખુલ્યા
રાજકોટના નામચીન બુટલેગર ધવલ સાવલિયાનો 14 લાખનો દારૂ એલસીબીએ ઝડપી પાડ્યા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જસદણ પાસેથી રૂા. 28 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી રૂા. 53.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો ચંદીગઢથી રાજકોટ આવતો હતો અને દારૂ ભરેલા ટ્રકની આગળ નામચીન બુટલેગર પાયલોટીંગ કરતો હોવાનું ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય સાથે ડિવાયએસપી કે.ટી. કામરિયા અને તેમની ટીમે વોચ ગોઠવી હોય તે દરમિયાન જસદણ નજીક બાયપાસ રોડ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટ્રક નં. એચ.પી.65-5933 નંબરના ટ્રકને અટકાવ્યો હતો. આ ટ્રક માંથી અલગ અલગ બ્રાંડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂા. 28 લાખની કિંમતના 13000થી વધુ વિદેશી દારૂની બોટલ અને ટ્રક સહિત રૂા. 53.33 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના બાબસર ગામના પ્રવિણ કુમાર દુર્ગાનંદ શર્મા અને સુરેન્દ્રનગરના વઢવાણના બકુલ દિનેશ નંદેસાણીયાની ધરપકડ કરી હતી. દારૂ ભરેલો આ ટ્રક ચદીગઢથી આવ્યો હતો. અને આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર ધવલ સાવલિયા અને તેના સાગરીત જયેશ સાવલિયા અને હાર્દિક જોગરાજિયાએ મંગાવ્યો હતો.