હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ શહેરની રામાપીર ચોકડી વિસ્તારમાંથી છએક દિવસ પહેલા એક સગીરા ગૂમ થઇ ગઇ હતી. આ સગીરાનું વિછીયાનો શખ્સ અપહરણ કરી ગયાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસની ટીમે તેને વિછીયાથી દબોચી સગીરાને તેના પરિવારને સોંપવા તજવીજ કરી હતી.
અપહરણ બાદ આ શખ્સે દૂષ્કર્મ પણ આચર્યુ હોઇ પોક્સો હેઠળ પણ કાર્યવાહી થઇ છે. બે વર્ષ પહેલા સગીરા તેના પરિવાર સાથે જુનાગઢ પરિક્રમામાં ગઇ ત્યારે આ શખ્સ સાથે પરિચય થતાં તેણે ફોન નંબર આપ્યા હતાં. બાદમાં સગીરાને ફસાવી રાજકોટથી અપહરણ કરી ગયો હતો.
વિગત એવી છે કે રામાપીર ચોકડી વસ્તારમાં રહેતાં પરિવારની ૧૭ વર્ષની દિકરી છ દિવસ પહેલા ગૂમ થતાં પોલીસને જાણ કરાઇ હતી. યુનિવર્સિટી પોલીસે સગીર ગૂમ થવાના બનાવમાં તુરત અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરતાં તેણીને એક શખ્સ બાઇકમાં બેસાડીને ભગાડી ગયાની માહિતી મળી હતી.
વિશેષ તપાસ થતાં આ શખ્સ વિછીયામાં બોટાદ રોડ શિવાજીપરામાં રહેતો ધવલ ઉર્ફ ધર્મેશ રમેશભાઇ બેરાણી (ઉ.વ.૨૧) હોવાનું અને હાલ તે જસદણ તરફ હોવાની બાતમી એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. પ્રતાપસિંહ મોયા, વિરેન્દ્રસિંહ ઝાલાને મળતાં ટીમ ત્યાં પહોંચી હતી અને ધવલ ઉર્ફ ધર્મેશને સગીરા સાથે દબોચી લીધો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ છુટક કામ કરે છે અને મોટે ભાગે રખડતો રહે છે. તેના પિતાએ પણ ચારેક વર્ષથી ઘરમાંથી કાઢી મુક્યો છે. બે વર્ષ પહેલા પરિક્રમામાં સગીરાનો સંપર્ક થયો ત્યારે તેને ફોન નંબર આપીને બાદમાં વાતો કરી ફસાવી હતી. આજથી છ દિવસ પહેલા તે બાઇક પર રાજકોટ આવી સગીરાનું અપહરણ કરી ગયો હતો.
પહેલા ચોટીલા અને ત્યાંથી વિછીયા અને છેલ્લે સગાને ત્યાં જસદણ ગયો હતો. સગીરા સાથે દૂષ્કર્મ પણ આચર્યુ હતું.