હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિછીંયા તાલુકાના ખારચીયા ગામે રહેતી પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી પરિણીતા અગાઉ બે વખત રિસામણે ચાલી ગઇ હતી. જેને પગલે મૃતક પરિણીતાના પરિવારે હત્યાનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીંયા તાલુકાના ખારચીયા ગામે રહેતી કાજલબેન રમેશભાઇ ગોહેલ નામની 25 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ ઘટના અંગે જાણ થતા વીછિંયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો. મૃતક પરિણીતાના માવતર પક્ષે કાજલબેનની હત્યાનો આક્ષેપ કરતા વિછીંયા પોલીસ દ્વારા પરિણીતાના મોતનું કારણ જાણવા મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક કાજલબેનના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ રમેશ ગોહેલ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી અગાઉ બે વખત માવતરે રસિામણે ચાલી ગઇ હતી. ગઇકાલે કાજલબેને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ મામાજી સસરાએ કાજલબેનના કાકા ધીરૂભાઇ રોજાસરાને ફોન કરીને ઘટના અંગે જાણ કરી હતી. કાજલબેનને મારી નાખ્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વીછિંયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.